Abtak Media Google News

બજારમાં તરલતા લાવવા તથા અર્થતંત્રને ધબકતુ કરવા સરકારનુ વધુ એક મક્કમ પગલું

એનબીએફસી ક્ષેત્રને ૧૯ હજાર કરોડથી પણ વધુનુ ધિરાણ અપાયું

ગ્રાહકોનો ‘પરચેસીંગ પાવર’ વધે તે માટે અનેકવિધ આઉટરીચ પ્રોગ્રામ હાથ ધરાયા

ભારત દેશની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ હોવાનાં કારણે તેણે ફરીથી મજબુત અને બેઠી કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય અધિકૃત બેંકો મારફતે સરકારે એક જ મહિનામાં અઢી લાખ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. બજારમાં તરલતાનાં અભાવે લોકોની ખરીદ શકિતને પણ ખુબ જ માઠી અસર પહોંચી હોવાથી ઓકટોબર માસમાં ગ્રાહકોની ખરીદ શકિત વધે તે માટે સરકારે લોન ઉપરાંત અનેકવિધરૂપે ધિરાણ પુરું પાડયું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર ગ્રાહકોને માત્ર લોન નહીં પરંતુ અનેકવિધ આઉટરીચ પ્રોગ્રામ, લોન મેળા જેવા પ્રોગ્રામો હાથ ધરી બજારમાં રૂપિયો ફરતો થાય તે દિશામાં સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. નોટબંધી અને જીએસટી જેવા જટીલ કાયદા લાગુ કર્યા બાદ દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ માઠી અસર પહોંચી છે ત્યારે ફરીથી તેણે ધબકતું કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું જે સ્વપ્ન સેવ્યું છે તેને કેવી રીતે સાર્થક કરી શકાય તે હેતુથી પણ વિકાસલક્ષી પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લોકોની ખરીદ શકિતમાં વધારો કરવા માટે સપ્ટેમ્બર માસમાં તમામ રાષ્ટ્રીય અધિકૃત બેંકોને ગ્રાહકોને સરળતાથી ધિરાણ મળી શકે તે રીતે પગલા ભરવામાં આવ્યા છે અને જે ધિરાણની પ્રક્રિયા સરળ બનાવવા માટે નાણા મંત્રાલય દ્વારા તમામ બેંકોને સુચવવામાં આવ્યું હતું. આ દિશામાં આશરે ૩૫૦થી પણ વધુ જિલ્લામાં આઉટરીચ પ્રોગ્રામ તથા લોન મેળાનું આયોજન કરી લોકોની ખરીદ શકિતમાં વધારો કરી શકાય તે હેતુથી તમામ મહત્વપૂર્ણ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

રાષ્ટ્રીય અધિકૃત બેંકો કે જે રાજય દ્વારા સંચાલિત થતા હોય તેવી બેંકો મારફતે ૨,૫૨,૫૮૯ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી જેમાં ૧,૦૫,૫૯૯ કરોડ રૂપિયા નવી લોન મારફતે આપવામાં આવ્યા હતા જયારે નેટવર્કીંગ કેપીટલ લોન તરીકે ૪૬,૮૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું તેમ નાણા મંત્રાલય દ્વારા જાણવા મળી રહ્યું છે. એક જ માસમાં રાષ્ટ્રીય અધિકૃત બેંકોએ ૬૦ ટકાથી પણ વધુનું ધિરાણ કરી દેશની અર્થવ્યવસ્થાને ધબકતી કરવા માટે મહત્વપૂર્ણ પગલા લીધા હોવાનું સામે આવ્યું છે. નાણા મંત્રાલયનાં સેક્રેટરી રાજીવ કુમારે જણાવતા કહ્યું હતું કે, બેંકોની સ્થિતિ ખુબ જ સારી છે અને ધિરાણની પ્રક્રિયા ખુબ સરળતાથી અને સુદ્રઢ રીતે ચાલી શકે તેમ છે. બે વર્ષમાં સરકારે જે અર્થાગ પ્રયત્નો કર્યા છે તેનાથી પબ્લીક સેકટર બેંકો એટલે કે રાષ્ટ્રીય અધિકૃત બેંકોની સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે.

બીજી તરફ દેશનાં અર્થતંત્રનાં કરોડરજુ સમાન નોનબેન્કિંગ ફાયનાન્સ કંપનીની પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાનાં કારણે અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે ત્યારે ગત ઓકટોબર માસમાં ૧૯,૬૨૭.૨૬ કરોડ રૂપિયા એનબીએફસી કંપનીઓેને આપવામાં આવ્યા હતા જો એનબીએફસી ક્ષેત્ર વધુને વધુ સઘન બનશે તો મધ્યમ વર્ગ કે તેથી નીચેનાં વર્ગનાં લોકોને અનેકગણો ફાયદો પહોંચી શકે તેમ છે. નાણામંત્રી નિર્મલા સીતારામનનાં આદેશ અનુસાર કુલ બે સ્તર પર આઉટરીચ પ્રોગ્રામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં એનબીએફસી કંપનીઓ તથા પ્રાઈવેટ બેંકોનો સાથ સહકાર મળવાપાત્ર રહ્યો હતો. પહેલા સ્તરમાં ૧ ઓકટોબરથી ૯ ઓકટોબર સુધી ૨૨૬ જિલ્લા જયારે ૨૧ ઓકટોબરથી ૨૫ ઓકટોબર સુધી આ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પ્રોગ્રામ હેઠળ બેંકોએ ગ્રાહકોનાં નવા આધારકાર્ડ, બેંક ખાતાઓ સહિતની અનેક કામગીરી હાથધરી તેઓને મદદગાર થયા હતા. ૧.૨૨ લાખ કરોડ રૂપિયાની લોન જયારે આપવામાં આવે છે તેમાંથી ખેતીને લગતી લોનની રકમ ૪૦,૫૦૪ કરોડ તથા એમએસએમઈ ક્ષેત્રને ૩૭,૨૧૦ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ હોમ લોન પેટે ૧૨,૧૬૬ કરોડ જયારે વ્હીકલ લોન પેટે ૭૦૫૮ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.