Abtak Media Google News
  • ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ કરેલ ટિપ્પણીમાં રાજા- મહારાજા અનેક જ્ઞાતિના હોવાનું માની કોઈ ચોક્કસ વર્ગ વિશેનું નિવેદન ન હોવાનું માની આચારસંહિતાનો ભંગ ન થતો હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું

પરસોત્તમ રૂપાલાએ સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પંચે આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાનું જાહેર કરી તેઓને ક્લીનચિટ આપી દીધી છે. ત્યારે લોકોના મનમાં એ પ્રશ્ન ગઈકાલથી ઉદભવી રહ્યો છે. કે ચૂંટણી પંચે કયા આધારે પરસોત્તમ રૂપાલાને ક્લીનચિટ આપી છે.

મહત્વનું છે કે 24મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે મહારાજાઓ નમ્યા, તેઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયો સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. જો કે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. આ મામલે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાઈ હતી. ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઓરીજનલ વિડીયો સહિતના પુરાવાઓ એકત્ર કરી જિલ્લા ચૂંટણી અધિકારીએ રિપોર્ટ તૈયાર કરી ચૂંટણી પંચને મોકલ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચે આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાનું જણાવીને રૂપાલાને ક્લીનચિટ આપી હતી.

આ મામલે સરકારી સૂત્રો જણાવી રહ્યા છે કે રૂપાલાએ મહારાજા શબ્દ પ્રયોગ કર્યો હતો. ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ કોઈ ચોક્કસ વર્ગ વિશે રૂપાલા બોલ્યા ન હતા. મહારાજાઓ ભૂતકાળમાં અલગ અલગ જ્ઞાતિના થઈ ગયા છે. જેને આધાર બનાવીને રૂપાલાને ચૂંટણી પંચે ક્લીનચિટ આપી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યા રહ્યા છે.  પરષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. જો પરસોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિયાણીઓ જૌહર કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.