Abtak Media Google News

વેરહાઉસ અને કોલ્ડ ચેઈનના માધ્યમથી માળખાગત સુવિધા વિકસાવવા તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તથા પાક વિમા માટે ખાસ જોગવાઈની શકયતા

આગામી નાણાકીય વર્ષમાં કેન્દ્રીય બજેટમાં સરકાર કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રમાં ફન્ડીંગ વધારે તેવી શકયતા નાણા મંત્રાલયના સૂત્રોએ વ્યકત કરી છે. ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ સરકારની આંખ એકાએક ઉઘડી છે. સફાળી જાગેલી સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં વેરહાઉસ અને કોલ્ડ ચેઈન સહિતની માળખાગત સુવિધા ઉભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો છે.

ગ્રામ્ય વિસ્તારમાં સરકારને ફટકો પડતા બજેટમાં ખાસ ધ્યાન ગ્રામીણ ક્ષેત્ર ઉપર રાખવામાં આવશે. આ ઉપરાંત મધ્યમ વર્ગને રાજી રાખવા માટે કર માળખામાં બહોળા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તેવી આશા પણ વ્યકત કરવામાં આવી રહી છે. મધ્યમ વર્ગીય પરિવારોને કરવેરા નિયમોમાં સુધારા સિવાયની અન્ય રાહતો પણ મળી શકે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત બનાવવા માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ર્ચિત સરકાર બજેટના માધ્યમથી કરણો. બજેટમાં પાક વિમા મામલે સરકાર ખાસ જોગવાઈઓ કરે તેવી આશા પણ રખાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે માળખાગત સુવિધાના અભાવે દેશમાં કરોડો ‚પિયા (અંદાજે ૩૩ ટકા)ની ખેત પેદાશોનો બગાડ થાય છે. કોલ્ડ ચેઈન અને સ્ટોરેજ ન હોવાના કારણે ખેડૂતોને પાણીના ભાવે પેદાશ આપી દેવી પડે છે અથવા તો પેદાશ ખરાબ થઈ જાય છે. આવી સુવિધાઓનો યોગ્ય વિકાસ ન થયો હોવાથી ગ્રામીણ વર્ગ સરકારથી થોડા અંશે રોષીત છે.

આગામી બજેટ ખેડૂતો, ગ્રામીણ રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રકર ઉપર કેન્દ્રીત રહેશે તેવું નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જણાવી રહ્યાં છે. ૨૦૧૮માં ૮ રાજયોમાં ચૂંટણી છે. ત્યારબાદ ૧૯માં સાંસદની ચૂંટણી છે. માટે ચૂંટણીઓને ધ્યાને લઈ મોટાભાગના મતદાર ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી સરકારનું ધ્યાન ગ્રામ્ય વિકાસ પર આધારિત રહેશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ખેત વિકાસમાં ૧.૭ ટકાનો કડાકો નોંધાયો છે. આ ઉપરાંત જણસીના ઓછા ભાવના કારણે પણ ખેડૂતો પરેશાન છે. સરકાર હવે ખેડૂતોનો રોષ વધુ સમય માટે સહન કરી શકે તેમ નથી. માટે કૃષિ ક્ષેત્રમાં વધુને વધુ ફન્ડીંગ કરવા સરકારની તૈયારી છે.

મોદી સરકાર ઘણા સમયથી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે તૈયારી કરી રહી છે. એક તરફ જીએસટીની અમલવારી બાદ વિરોધ વચ્ચે સરકારની આવકમાં કેટલાક પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. જુલાઈમાં જીએસટીના કારણે આવક ઘટી હતી. જો કે ત્યારબાદ જીએસટીથી જ આવકમાં બહોળો ઉછાળો જોવા મળ્યો હતો. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો થવાની શકયતા પણ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.