Abtak Media Google News

દારૂના દુષણથી સભ્ય સમાજમાં હચમચાવતા કિસ્સાથી હાલાર સ્તબ્ધ

આ સમાચાર લખતા પણ શરમ આવે એવી ઘટના જામનગરમાં બની છે. જેમાં  નરાધમ પુત્રએ તમામ હદ પાર કરીને પોતાની જનેતાની જ આબરૂ લૂંટી છે. આ કપાતર પુત્ર વિરુદ્ધ ખુદ તેની માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર ઘટનાથી શહેર અને પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસે હેવાન પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તાબડતોડ પકડી લઇને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા એક વિસ્તારના સ્લમ વિસ્તારમાં એક મહિલા રાત્રીના સમયે પોતાના રેનબસેરામાં સૂતી હતી ત્યારે જ દારૂના ચિક્કાર નશામાં તેનો પુત્ર એકાએક ધસી આવ્યો હતો અને નશામાં ચૂર હોવાથી ભાન ભૂલી પોતાની સગી જનેતા સાથે બળજબરી કરવા લાગ્યો હતો. માતાએ બચવા માટે પ્રતિકાર કર્યો પરંતુ તે અસફળ રહી અને નરાધમ પુત્રએ માતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

કોઇને પણ કહી ન શકાય એવી ઘટના બનતા થોડીવાર તો ભોગ બનેલી તેની માતા હતપ્રત રહી ગઇ હતી. ત્યારબાદ જેમતેમ હિમ્મત કરીને સમગ્ર ઘટના અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી કપાતર પુત્રને સજા મળે તે માટે ફરિયાદ દાખલ કરી છે. બીજી બાજુ પોલીસ પણ આ નરાધમ પુત્રનું નામ સાંભળી ચોંકી ઉઠી હતી કારણ કે આરોપીનું નામ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યું છે. બાદમાં પોલીસે તુરંત હરકતમાં આવીને આરોપીની ધરપકડ કરી છે અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.