Abtak Media Google News

અબતક, રાજકોટ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકાઓમાં મેઘમહેર:
કુતિયાણા સૌથી વધુ 1 ઈંચ વરસાદ નોંધાયો: રાજકોટમાં પણ વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં કુતિયાણામાં 22 મિમિ, વાપીમાં 9 મીમી,ધોલેરામાં 7 મીમી, બોડેલીમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં પણ ઝાપટાં જોવા મળ્યો હતો.

છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. તે ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વિજપુરવઠો પૂર્વવત નથી થયો.હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમ ડિપ્લોય કરાઈ

NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે. 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવેલી છે. ભટીંડા પંજાબથી આવેલી 05 ટીમ પૈકી 1- રાજકોટ,1-પોરબંદર,1- દેવભૂમિ દ્વારકા,2-જામનગર ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.