Abtak Media Google News

મઘ્યમ વર્ગીય પરિવાર માટે સિંગતેલનું ટીપુ દોહલુ: ડબ્બાના ભાવ રૂ. 3130 થી 3180

સૌરાષ્ટ્રના તમામ માકેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થઇ જવા પામી છે છતાં સિંગતેલના ભાવ ઘટવાનું નામ લેતા નથી. તેલના ભાવ ઘટવાના બદલે ઉલ્ટાના સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 240 નો તોતીંગ ઉછાળો નોંધાતા હાલ 1પ કિલોના ડબ્બાના ભાવ રૂ. 3130 થી લઇ રૂ. 3180 સુધી આંબી ગયા છે. સારી કવોલીટીની મગફળીની આવક હજી થતી ન હોવાના કારણે તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

સામાન્ય રીતે સાતમ-આઠમના તહેવારો બાદ તમામ પ્રકારના ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાતો હોય છે. પરંતુ સિંગતેલમાં જાણે ઉલટી ગંગા શરુ થઇ હોય તેવુ: લાગી રહ્યું છે. તહેવારો પૂણ થયા બાદ અને તમામ યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થવા બાદ પણ સિંગતેલના ભાવ ઘટવાનું નામ લેતા નથી. સાતમ આઠમના તહેવાર પહેલા સિંગતેલના ડબ્બાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. દરમિયાન છેલ્લા એક સપ્તાહથી સિંગતેલના ભાવમાં એકધારો વધારો થઇ રહ્યો છે. એક અઠવાડીયામાં 1પ કિલો સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. ર40 નો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3130 થી 3180 બોલાય રહ્યો છે.

આગામી એકાદ પખવાડીયા સુધી હજી ભાવ ઘટશે નહી દરમિયાન સારી ગુણવતાવાળી મગફળીની આવક શરુ થતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની આશા છે. મઘ્યમ વર્ગીય પરિવાર માટે સિગતેલનું ટીપુ દોહલું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જો કે સાઇડના અન્ય તેલ જેવા કે કપાસીયા તેલ, સનફલાવર તેલ, મકાઇ તેલ, પામ તેલના ભાવમાં મોટો વધારો ઘટાડો થયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.