Abtak Media Google News

કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના

પાકિસ્તાનના નેતાનો સોશિયલ મીડિયા ઉપર બફાટ, જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો: સોરઠવાસીઓએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો

સોશિયલ મીડિયામાં જુનાગઢ અંગે પાકિસ્તાની નેતાનો બફાટ કરતો એક વીડિયો અને ટ્વીટર પર પોસ્ટ વાયરલ થતાં જુનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ભારે નારાજગી પ્રસરી છે. અને જૂનાગઢ સહિત સોરઠ ભરમાં આ વીડિયો અંગે પાકિસ્તાન સામે સોશિયલ મીડિયામાં ભારે ઉગ્રતા સાથે ચર્ચાઓ થઈ રહી છે.

પાકિસ્તાનની વધુ એક નાપાક શરમજનક હરકત સોશિયલ મીડિયા મારફત સામે આવી છે, જેમાં સુલતાન એહમદ અલીને જૂનાગઢના પીએમ બનાવ્યા છે,  સુલતાન અલી જૂનાગઢના નવાબના વંશજના પુત્ર છે. ચાર દિવસ પહેલા આ વીડિયો અપલોડ કરવામાં આવેલ છે તેમજ ટ્વિટર પર પોસ્ટ મુકી છે.

૫૪ મિનિટના પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં ઉર્દુ, હિન્દી અને અંગ્રજી ભાષામાં બફાટ કરવામાં આવ્યો છે કે, “જુનાગઢ કોઈ સેપ્રેટ મુમેન્ટમ નહિ હૈ, બટ જૂનાગઢ આઝાદી કી એક તહેરીક હે, જિસ કે રકબે ઉપર એક ગાસિબ કુબેતને અપની ફોજી એગ્રીસન કે જરિએ, ઉન્હોને એક સનીપિયસ ડિઝાઇન કી જરીએ ઉનાહોને ઉસકી ઉપર જબરજસ્તી કબજા કર રખા હૈ, જુનાગઢ અલેદગતકી તરીક નહીં, જૂનાગઢ આઝાદી કી તહેરિક હૈ. ઓર એ આઝાદી જુનાગઢકા નવાબ ઓર જુનાગઢ કા લોગો કા હક હૈ. જો જુનાગઢ કો મિલના ચાહીએ. ઔર હમારા સબસે અહમ ફોકસ ઇસ વક્તકા ગ્લોબલ પારીઓમે જુનાગઢકા એક લીગલી ઓર પોલિટિકલ કેસ ઉપર હે કી, હમ દુનિયા કો બતાયે કી જુનાગઢ પાકિસ્તાનકા હિસ્સા હૈ એન્ડ જુનાગઢ ઇઝ પાકિસ્તાન.”

આ સિવાય ટ્વીટર ઉપર પણ વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી છે. જેને લઇને ભારે વિવાદ સર્જાયો છે, જુનાગઢના લોકો પાકિસ્તાન તરફની આ શરમજનક હરકતથી ભારોભાર નારાજ છે, અને પાકિસ્તાની નેતાઓની આ નાપાક હરકતો સામે સોશિયલ મીડિયામાં ઉગ્રતા સાથે નારાજગી વર્તાવી રહ્યા છે.

છાસવારે પાકિસ્તાનના અવળચંડા નેતાઓ દ્વારા આવી નાપાક હરકતો થઈ રહી છે, આ અગાઉ પણ થોડા મહિનાઓ પહેલા જુનાગઢને પાકિસ્તાનમાં દર્શાવવાની અવળચંડાઇ કરવામાં આવી હતી, અને મન પડે ત્યારે જુનાગઢ બાપાની પેઢી હોય તેમ ખાટ સ્વાદિયા પાકિસ્તાનના નાપાક નેતાઓ નિવેદનો કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન માંથી આઝાદી વખતે માંડ છુટેલા જૂનાગઢ અને સોરઠ પંથકના લોકો આવી હરકતોથી વાજ આવી ગયા છે.

પાકિસ્તાન અને જૂનાગઢના નવાબના વંશજો જાણે છે કે, જૂનાગઢના લોકો જ્યારે જૂનાગઢના નવાબ જુનાગઢને પરાણે પાકિસ્તાનમાં ભેળવવાની વેતરણમાં હતા ત્યારે પણ લોકોની નારાજગી હતી, અને એ વખતે લોકશાહી ઢબે મતદાન કરવામાં આવેલ જેમાં ગણ્યા ગાઠીયા લોકોએ જુનાગઢ પાકિસ્તાનમાં ભળે તેના ફેવરમાં મતદાન કર્યું હતું, બાકીના ૯૫ થી ૯૮ ટકા લોકો તો ભારતને જ ચાહતા હતા અને આજે પણ જૂનાગઢ ભારતનું એક અવિભાજ્ય અંગ બની રહ્યું છે.

છતાં પણ પાકિસ્તાનના અમુક નાપાક નેતાઓ અને લોકો દ્વારા આવી શરમ જનક હરકતો કરી, જુનાગઢમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના સાથે ખુશીથી રહેતા લોકોમાં અશાંતિ લાવવા માટે અનેક ષડયંત્ર કરે છે, ત્યારે જૂનાગઢના લોકો પાકિસ્તાની લોકોની આવી હરકતોથી ખૂબ જ નારાજગી વર્તાવે છે, અને આ વખતે ફરી આવી હરકતો થતાં જુનાગઢ સહિત સમગ્ર સોરઠવાસીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે, અને તેની નારાજગી સોશિયલ મીડિયા પરની ધગધગતી પોસ્ટ ઉપર વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.