બામણબોર નવા ગામમાંથી લીલા ગાંજાનું વાવેતર પકડાયું; 280 છોડવા કબજે

રાજકોટમાં નશીલા પદાર્થોનું ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે તકનો લાભ લઈ ગાંજા જેવા નશીલા પદાર્થમાં ધુમ કમાણી કરી લેવા ખેડૂતો પણ ગાંજાનું વાવેતર કરવા લાગ્યા છે. જેમાં શહેરની ભાગોળે બામણબોર નવાગામમાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની 280 છોડ સાથે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

2.190 કિલોગ્રામ ગાંજાના છોડને પૃથ્થકરણ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના બામણબોર નવાગામ રહેતા વશરામ રણછોડભાઈ બાવળીયાએ પોતાની માલીકીના વડવાળી વીડ નામના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો.

પોલીસની તપાસમાં ખેતરમાંથી 2.190 કિલોગ્રામ ગાંજાના 280 છોડ મળી આવતા એફ.એસ.એલ અધિકારીને જાણ કરી લીલા ગાંજાના છોડ કબ્જે કરવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે એફ.એસ.એલ. ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જેનો અભિપ્રાય આવ્યા બાદ ખેડૂત સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી એરપોર્ટ પોલીસ મથકના પી.આઈ. જી.એમ.હડીયા, પી.એસ.આઈ. વી.સી.પરમાર, કે.એમ.વાંઝા, વિ.કે. સોલંકી, રમણીકભાઈ પ્રવિણભાઈ, યશપાલસિંહ, દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે કરી હતી.