Abtak Media Google News

પાલારા જેલમાં બંધ વિદેશી મહિલા કેદીએ જેલ અધિક્ષક રાજેન્દ્ર રાવ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી !!

ભુજની પાલારા જેલની બંદીવાન વિદેશી મહિલા દ્વારા જેલના જેલ અધિક્ષક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પાસપોર્ટ એક્ટના ભંગ સહિતના ગુનામાં ભુજની જેલમાં બંધ મહિલા કેદીએ અન્ય બે જેલ કર્મચારીની મદદથી તેને શારીરીક છેડછાડના આક્ષેપ કરતી અરજી કરાઇ છે. જ્યાં જેલ અધિક્ષકે પોતાના પર થયેલા આક્ષેપને ફગાવી કોઇ ન્યાયીક તપાસ એજન્સી તપાસ કરે તેવી માંગ કરી છે.
પાલારા જેલમાં બંધ એક વિદેશી મહિલા કેદીએ જેલના મુખ્ય અધિકારી રાજેન્દ્ર રાવ સામે ગંભીર આરોપ મુક્યા છે. ગઇકાલે વકિલ મારફતે હાઇકોર્ટમાં આ સદંર્ભેની અરજી કરાઇ છે. જેમાં જેલ અધિક્ષક દ્વારા એક મહિલા અને એક પુરૂષની મદદથી તેમની સાથે સેક્યુઅલ હેરેસમેન્ટ કર્યુ હોવાની ફરીયાદ કરી છે. જોકે ગઇકાલે આ મામલો સામે આવ્યા બાદ આજે જેલના અધિક્ષક રાજેન્દ્ર રાવે જેલ સત્તાધીશો પર દબાણ લાવવા માટે આ ખોટી અરજી કરાઇ હોવાનું કહી કોઇપણ એજન્સી તપાસ કરી મામલાની યોગ્ય તપાસ કરે તેવી માગ કરી છે. નાઇઝેરિયન મહિલા લાંબા સમયથી આ જેલમાં કેદ છે. તેના દ્વારા આ આક્ષેપ કરાયા છે.
સીસીટીવી સહિતની સુવિધા સાથે સજ્જ જેલમાં આ પ્રકારનુ કૃત્ય કરવું એક રીતે મુશ્કેલ માની શકાય તેવુ છે. પરંતુ જેલની અંદર અને તે પણ વિદેશી મહિલા દ્વારા કરાયેલા આક્ષેપ ગંભીર છે. તો સામે પક્ષે જેલ સત્તાધીશ પણ ન્યાયીક તપાસ થાય તો અરજીનો મુળ ઉદ્દેશ ખુલ્લો પડવાની વાત કરે છે. જોકે આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ પણ મામલાની તપાસમાં લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.