Abtak Media Google News

તોતીંગ ફી વધારા બાદ વાલી અને વિદ્યાર્થીઓમાં ભભૂકેલા રોષ બાદ સરકારે ફી વધારો પાછો ખેંચ્યો

ગુજરાતની જીએમઈઆરએસ ની 13 મેડીકલ કોલેજોના બેફામ ફી વધારા કરવાનો નિર્ણય સંપૂર્ણ ગેરવ્યાજબી અને વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક હતો.

વિદ્યાર્થી-વાલીઓ અને કોંગ્રેસ પક્ષના વ્યાપક વિરોધ પછી પરત ખેંચવાની ફરજ પડી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારી નાણાંથી પ્રજાના ટેક્ષના નાણાંથી ઊભી થયેલ જીએમઈઆરએસની 13 મેડીકલ કોલેજોને સંપૂર્ણ પણે સરકારી ફી ધોરણે મેડીકલ કોલેજોમાં રૂપાંતર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એક સાથે જીએમઈઆરએસની અભ્યાસક્રમની મેડીકલ ફીમાં 67 થી 88 ટકા સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા હતા.

સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફી નો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને જીએમઈઆરએસની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો હતો.ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગતા હતા તે વિદ્યાર્થી-વાલીઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી હતી.

જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લેખીત પત્રથી અસરકારક રજુઆત કરી હતી અને રાજ્યની 13 જેટલી જીએમઈઆરએસ ની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય – મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે ત્યારે મેડીકલ અભ્યાસક્રમનો તોતીંગ ફી વધારો પરત ખેંચવાની જાહેરાત આવકાર્ય છે અને રાજ્ય સરકાર ખુદ ઉંચી ફીની મેડીકલ કોલેજોને બદલે સરકારી ફીના ધોરણે જીએમઈઆરએસ કોલેજોને તબદીલ કરવામાં આવે જેથી ઓછી ફીમાં સામાન્ય-મધ્યમવર્ગના ઉચ્ચ મેરીટ ધરાવતા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ ડોક્ટર બને અને ગુજરાતની આરોગ્ય સેવાને ફાયદો થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.