Abtak Media Google News

કસ્ટમ્સ રિફંડ અને ડ્યુટી ડ્રો માફક જીએસટી રિફંડ માટે પણ અભિયાન શરૂ કરવા સીબીઆઈસીનો આદેશ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)એ આ મહિનાના અંત સુધીમાં બાકી રહેલા તમામ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ(જીએસટી)ના રિફંડ અરજીઓના નિકાલ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.  કસ્ટમ્સ ડ્યુટી અને ડ્યુટી રિફંડ અરજીઓના નિકાલ માટે ચાલી રહેલા અભિયાનની જેમ સીબીઆઇસીએ જીએસટી રિફંડ અંગે 15 દિવસનું વિશેષ અભિયાન  શરૂ કર્યું છે.

સીબીઆઈસીએ તમામ પ્રિન્સિપાલ ટેક્સ કમિશનરોને નિર્દેશ આપ્યો છે કે, કોરોના મહામારીની બીજી લહેરની મુશ્કેલ સમયમાં કંપનીઓ, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એમએસએમઇ)ને તાત્કાલિક રાહત આપવા માટે બાકી રહેલા જીએસટી રિફંડની અરજીઓના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવા આદેશો આપવામાં આવ્યા છે.

બોર્ડે કહ્યું કે, આ.અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જીએસટી રિફંડ બાકી રહેલા દાવાઓને અગ્રતાના ધોરણે સમાધાન માટે 15 મે 2021 થી 31 મે 2021 સુધી એક ખાસ જીએસટી સમાધાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સીબીઆઈસીએ તેવું પણ કહ્યું હતું કે, જીએસટી કાયદો રિફંડ સંબંધિત પત્ર જારી કરવા માટે 15 દિવસનો સમય આપે છે.  આ સાથે, કોઈપણ વ્યાજ વિના રકમ પરત આપવાના દાવાના સમાધાન માટે 60 દિવસનો સમય મળી ગયો છે.

બોર્ડે કહ્યું જોકે, એવી અપેક્ષા છે કે, તમામ સંબંધિત કેન્દ્રીય કર અધિકારીઓ બાકી રહેલા જીએસટી રિફંડ દાવાઓને નિકાલની પ્રાધાન્યતાના ધોરણે લેશે અને તેઓએ નિર્ધારિત સમય પહેલા તેને સમાધાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.  તે ધ્યાનમાં રાખવું જોઈએ કે, રિફંડ ક્લેમ એપ્લિકેશન પ્રાપ્ત કર્યા પછી, તે 30 દિવસની અંદર સમાધાન લેવી જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ વિશેષ અભિયાન અંતર્ગત જીએસટીના તમામ રિફંડ દાવા 31 મે, 2021 સુધીમાં સમાધાન કરવામાં આવશે.

આ સંદર્ભમાં કર અધિકારીઓ, કરદાતાઓના ઉત્તરદાતા દ્વારા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે, અગ્રણી વેપાર અને ઉદ્યોગ સંગઠનો, ખાસ કરીને એમએસએમઇ સાથે સંકળાયેલા સંગઠનો સાથે સંકલન કરશે જેથી ટૂંકા સમયગાળામાં નિકાલની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

31મી સુધી રિફંડ માટે કરી શકાશે ક્લેઇમ

સીબીઆઇસી દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે દેશભરના નાના-મોટા વેપારીઓને અસરકર્તા મુદ્દો છે. અગાઉ જીએસટી રિફંડ મુદ્દે અનેક ઉહાપોહ પણ થયા છે. ત્યારે મહામારીના સમયમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને મદદરૂપ થવાના લક્ષ્ય સાથે 15 દિવસમાં રિફંડ આપવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અરજદારોની રિફંડ અરજી હજુ સુધી પેન્ડિંગ છે તેનો નિકાલ 31મી મેં સુધીમાં થઈ જાય તેવી સંપૂર્ણ શકયતા છે. નોંધનીય બાબત છે કે, આ અભિયાનનો લાભ લેવા અરજદારોએ 31મી સુધીમાં અરજી કરી દેવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.