Abtak Media Google News

ગરબાડાના ત્રણ વર્ષ જૂના ચકચારી કેસમાં દાહોદની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

દાહોદ કોર્ટે રેપ વીથ મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.જેમાં વર્ષ 2020માં કૌટુંબિક મામાએ છ વર્ષીય માસૂમ ભાણી ઉપર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસ આજરોજ દાહોદની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આરોપીને ફાંસીની સજા ફટકારતા સન્નાટો છવાઈ ગયો હતો.

દાહોદ જિલ્લાના ગરબાડામાં શૈલેષભાઈ નરસિંહભાઈ માવીએ જ પોતાની છ વર્ષીય કૌટુંબિક ભાણીનું વર્ષ 2020મા અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા માટે બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને આ બાળકીની લાશને નજીકના જંગલ જેવા વિસ્તારના ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી.ગરબાડા પોલીસે આ નરાધમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિવિધ તપાસ અને પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામા આવી હતી.

આ કેસ દાહોદની કોર્ટમાં ચલાવવામા આવ્યો હતો.ત્યારે ત્રણ વર્ષના સમય બાદ ખરેખર મૃતક બાળકીને ન્યાય મળ્યો હોય તેવો આજ રોજ ચુકાદો આવ્યો હતો.જેમાં દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સી.કે. ચૌહાણ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.જેમાં આરોપી શૈલેષ માવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી તે ઉપરાંત આરોપીને 363 માં સાત વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યો છે. 302 ના ગુનામાં અને પોકસો એક્ટના ગુનામાં આજીવન કેદની અંતિમ શ્વાસ સુધીની સજા તેમ જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોક્સો એક્ટની કલમ છ મુજબ મૃત્યુ દંડ ની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આરોપી સામે તપાસના અંતે તપાસ કરતા અધિકારીએ ચાર્જશીટ રજૂ કરતા જજ સી.કે. ચૌહાણ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જેમાં 28 જેટલા મૌખિક સાહેદો તપાસવામાં આવ્યા હતા તેમજ 94 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ફરિયાદ પક્ષ દ્વારા આરોપીની સંડોવણી પુરવાર કરવામાં આવી હતી. આખા કેસમાં કોઈપણ સાહેદને ફરી ગયેલ સાબિત કરવામાં આવ્યો ન હતો. તમામ સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું હતું. મેડિકલ ઓફિસર, એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, સાયન્ટિફિકલી ઓફિસર તેઓના પુરાવા ખૂબ જ મહત્વના રહ્યા હતા.

દુષ્કર્મ અને હત્યાના આ કેસમાં ઘટના સમયે નીસહાય બનેલી છ વર્ષીય બાળકી તેના કૌટુંબિક મામાની હવસનો શિકાર બનતા સમયે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસમાં આ બાળકીએ તેના મામાના માથાના વાળ ખેંચી લીધા હતા અને તે વાળ તેના હાથમાં જ રહી ગયા હતા. ત્યારબાદ આ કોટુંબીક મામાએ તેની હત્યા કરી ત્યાંથી જતો રહ્યો હતો.

આ કેસમાં પોલીસે બાળકીના હાથમાંથી પુરાવા તરીકે કબજે લીધેલા આરોપીના માથાના વાળથી ડીએનએ દ્વારા ટેસ્ટ કરાવ્યું હતું. જેમાં આ બંને વાળ મેચ થયા હતા તેમજ બાળકીને ચણાના હોળા અપાવવા સમયે બાળકીને મોટરસાયકલ પર બેસાડી લઈ જતા સમયે આનો ભાઈ મોટરસાયકલ પર બેસી ગયો હતો અને આરોપીએ એના ભાઈને નીચે ઉતારી આ બાળકીને બેસાડી દીધી હતી.

આ કેસમાં પોલીસે બાળકીના ભાઈના લીધેલા નિવેદન તેમજ માથાના વાળના ડીએનએ રિપોર્ટના આધારે પકડાયેલા શૈલેષ માવીને આરોપી તરીકે સાબિત કરવામાં મહત્વની કડી સાબીત થઈ હતી. આ કેસમાં પોલીસે 28 જેટલા સાહેદોની તપાસ તેમજ 94 જેટલા દસ્તાવેજી પુરાવાઓની તપાસણી તથા બાળકીના ભાઈનું 164 મુજબનું નિવેદન મહત્વપૂર્ણ સાબિત થયું હતું દાહોદની કોર્ટે જઘન્ય અપરાધમાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હોવાની પ્રથમ ઘટના બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.