Abtak Media Google News

જામનગર જિલ્લામાં ભેજનું પ્રમાણ અન્ય જિલ્લાઓ કરતા વધુ: બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા

થોડા દિવસ રાહત બાદ ફરી જામનગરમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ મહિનામાં એટલે કે મે મહિનામાં સૌથી વધુ ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે. જો કે દરિયાકાંઠે આવેલા જામનગર જિલ્લામાં ગરમીની અસર ઓછી જોવા મળશે. વાત કરીએ જામનગરના હવામાનની તો લોકોને ગરમીનો અનુભવ થશે, દરિયાકાંઠો નજીક હોવાથી જામનગર જિલ્લામાં હવામાં ભેજનું પ્રમાણ અન્ય જિલ્લાઓ કરતાં વધુ હોય છે, આથી લૂ લાગવાના કેસ ઓછા થશે પરંતુ બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠશે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં એકદમથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્રમાં મોટો ફેરફાર થઇ રહ્યો છે.

બે દિવસમાં જ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે.  વાત કરીએ જામનગરના હવામાનની તો ડિઝાસ્ટર કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ 36.5 ડિગ્રી રહેશે, તો હવામાં ભેજનું પ્રમાણ 86 ટકા રહેવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થશે. આ સિવાય પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક રહેશે.

શું છે હવામાન ખાતાની આગાહી ?

હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભુમી દ્વારકા દરિયાઇ પટ્ટીથી નજીક આવેલા હોવાથી સામાન્ય રીતે લૂનો અનુભવ ઓછો થાય છે, પરંતુ ગરમી અને બફારાનું પ્રમાણ આ પ્રદેશમાં વધુ જોવા મળે છે. જ્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, કચ્છ અને જૂનાગઢમાં હિટવેવની આગાહી કરાઇ છે. તો અમદાવાદમાં હવામાને યલો એલર્ટ જારી કર્યુ છે. આગામી દિવસોમાં હિટવેવનો અનુભવ થશે. ખાસ કરીને લૂનો અનુભવ થશે.

શું છે યેલ્લો, ઓરેન્જ, અને રેડ એલર્ટ ?

ખાસ ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ એલર્ટ શું છે અને કેટલા એલર્ટ જાહેર કરવામાં આવે છે તે અંગે વિસ્તારથી સમજીએ તો કુલ ચાર એલર્ટ હોઈ છે, જેમાં સૌપ્રથમ ગ્રીન એલર્ટ હોઈ જેનો અર્થ એ થયો કે વાતાવરણ માફક રહેશે, ત્યારબાદ યેલ્લો એલર્ટ આવે, જેનો અર્થ થાય છે લોકોએ સાવધાન રહેવું, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ આવે છે, જેનો અર્થ થાય છે કે તાપમાનનો પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે. અને છેલ્લે રેડ એલર્ટ આવે છે, જે ખતરાની નિશાની સૂચવે છે.

લૂથી બચવાં શું કરવું ?

સામાન્ય રીતે લૂ પાડવાની શરૂઆત બપોરના સમયે થતી હોઈ છે આથી અનિવાર્ય સંજોગોમાં જ બપોરના સયે ઘરની બહાર નીકળવું, અજો બહાર જવાનુ થાય તો સમયાંતરે પાણી અવશ્ય પીતું રહેવું, લીંબુ પાણી, વળીયારીનું સરબત વગેરે પીતું રહેવું. આ સિવાય ખાસ ચા-કોફી, તમ્બાકુ, સિગારેટનું સેવન ન લરવું જોઈએ, દૂધ અને માવાની વાનગી ન ખાવી. બહારનો ખોરાક ન ખાવો, ગરમીમાંથી બહાર આવ્યા બાદ તુરંત સ્નાન ન કરવું, વગેરે જેવી મહત્વની વાતનું ધ્યાન રાખવું. તો હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં જે વિવિધ એલર્ટ આપવામાં આવે છે તેનો ખ્યાલ રાખવો અને રેડ એલર્ટમાં તો બિલકુલ ઘરની બહાર નીકળવું નહીં.

માવઠા બાદ અચાનક તાપમાનનો પારો ઉંચકાયો છે, જેથી કરીને લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે, હજું હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે બને તેટલું લોકોએ ખાસ કરીને સગર્ભા, બાળકો અને વૃદ્ધ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.