Abtak Media Google News

૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે ૦૩ નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે જીલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયા નો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Screenshot 16
સોમનાથમાં પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતીનું આયોજન

કાર્તિકી પૂર્ણિમાના મેળાના ૦૫ દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા.૦૭ અને ૦૮ નવેમ્બર બન્ને દિવસે હોય સોમનાથ મંદિર ૦૭ અને ૦૮ નવેમ્બરે રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

સોમનાથ જ્યોતિર્લિંગ અને કાર્તિકી પૂર્ણિમાનો ઈતિહાસ

સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારે મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.