Abtak Media Google News

કોંગ્રેસના બે સભ્યપદોના મત ભાજપને મળતા તાલુકા પંચાયત પર સતા મેળવી : કોંગ્રેસમાં સોપો : ભાજપમાં ઉજવણી

હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખના પદ માટે ભાજપ અને કોંગ્રેસના બન્ને પક્ષો દ્વારા ગઈકાલે ફોર્મ ભરાયા બાદ આજરોજ કોંગ્રેસના ૯ મત પ્રમુખ પદ માટે પડયા હતા જયારે ભાજપના ૧૧ મત પડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો અને ભાજપનો ભગવો લહેરાયો હતો. જાકે તાલુકા પંચાયત કચેરી ખાતે ચાલેલી મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ – ભાજપના કાર્યકરો ઉમટી પડયા હતા. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો હતો.

Advertisement

હળવદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપ પ્રમુખની સમયમર્યાદા પૂર્ણ થતા આજરોજ બપોરના ૧ર કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી કલેકટર દમયંતીબેન બારોટના અધ્યક્ષસ્થાને મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે રણમલપુર ગામના ભરતભાઈ થડોદા અને ઉપ પ્રમુખ માટે ખોડ ગામના લાભુબા જટુભા ઝાલાએની કારમી હાર થઈ હતી જયારે ભાજપ પક્ષમાંથી ધનાળા ગામના ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ માટે ચરાડવા ગામના બળદેવભાઈ સોનગ્રાની જીત થતા ભાજપનો ભગવો લહેરાયો હતો.

આમ ભાજપની જીત થતા તાલુકા પંચાયત કચેરીએ ઉમટી પડેલા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી આતીશબાજી સાથે જીતની ભવ્ય ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ ભાજપ પાસે ૧૧ સભ્યપદો થયા હતા અને કોંગ્રેસ પક્ષ પાસે ૯ સભ્યપદ થતા કોંગ્રેસે તાલુકા પંચાયતની સતા ગુમાવી બેઠી હતી. જાકે તાલુકા પંચાયત કચેરી ખાતે ખરાખરીનો જંગ ચાલ્યો હતો પરંતુ આખરે ભાજપે તાલુકા પંચાયત પર કબજા જમાવ્યો હતો. આમ છેલ્લી ઘડીએ રાજકીય સમીકરણો બદલાતા કોંગ્રેસે તાલુકા પંચાયતની સતા ગુમાવી હતી જયારે બે કોંગી સભ્યો ભાજપમાં મતદાન કરતા ભાજપનો કમળ ખીલ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.