Abtak Media Google News

પીએમજેવાય યોજના અંતર્ગત ડાયાલિસિસ ભાવમાં ઘટાડો કરતાં ખાનગી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ તબીબો હડતાળ પર

પીએમજેવાય યોજના અંતર્ગત ડાયાલિસિસની પ્રક્રિયામાં ભાવ ઘટાડવામાં આવતા નેફ્રોલોજિસ્ટ તબીબો દ્વારા ત્રણ દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે આજરોજ ડાયાલિસિસના દર્દીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહિ પરંતુ ડાયાલિસિસના દર્દીઓ હોસ્પિટલ જતા તેમની હાલત દયનીય બની હતી.

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજનામાં ઘટાડેલા ભાવને લઈને વિરોધ દર્શાવામાં આવ્યો હતો. માત્ર રાજકોટ શહેરમાં જ રોજના 200 જેટલા દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે. જેમાં ભાવ ઉતારવામાં આવતા આ તબીબો હડતાળ પર ઉતર્યા છે. સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નહિ આવે તો હજુ હડતાળ જારી રાખવા માટે પણ જણાવ્યું હતું. જેના કારણે આજરોજ દર્દીઓ અને તેમના સબંધીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું.આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દર્દીઓના સબંધીઓ જણાવ્યું હતું કે એક દિવસ પણ ડાયાલિસિસ માટે મોડું થાય તો તેમને ઘણી મોટી મુશ્કેલીઓની સામનો કરવાનો થાય છે. જેથી સરકાર અને તબીબો વચ્ચેની લડાઈમાં દર્દીઓ પિસાઈ નહિ તેના માટે કલેકટરને રજૂઆત કરી હતી.

સરકાર દ્વારા આ પ્રશ્ર્નને લઈને ગંભીરતા દાખવી યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી માંગ: કૌશલ બારડ (દર્દી)

ડાયાલિસિસ દર્દી કૌશલ બારડએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાં હેઠળ સરકાર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલોમાં સંપૂર્ણ નિશુલ્ક સારવાર આપવામાં આવે છે. જે સેવાની રકમ સરકાર દ્વારા ઘટાડવામાં આવતા હાલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેવાઓ બંધ કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેવાના કારણે ડાયાલિસિસના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમયસર ડાયાલિસિસ ના કરવાથી શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. માટે સરકાર દ્વારા આ પ્રશ્નને લઈને ગંભીરતા દાખવી યોગ્ય નિરાકરણ કરવામાં આવે જેથી દર્દીઓ ફરીથી સમયસર ડાયાલિસિસ કરી શકે.

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ રાબેતા મુજબ થશે: તબીબી અધિક્ષક ડો.ત્રિવેદી

નેફ્રોલોજિસ્ટ દ્વારા સરકાર સામે યોજનાના ભાવ ઘટાડવા અંતર્ગત હડતાળ કરવામાં આવી છે. જેના કારણે હાલ ડાયાલિસિસના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેના માટે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નેફ્રોલોજિસ્ટ એસોસિએશન દ્વારાં હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રહેશે. રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ ત્રણ દિવસની હડતાળ પાડી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ડાયાલિસિસના દર્દીઓ માટે સંપૂર્ણ તૈયાર છે.

અંદાજે દરરોજ 100 જેટલા દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે. સમયાંતરે નેફ્રોલોજીસ્ટ ડોક્ટર દ્વારા ડાયાલિસિસના દર્દીઓ પર મોનીટરીંગ કરવામાં આવે છે. દર્દીઓને કોય પણ પ્રકારની હાલાકી ન પડે તે મટે તૈયાર છીએ. ત્યારે હાલ તબીબોની હડતાળને લઈને ડાયાલિસિસના દર્દીઓને હાલાકી ન રહે તે માટે સિવિલ તંત્ર મેદાને આવ્યું છે અને ડાયાલિસિસ માં તાત્કાલિક તબીબો અને સ્ટાફ વધારી તેની કામગીરી વધારી દેવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ આગળ જતા જરૂર પડે તો હજુ વધુ કામગીરી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.