Abtak Media Google News

અમદાવાદમાં કારગર નિવડેલી સિસ્ટમના મોનીટરીંગ માટે તબીબો અને ટેકનીશ્યોની ૭ સભ્યની ટીમ રાજકોટમાં

કોવિડના ૧૦ વોર્ડમાં ૪૦ મોબાઈલ,૪૧ ડેટા ઓપરેટર,૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ બહાર વિષય વસ્તુ મુજબ ચાર વિન્ડો શરૂ થઈ

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં કાર્યરત ડિસ્ટ્રિક્ટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં વાઈડ કોમ્યુનિકેશન સિસ્ટમનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.જેકોવિડ દર્દીના સગા અને દર્દી વચ્ચે સંવાદ થાય તે માટેની કડીરૂપ બનશે.દર્દીની જરૂરિયાતો મુજબ સંબંધિત વસ્તુઓનું પાર્સલ સીધું દરદી પાસે પહોંચી જાય અને દર્દીના સગા સારવાર આપતા તબીબ સાથે પણ વાતચીત કરી શકે અને દાખલ તમામ દર્દીનો લાઈવ  ડેટા હોસ્પિટલની બહાર ઊભા કરાયેલા કંટ્રોલરૂમમાં સિસ્ટમ પર જોઈ શકાય તે માટે આખી અદ્યતન સિસ્ટમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના સ્પેશ્યાલીસ્ટ તબીબ સહિતના અન્ય તબીબો અને ટેકનીશીયનોની ટીમે ઇન્સ્ટોલેશન કરી હતી.

આ ઇન્સ્ટોલેશન કરાયેલી સિસ્ટમ અને વિવિધ હેલ્પ વિન્ડોઝનું નિરીક્ષણ જિલ્લા કલેકટર ડો. રેમ્યા મોહને કર્યું હતું. સમગ્ર પ્રોજેક્ટની વાત કરતાં અમદાવાદની  કોવીડ હોસ્પિટલના આ બાબતના નિષ્ણાંત ડો. સંજય કાપડિયાએ જણાવ્યું હતું કે આ કોમ્યુનિકેશન પ્લાનનો મૂળ હેતુ દર્દીના સગા સંબંધીની દર્દી પ્રત્યેની ચિંતા દૂર કરવાનો  અને દર્દીઓનો સમગ્ર ડેટા અને સ્થિતિ વિશે મેનેજમેન્ટ કરવાનો છે. દર્દી પાસે તેના સગા ન હોવાથી દર્દી સાથે હોસ્પિટલની બહાર કંટ્રોલરૂમમાંથી વિડીયો કોલ કરી શકે તેમ જ તેમની રોજની જરૂરિયાત મુજબની કોઈ વસ્તુઓ, કપડા, કોઈ સ્પેશિયલ ડોક્ટરની ચાલુ હોય તે દવા કે જમવા સિવાયની કોઈ વસ્તુનું પાર્સલ પહોંચાડવા અને દર્દીને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાના હોય અથવા તો તેમને ડીસ્ચાર્જ કરવાના હોય તો તેમની માહિતી ફોન કરીને દર્દીના સગાને બોલાવી શકાય તે માટે હોસ્પિટલમાં અવર જવર કર્યા વગર એક જ સ્થળેથી આ માહિતી મળે તે માટે આ સિસ્ટમ છે. આ સિસ્ટમના મોનિટરિંગ માટે ડો. કાપડિયા ઉપરાંત અન્ય પાંચ  ટેકનિશિયનની ટીમ સેવામાં છે. આ સિસ્ટમ અમદાવાદ બાદ સુરત અને હાલ રાજકોટમાં શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર સિસ્ટમ માટે કુલ ૪૦ સ્માર્ટ મોબાઈલ ખાસ ફરજ પરના કાર્યકર કર્મયોગીઓને આપવામાં આવ્યા છે. જેમાંથી ૧૬ કર્મયોગીઓ માત્ર વીડિયો કોલિંગ સિસ્ટમમાં કામ કરશે.

ઇન્ચાર્જ ફરજ પરના મુખ્ય અધિકારી એ.વી વાઢેરે જણાવ્યું હતું કે તમામ દર્દીઓના સગા સંબંધીઓ સાથે એક કૌટુંમ્બીક સભ્યની જેમ વર્તન થાય છે,અને દર્દીને જે રીતે સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે, તેની પ્રતીતિ દર્દીના સગાને થાય અને તેની ચિંતા દૂર થાય તે માટે આ કંટ્રોલરૂમમાં જરૂરી માહિતીની આપ-લે કરવામાં આવે છે. દસ કોમ્પ્યુટર સિસ્ટમ દરેક વોર્ડમાં અને  ૬ કોમ્પ્યુટર સિસ્ટમ જુદી-જુદી બારી પર  અને એક સ્પેશ્યલ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમમાં અન્ય વિભાગના વર્ગ-૨ના ત્રણ અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવી છે.

પ્રથમ દિવસે રાજકોટની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના સગા માટે ઊભા કરાયેલા ડોમ અને સેવા સંબંધી કામગીરી  અંગે દર્દીઓના સગા સંબંધીઓએ રાજ્ય સરકારની આ સંવેદના સભર કામગીરી અંગે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.