Abtak Media Google News

સિરામિક ઉદ્યોગના પ્રશ્ર્નો સબબ ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાને સાથે રાખીને ઉદ્યોગપતિઓએ ગાંધીનગર કરેલી રજૂઆત સફળ રહી

અગાઉ રૂ.8.50ના ભાવ ઘટાડા બાદ 53 રૂપિયા થયા હતા, આજે વધુ 7નો ઘટાડો થતા ઉદ્યોગકારોને 47.80 રૂપિયામાં મળશે નેચરલ ગેસ

ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે મોરબી સિરામિક એશોશીએશનના પ્રમુખો-સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેમજ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની આગેવાની સિરામિક ઉદ્યોગના પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસમાં ભાવ ઘટાડો કરવા સહિતના પ્રશ્ર્નોની રજૂઆત કરેલ ત્યારે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં સિરામિક ઉદ્યોગકારોને પાઇપલાઇન થકી પૂરો પાડવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુસિક રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડા સાથે ઉદ્યોગકારોને ફાયદો થયેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ગુજરાત ગેસ દ્વારા ભાવ ઘટાડવામાં આવતા તેનો સીધો જ ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગ જગતને થશે.

મોરબી સિરામિક ઉદ્યોગ જગતની મહત્વની જરૂરિયાત એવા નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં વધારો થયા બાદ ધીમે ધીમે ગેસના ભાવમાં ઘટાડો થવાનું શરૂ થયું છે. આજે ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક કલસ્ટર માટે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ 8.50 રૂપિયાના ભાવ ઘટાડા બાદ નેચરલ ગેસના ભાવ 53 રૂપિયા થયા હતાં. જેમાં આજે વધુ 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ નવા વર્ષની શરૂઆતમાં જ ગેસના ભાવમાં ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં રાહત મળેલ.

ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં રૂ.7 નો ઘટાડો કરવામાં આવેલ છે, જેની સત્તાવાર જાહેરાત 3 જાન્યુઆરી 2023ના ગુજરાત ગેસના કરાયેલા કરાર મુજબના ભાવપત્રકમાં જાહેર કર્યા હતા.

ગુજરાત ગેસ દ્વારા જે ભાવ ઘટાડો જાહેર કર્યો છે. તેમાં નોન એમજીઓ યુનિટોમાં રૂ.67.79 હતા તે હવે ઘટીને રૂ.60.79 થયા, 3 મહિના માટે એમજીઓ કરનાર યુનિટોમાં રૂ.54.89 હતા તે ઘટીને રૂ.46.43 થયા છે અને એક મહિના માટે એમજીઓ કરનાર યુનિટોમાં રૂ.47.93 ભાવે ગેસ મળશે. ગુજરાત ગેસ દ્વારા જે ભાવ ઘટાડાની જાહેરાત કરી તે મુજબનો ભાવ ઘટાડો આજથી લાગુ પડશે.

વધુમાં સિરામિક ઉધોગના પ્રશ્નો માટે નવનિયુક્ત ધારાસભ્ય કાંતિભાઈની આગેવાનીમાં મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો દ્વારા ગાંધીનગર ખાતે ગેસના ભાવની રજૂઆતો કરાતા, ગુજરાત સરકારે જે ગેસના ભાવમાં રૂ.7 નો ઘટાડો કરતા આ તકે મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખો દ્વારા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવા વર્ષના પ્રારંભે જ ગેસના ભાવમાં ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં રાહત મળશે: મુકેશભાઇ કુંડારીયા

મોરબી સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઇ કુંડારીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ 26 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને અમારા ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગઇકાલે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂ.7નો ઘટાડો કરવામાં આવ્યો છે.

અગાઉ રૂ.8.50ના ભાવ ઘટાડા બાદ નેચરલ ગેસના ભાવ રૂ.53 થયા હતા. જેમાં ગઇકાલે વધુ રૂ.7નો ઘટાડો કરવામાં આવતા હવે ડોલરના ભાવની વધઘટ મુજબ અંદાજે 47.80 જેટલા ભાવે ઉદ્યોગકારોને ગેસ મળી શકશે. આમ નવા વર્ષના પ્રારંભે જ ગેસના ભાવમાં ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં થોડી રાહત મળશે. આ માટે અમે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીનો આભાર માનીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.