જામનગર-લાલપુર વચ્ચેનો હાઈવે બિસ્માર: વાહન ચાલકોને પરેશાની

તાકીદે રીપેર કરવા રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટની ડે.સી.એમ.ને રજૂઆત

જામનગર લાલપુર હાઇ-વે ખૂબ જ બિસ્માર હાલતમાં હોય જેને લીધે વાહન ચાલકો અને મુસાફરો ભારે હાર્ડમારી વેઠી રહ્યા છે. જામનગરથી લાલપુર સુધીના રોડને લઇને વાહનોને પણ ખૂબ નુકશાન આવી રહ્યું છે.

લાંબા સમયથી આ રોડની હાલતને ધ્યાને લઇ રીલાયન્સ ગુ્રપના વાઇસ પ્રેસીડેન્ટ કોર્પોરેટ અફર્સ ધનરાજ નથવાણીએ આ રોડ સારો બનાવવા ટવીટ કરીને રાજયના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ, રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને જિલ્લા કલેકટરને ટેગ કર્યા છે. આમ જામનગર લાલપુર રોડ મગર મચ્છની પીઠ સમાન હોય આ રોડની તાત્કાલિક મરામતનું કામ શરૂ કરાવવા ધનરાજ નથવાણીએ ટેગ કર્યુ છે. જામનગરથી જામજોધપુર, પોરબંદર, ભાણવડ, લાલપુર માટેના લાલપુર હાઇ-વે રોડ મહત્વનો છે આ રોડ ઉપરથી અનેક વાહનોની અવર-જવર રહે છે. મહત્વની વાત એ છે કે, લાલપુર હાઇ-વે ખૂબ જ મહત્વનો હોવા છતા ચોમાસાની સીઝનમાં બિસ્માર હાલતમાં બન્યા બાદ આજ દીન સુધી આ રોડનું મરામતનું કામ હાથ ધરાયું નથી. જામનગરથી લાલપુર માત્ર 35 કિ.મી.નું અંતર ધરાવે છે. પરંતુ આ 35 કિ.મી.નું અંતર કાપતા સવાથી દોઢ કલાક જેટલો સમય લાગે છે.

કારણ કે આ રોડ ઉપર ઠેર-ઠેર મસ મોટા ગાબડા પડયા છે. આ રોડ ઉપરથી એમ્બ્યુલન્સ જેવા વાહનો જયારે પસાર થાય છે ત્યારે એમ્બ્યુલન્સ ચાલક અને દર્દી બન્ને ભારે પરેશાન થાય છે. આ રોડની જેની જવાબદારી છે. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આ રોડનું મરામતનું કામ શરૂ ન કરાતુ હોય, રોડના પ્રશ્ને વાહન ચાલકો અને આ વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે થઇને રિલાયન્સ ગુ્રપના વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણી દ્વારા ટવીટ કરવામાં આવેલ છે. જેમાં જામનગરથી લાલપુર હાઇ-વે રોડનું મરામતનું કામ તાકિદે હાથ ધરાય તે માટે જિલ્લા કલેકટર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જામનગર જિલ્લાના બન્ને ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમને પણ ટેગ કરવામાં આવ્યા છે