Abtak Media Google News

રૂા.103 કરોડના ખર્ચ તૈયાર થયેલી 162 મીડી બસ, 99 સ્લીપર બસ અને 18 લકઝરી બસ મુસાફરો માટે શરૂ કરાવતા કેન્દીય ગૃહમંત્રી અમિત શાહ

ગત ડિસેમ્બરમા: ગુજરાતની ગાદી ફરી સંભાવ્યાના માત્ર પાંચ માસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે ગુજરાતની પ્રજાની સુખાકારી માટે એસટી નિગમની 818 બસનું લોકાર્પણ  કર્યુ છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે 3ર1 બસને લીલી ઝંડી આપવામાં આવી હતી તેઓએ ખુદ બસમાં ચડીને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

Advertisement

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે  રાજય સરકારના ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં   321 અદ્યતન નવીન બસોનું લોકાર્પણ કરાયું હતું. 103 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસોમાં 162 મીડી બસ, 99 સ્લીપર બસ, 58 લક્ઝરી બસોનો સમાવેશ કરાયો છે.

Bus

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ  તથા ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી  હર્ષભાઈ સંઘવીએ  GSRTCની આ બસોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી અને લીલી ઝંડી બતાવીને આ બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. GSRTCની આ બસો કુલ 125 જેટલા ડેપોમાં કાર્યરત કરાશે અને 1 લાખ 25 હજાર કિલોમીટરની મુસાફરી તય કરશે. આ બસોનો સીધો લાભ ગામડાના છેવાડાના લોકોને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે અને દરરોજ કુલ  49,500થી વધારે મુસાફરો આ બસોનો લાભ મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2022માં નવી સરકાર રચાયા પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં 800થી વધારે બસોનો ઉમેરો થયો છે. ગત તા. 13/02/23ના રોજ ગાંધીનગર બસ સ્ટેશન ખાતે 151 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 40 સ્લીપર કોચ બસો તથા 111 લકઝરી બસોનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ તા. 12/03/23 ના રોજ જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 151 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 30 સ્લીપર કોચ બસો, 70 લકઝરી બસો અને 51 રેડી બિલ્ટ મીડી બસોનો સમાવિષ્ટ હતી.

એ પછી તા. 12/04/23 ના રોજ પાલનપુર બસ પોર્ટ ખાતે 70 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 10 સ્લીપર કોચ બસ, 25 લકઝરી બસ અને 35 રેડી બિલ્ટ મીડી બસોનો સમાવેશ થયો. ત્યાર પછીતા. 29/04/23 ના રોજ વલસાડ વિભાગના નવસારી બસ પોર્ટ ખાતે 125  બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 20 સ્લીપર કોચ બસ, 35 લકઝરી બસ તથા 70 રેડ બિલ્ટ મીડી બસોનો સમાવેશ કરાયો.આમ, છેલ્લા પાંચ મહિનામાં કુલ 818 જેટલી બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં અમદાવાદના શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સાંસદ કિરીટભાઈ સોલંકી, પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય દિનેશ કુશવાહ, ધારાસભ્ય અમિતભાઇ શાહ, અને જીએસઆરટીસીના જનરલ મેનેજર જે.પી.વદર તેમજ ઉચ્ચ અધિકારીઓ, ડ્રાઇવરો તેમજ કંડકટરો ઉપસ્થિત રહ્યા હતા.શાહે આ ઉપરાંત બોડકદેવ ખાતે પારમેશ્વર મહાદેવ અને હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તથા ઉપસ્થિત નાગરિકો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત  તેઓએ ગાંધીનગર ખાતે અમુલ ફેડ ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક પરીક્ષા પ્રયોગશાળાનું પણ લોકાર્પણ કર્યું હતું આ પ્રકલ્પના માધ્યમથી કિસાનોના ઓર્ગેનિક દૂધ ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થશે અને સાથે સાથે જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. આ સુવિધાથી ભૂમિ સંવર્ધનની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.