Abtak Media Google News
  • હોળી પ્રગટાવવા માટેનું શુભ મુહુર્ત રાત્રે 7 થી 10 કલાક
  •  રંગોના તહેવારની ઉજવણી કરવા ઉત્સવપ્રેમી લોકોમાં ભારે જોમ

અબતક, રાજકોટ ન્યૂઝ :  હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ પૈકીના એક એવા હોળી-ધુળેટીના પર્વની કાલથી બે દિવસ ઉજવણી કરવામાં આવશે. કાલે રવિવારે રાત્રે હોલીકા દહન કરવામાં આવશે. જ્યારે સોમવારે રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. ધાણી, દાળીયા, ખજૂર, પતાસા, રંગ અને પીચકારીની ખરીદી માટે આજે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. સોમવારે ઠેર-ઠેર રંગોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પૌરાણીક કથા મુજબ ભક્ત પ્રહલાદને મારવા માટે તેના પિતાએ હોલીકાના ખોળામાં બેસાડી આગ લગાવી હતી. હોલીકાને એવું વરદાન હતું કે તેને આગ બાળી શકતી ન હતી. દરમિયાન ભગવાનમાં અપાર શ્રધ્ધાના કારણે ચમત્કાર થયો હોલીકા આગમાં બળીને ખાક થઇ ગઇ જ્યારે પ્રહલાદને ઉની આંચ પણ ન આવી. આ પૌરાણીક કથાના આધારે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ફાગણ સુદ પુનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે.Whatsapp Image 2024 03 23 At 12.03.16 D125C489

આ વર્ષે હોલિકા દહન પૂનમના બદલે ચૌદસના દિવસે થશે. હોળી પ્રગટાવાના સમય વિશે જાણકારી આપતા વેદાંત રત્ન રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચાંગના નિયમ પ્રમાણે તથા દરેક પંચાંગ પ્રમાણે હોલિકા દહન પૂનમના બદલે ચૌદસના દિવસે છે. ફાગણ શુદ ચૌદસને રવિવાર તા.24 ના દિવસે હોલિકા દહન છે. આ વર્ષે હોલિકા દહન સમયે વિષ્ટિ કરણ છે પરંતુ રવિવારે આવતું વિષ્ટિ કરણ એટલે કે (ભદ્રા)ને પુણ્યવતી માનવામા આવે છે. આમ પંચાંગના નિયમ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે દિવસ આથમ્યા પછી સાંજના પ્રદોષ કાળે એટલે કે રાત્રીના 7.00 થી 10.00 કલાક દરમિયાન શુભ તથા અમૃત ચોઘડિયામાં હોળી પ્રગટાવી શકાશે.Whatsapp Image 2024 03 23 At 12.03.16 491Cb13F

આવતીકાલે રાત્રે 7 થી 10 કલાક સુધી હોળી પ્રગટાવવાનું સારૂં મુહુર્ત છે. હોળીની જાળના આધારે વરસનો વર્તારો આપવામાં આવતો હોય છે. જાળની દિશા પરથી નક્કી કરવામાં આવે છે કે ચોમાસામાં કેવો વરસાદ પડશે. હોલીકા દહન દરમિયાન શ્રીફળ, ઘી, ખજૂર, ધાણી સહિતની ચીજવસ્તુઓની આહુતી આપવામાં આવે છે અને હોળી ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે. જે બાળકના જન્મા પછીની પહેલી હોળી હોય તેવા પુત્રને હોળીના વર બનાવવાની પણ પરંપરા રહેલી છે.

ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં હોળીના તહેવારનું સવિશેષ મહત્વ રહેલું છે. અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રિતે હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજકોટમાં ચોકે-ચોકે ધાણાની હોળી પ્રગટશે. શહેરમાં અંદાજે 500થી વધુ સ્થળે હોળી પ્રગટાવવામાં આવશે. હોળીના બીજા દિવસે રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવતી હોય છે. લોકો એકા-બીજા પર અબીલ-ગુલાલ, કેસૂડા સહિતના કલરો છાંટી રંગોથી રમે છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ રંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. રંગોના પર્વની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજે સવારથી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ખજૂર, દાળીયા, દાણી, હારડા, પતાસા, રંગોની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. પાર્ટી પ્લોટ, રિસોર્ટ ખાતે પણ ધુળેટી માટે ખાસ આયોજન કરાયું છે.

દ્વારકામાં સોમવારે ઉજવાશે ભવ્ય ફૂલડોલ ઉત્સવ

બપોરે 2 થી 3 એક કલાક ફૂલડોલ ઉત્સવ: ચુસ્ત બંદોબસ્ત

અબતક, મહેન્દ્ર કકકડ, દ્વારકા: દ્વારકાના વિશ્ર્વ વિખ્યાત જગત મંદિર ખાતે હોળી-ધૂળેટી પર્વ નિમિતે આગામી સોમવારે બપોરે 2 થી 3 વાગ્યા સુધી એક કલાક ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સોમવારે મંદિર સવારે પાંચ વાગ્યે ખૂલશે. જ્યારે બપોરે 1 વાગ્યે બંધ થશે. આગામી ર5મી માર્ચે દ્વારકા ખાતે યોજાનાર ફુલડોલ ઉત્સવ અંગે તડામાર તૈયારીઓ વચ્ચે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં દ્વારકાધીશ મંદિર તેમજ બેટ દ્વારકામાં એક એસ.પી., 6 ડીવાય.એસ.પી., 72 જેટલા પી.આઈ.-પી.એસ.આઈ. તેમજ જીઆરડી, એસઆરડી, ટ્રાફીક બ્રિગેડના જવાનો સહિત 1100 જેટલા કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત આજથી ગોઠવવામાં આવ્યો છે. મહિલા યાત્રીકોની સરળતા માટે બે શી ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત દિવ્યાંગો માટે ટીમ અક્ષમ લોકો માટે પણ વિશેષ ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત કીર્તીસ્તંભ પાસે ક્ધટ્રોલ રૂમ બનાવાયો છે તેમજ ત્રણ સહાયતા કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા છે. લાખો ભાવિકોના આગમન દરમ્યાન ખીસ્સાકાતરૂં અને ગેરકાયદે પ્રવૃત્તિની ગેન્ગ એક્ટીવ હોય તેની પર વોચ રાખવા જિલ્લા એલસીબી એસઓજી સ્થાનીય ડી-સ્ટાફની ટીમ સીવીલ ડ્રેસની અલગ-અલગ ટીમો પેટ્રોલીંગમાં રહેશે.

સાળંગપુર ધામમાં સોમવારે ઉજવાશે ભવ્ય રંગોત્સવ

સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન હનુમાનજી દાદાના સાંનિધ્યમાં આગામી સોમવારે ધુળેટી પર્વ નિમિતે ભવ્યાતિભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં 51 હજાર કિલોથી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવશે. ગત વર્ષ રંગોત્સવમાં દેશભરના ભાવિકો ઉમટી પડ્યા હતા. હોળી-ધુળેટીના પર્વ નિમિતે તમામ તિર્થધામો ખાતે હોળી પ્રાગટ્ય અને રંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આગામી સોમવારે રંગોત્સવ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દાદાના દરબારમાં રંગોથી રંગાવવા ભાવિકો તલ પાપડ થઇ રહ્યા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.