Abtak Media Google News

ભૂદાન આંદોલનના જનક અને ઉચ્ચ કોટીના ચિંતક

૧૯૬૦માં ચંબલ ખીણના ખુંખાર ડાકુઓએ વિનોબાજીના ચરણોમાં હથિયારો મુકી દઈ કરેલ આત્મ સમર્પણ

ભારત સરકાર દ્વારા વિનોબા ભાવેને ૧૯૮૩માં મરણોત્તર ભારત રત્ન પારિતોષિકનું સર્વોચ્ચ સન્માન થયું’ તું

ભૂદાન પ્રવૃતિના પ્રણેતા, ઉચ્ચ કોટીના ચિંતક, ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર, સત્ય – પ્રેમ – કરુણાનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરનાર આચાર્ય વિનોબા ભાવેનો જન્મ મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ કુટુંબમાં ૧૧ – સપ્ટેમ્બર – ૧૮૯૫ માં થયો હતો. તેમનું પૂરું નામ વિનાયક નરહરિરાવ ભાવે હતું પરંતુ વિનોબા વહાલસોયું નામ ગાંધીજીએ પાડેલ.

અભ્યાસમાં ખુબજ તેજસ્વી હતા પરંતુ એમના આધ્યાત્મિક આત્માને શિક્ષણી અસંતોષ હોવાથી કોલેજ શિક્ષણ છોડી દીધેલું પરંતુ એમનો વિદ્યાવ્યાસંગ અટક્યો નહિ. સંસ્કૃત તથા ફિલસૂફીનો અભ્યાસ કરવા અને ચિંતનયુક્ત બ્રહ્મચારી જીવન જીવવા તેઓ સંસ્કૃતના શિક્ષણધામ બનારસ ગયા. ગાંધીજીએ સને ૧૯૪૦ માં ’વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબાજીને પસંદ કરેલ.

ભગવદ્દગીતા પરનું એમનું ચિંતન મૌલિક અને અનન્ય હતું. ગીતાના દિવ્યગાન ઉપર એમણે જેલમાં આપેલા પ્રવચનો ગીતા પ્રવચનો અને અન્ય આધ્યાત્મિક પ્રવચનો  લેખો ગ્રંથસ્થ પણ થયા છે. આધ્યાત્મિક ક્ષેત્ર ઉપરાંત શિક્ષણ, ભૂદાન અને રચનાત્મક પ્રવૃત્તિઓ વિશે તેમણે ઘણું લખ્યું છે. એક સમર્થ ભાષાવિદ તરીકે પણ તેમણે અમૂલ્ય ફાળો આપેલ છે. હિન્દી, સંસ્કૃત, પાલી, અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મની વગેરે ભાષાઓ હસ્તગત કરી હતી. લગભગ અગિયાર ભાષાઓ પર પ્રભુત્વ મેળવેલ.

ગાંધીજીના મૃત્યુ પછી ભારતમાં રચનાત્મક પ્રવૃત્તિઓ વિનોબાએ મહારાષ્ટ્રમાં સપેલ પવનાર આશ્રમ દ્વારા જીવંત રાખેલ. ભારત ભરમાં ઉઘાડા પગે ચાલીને ૭૦ હજાર કિ.મી. ની પદયાત્રા દ્વારા ૪૨ લાખ એકર જમીન ભૂદાનમાં મેળવી જમીન વિહોણાઓને અપાવેલ. સને ૧૯૬૦માં ચંબલ ખીણના ખુંખાર ડાકુઓએ વિનોબાજીના ચરણોમાં હયિારો મૂકી દઈ આત્મસમર્પણ કરેલ.

આ લખનારે મોટીબણુગાર જુનિયર લોકશાળામાં અભ્યાસ દરમ્યાન સને ૧૯૫૯ માં અલિયાબાડા ગંગાજળા વિદ્યાપીઠમાં વિનોબાની પદયાત્રા સમયે ઉઘાડા પગે ચાલતા નિહાળ્યા હતા. તેમના દર્શન અને વાણીનો લાભ લાભ મેળવેલ. ઓમ તત સત શ્રી નારાયણ તૂ એ સર્વધર્મ પાર્થના વિનોબાજીએ ૧૯૫૧માં રચી હતી. સને ૧૯૮૩માં મરણોતર ભારત રત્ન પારિતોષિક સર્વોચ્ચ સન્માન વિનોબાજીને મળેલ હતું. ઉચ્ચ કોટીના ક્રાંતિકારી સંત અને આધ્યાત્મિક મહાપુરુષ શ્રી વિનોબા ભાવેને સવા શતાબ્દિ વર્ષમાં હ્યદય વંદના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.