Abtak Media Google News
  • સાપ મરે પણ લાઠી તૂટે નહીં તેવી ભાજપની ગણતરી
  • ગુજરાતના નેતાઓ અને ભાજપમાં રહેલા ક્ષત્રિયો આગેવાનો વિવાદ ઉકેલવામાં ઉણા ઉતરતા હવે દિલ્હી દરબારે મામલો હાથમાં લીધો: બેઠકોનો ધમધમાટ
  • પરષોતમભાઇ રૂપાલા સાથેની પ્રચાર ટીમમાં પણ ફેરફાર: વિજયભાઇ રૂપાણીને મેદાનમાં ઉતારાયા
  • વિવાદ ત્રણ-ચાર દિવસમાં નહી ઉકેલાય તો મોટા નિર્ણયની પણ સંભાવના
  • રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન ન યોજાય તે માટે હાઇ કમાન્ડ સક્રિય

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ફાટી નીકળેલો વિવાદ કોઇ કાળે શાંતિ થવાનું નામ લેતો નથી. ખૂદ રૂપાલા બે વાર અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ એકવાર બે હાથ જોડીને માફી માંગી ચૂકયા હોવા છતાં ક્ષત્રીયો નમતું તોળવા તૈયાર નથી અને ભાજપ રૂપાલાની ટિકીટ રદ કરે તેવી માંગણી પર અડગ છે. સ્થાનીક કક્ષાએ એડી ચૌટીનું જોર લગાવ્યા બાદ સમાધાનનો સેતુ ન સંધાતા ભાજપ હાઇકમાન્ડે મામલો હાથ પર લીધો છે. સાપ પણ મરી જાય અને લાકડી પણ ભાંગે તેવી વ્યુહ રચના અપનાવવામાં આવી રહી છે. દિલ્હીમાં પણ હવે આ મામલે બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. રૂપાલા સાથેની પ્રચાર ટીમમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. વિજયભાઇ રૂપાણીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જો ત્રણ-ચાર દિવસમાં વિવાદ નહી ઉકેલાય તો ભાજપ દ્વારા કોઇ મોટો નિર્ણય લેવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

ક્ષત્રિય સમાજમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા સામે છેલ્લા એક પખવાડીયાથી ભભૂકી રહેલો વિરોધ હવે ગામડે ગામડે પહોંચી ગયો છે. ગામે ગામે રૂપાલા વિરૂઘ્ધ પોસ્ટરો લાગી રહ્યા છે. અને પુતળા દહન સહિતના આંદોલાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. શનિવારે રાજકોટ ખાતે ક્ષત્રીય સમાજની એક વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં રાજયભરમાંથી ક્ષત્રીયો ઉમટી પડયા હતા. ગઇકાલે ધંધુકા ખાતે પણ ક્ષત્રીય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં હજારો લોકો ઉ5સ્થિત રહ્યા હતા. રાજકોટમાં મહાસંમેલન યોજવાની તૈયારીઓ કરવામાં આવી છે. દરેક જીલ્લામાં સંમેલન  યોજવામાં આવશે.

રૂપાલા વિવાદ ઉકેલવામાં ભાજપના ગુજરાતના તમામ નેતાઓ અને પક્ષમાં રહેલા ક્ષત્રીય સમાજના આગેવાનો સદંતર નિષ્ફળ નિવડયા છે. ખુદ સી.આર.પાટીલે માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રીયોનો રોષ શાંત પડવાનું નામ લેતો નથી. હવે આ વિવાદ ઉકેલવા દિલ્હી હાઇકમાન્ડ મેદાનમાં આવ્યું છે. ગઇકાલે ક્ષત્રીય સમાજના ભાજપના આગેવાનોને દિલ્હીથી તેડુ આવ્યું હતું. તમામ સાથે હાઇકમાન્ડે ગંભીરતા પૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી તમામ પાસાઓની ઝીણવટ ભરી ચકાસણી કરવામાં આવી હતી. ભાજપમાં રહેલા ક્ષત્રીય સમાજના આગેવાનોને એક ખાસ હોમ વર્ક સાથે ફરી ગુજરાત રવાના કરવામાં આવ્યા છે.

બીજી તરફ હાલ ચુંટણી પ્રચાર કરી રહેલા પરષોતમભાઇ રૂપાલા સાથે રહેલી ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જુના જોગીઓને ફરી એકટિવ કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી રામ- પરષોતમની જોડીના બદલે રૂપાલા-રૂપાણીની જોડી સાથે જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય કેટલાક જુના જોગીઓને પણ એકિટવ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પક્ષમાં સાઇડ લાઇન થઇ ગયેલાઓને ફરી સક્રિય કરવામાં આવી રહ્યા છે. જયારે અમે જ ભાજપમાં સર્વસર્વા છીએ તેવું માની રહેલા કેટલાક કહેવાતા મોટા નેતાઓને હવે ધીમે ધીમે ધકકા મારી સાઇડમાં ધકેલવામાં આવી રહેલા છે. રૂપાલા અને ક્ષત્રીય સમાજ વચ્ચેના વિવાદમાં પક્ષની આબરૂ પણ જળવાય રહે અને ક્ષત્રીયોનો વટ પણ બરકરાર રહે તેવો  કોઇ વચલો રસ્તો શોધવા માટે હાઇકમાન્ડે એક ટીમ સક્રિય કરી છે.

રાજકોટમાં ક્ષત્રીય સમાજનું મહાસંમેલન ન યોજાઇ તે માટે ભાજપ દ્વારા વ્યુહ રચના અપનાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ચાલતુ આંદોલન અન્ય રાજયમાં પ્રવેશે તો ભાજપ માટે મોટો પડકાર બની શકે તેમ છે. આવો કપરો સમય ન આવે તે પહેલા જ ભાજપે મોટો નિર્ણય લઇ લેવાનું મન બનાવી લીધું છે.

આગામી ત્રણથી ચાર દિવસમાં જો પરષોતમ રૂપાલા અને ક્ષત્રીય સમાજ વચ્ચે ચાલતા વિવાદનો કોઇ સુખદ નિવેડો નહી આવે તો ભાજપ કોઇ મોટો નિર્ણય લેવાની વેતરણમાં હોવાનું ચર્ચા રહ્યું છે. હાલ સ્થિતિ ખુબ જ તરળ છે. ક્ષત્રીય સમાજ રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન ચલાવી રહ્યું છે. આ આંદોલન ઉગ્ર બને તે પહેલા ભાજપ વચગાળાનો રસ્તો કાઢી લેશે.

ભાજપનું એક જુથ આ વિવાદની આગમાં ઘી હોમી રહ્યું હોવાની શંકા પણ રહેલી છે. આગને હવા આપી  રહેલાઓ સામે લોકસભાની ચુંટણી બાદ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.