Abtak Media Google News

રાજમાર્ગો પર વરસાદી પાણી વહેતા થયા: આજથી માવઠાની અસર ઓછી થઇ જશે: ગરમીનું જોર વધશે

અડધો ચૈત્ર માસ વિતી ગયો હોવા છતા માવઠુ કેડો મૂકવાનું નામ લેતો નથી. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પરત ખેંચી લેવામાં આવી હોવા છતા આજે વહેલી સવારે 5:30 કલાક આસપાસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વરસાદનું જોરદાર ઝાપટુ પડ્યું હતું. રાજમાર્ગો પર રિતસર પાણી વહેવા લાગ્યા હતા. બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. આજથી હવે માવઠાની મુસિબતમાંથી મુક્તિ મળી જશે. ગરમીનું જોર વધશે.

રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશનની અસરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. જો હવામાન વિભાગ દ્વારા ગઇકાલે બપોરે આગાહી પરત પણ ખેંચી લેવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડ્યુ હતું. રાજમાર્ગો પર વરસાદના પાણી વહેવા લાગ્યા હતા. હવામાન વિભાગના રેકોર્ડ પર સવારના સમયે શહેરમાં 0.02 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ઉનાળાની ગરમીથી મુક્તિ મેળવવા માટે અગાસી પર નિંદર માણી રહેલા લોકોની ઉંઘ મેઘરાજાએ વહેલી સવારે ઉડાડી દીધી હતી. જોરદાર ઝાપટુ પડવાના કારણે પાથરણા ઉપાડી ભાગવું પડ્યું હતું.

રતાંગ ગીર વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. દરમિયાન આજથી માવઠાની અસર નહિવત થઇ જશે. કમોસમી વરસાદ પડવાની કોઇ જ સંભાવના નથી. આજથી ગરમીનું જોર વધશે. રાજકોટમાં સવારના સમયે ઝાપટુ પડવાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકાએ પહોંચી ગયુ હતું. આજે સવારે 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજ્યભરમાં ગુરૂવારે ગરમીનો પારો ઉંચકાયો હતો. 38 ડિગ્રી સેલ્શીયસ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ડિસાનું તાપમાન 36.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 37.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 37.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 ડિગ્રી, સુરતનું તાપમાન 35.8 ડિગ્રી, કચ્છના ભૂજનું તાપમાન 36.8 ડિગ્રી, નલીયાનું તાપમાન 33.9 ડિગ્રી, કંડલાનું તાપમાન 35.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 37.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 35.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 33 ડિગ્રી, રાજકોટનું તાપમાન 37.2 ડિગ્રી, વેરાવળનું તાપમાન 33.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 38 ડિગ્રી, મહુવાનું તાપમાન 37.2 ડિગ્રી અને કેશોદનું તાપમાન 37 ડિગ્રી રહેવા પામ્યું હતું.

આજથી રાજ્યભરમાં ગરમીનું જોર વધશે. મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે. વહેલી સવારે રાજકોટમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડ્યા બાદ સુર્યનારાયણ બરાબર ખિલ્યા હતા. બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.