Abtak Media Google News
  • ગુજરાતને હરિયાળુ કરવા રાજય સરકારનો ઉત્તમ પ્રયાસ
  • 10,000  વૃક્ષો બન્યા પક્ષીઓનું આશ્રય સ્થાન

ગુજરાતનો વન વિસ્તાર વધારવા તથા ગુજરાતને એક હરિયાળું રાજ્ય બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પધ્ધતિ અપનાવી ગુજરાત વન વિભાગની વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવાની નક્કર કામગીરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં પડતર અને બિનઉપજાઉ રહેતી જમીનને નવસાધ્ય કરવાના કામને અગ્રતા આપી સુદ્ઢ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે જેનું ઉત્તમ દ્રષ્ટાંત રુપ  ગોંડલ તાલુકામાં આવેલાં જામવાડી ગામે  “વન કવચ”. નિર્માણ પામ્યું છે.ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની પડતર જમીનમાં હરિયાળી વધારવા તથા હરિત ક્ષેત્રની જાળવણી કરવા માટે ઝડપથી ઘનિષ્ઠ વાવેતરથી નાનું વન નિર્માણ કરવા માટે અમલી “વન કવચ” યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના જામવાડી ગામે જી.આઈ.ડી.સી.ની બાજુમાં આવેલી ખરાબાની પડતર જમીનને હરિયાળી બનાવી 1 હેકટર જમીનમાં સુંદર અને રમણીય “વન કવચ” તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા નાયબ વન સંરક્ષક તુષાર પટેલના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટનો વન વિસ્તાર વધારવા માટે સુપેરે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેના ફળ સ્વરૂપ ઝડપી વન ઊભા કરવા માટેની સાત સ્તરીય પદ્ધતિ થકી માત્ર આઠ મહિના જેટલા જ ટૂંકા સમયગાળામાં લહેરાય રહેલા જામવાડીના હરિયાળા વન કવચ વિશે વિગતવાર માહિતી આપતાં કોટડાસાંગાણી (ગોંડલ) રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી. ડી. અંટાળા જણાવે છે કે, ગામની બહાર કારખાના વિસ્તારમાં આવેલ ખરાબાની આ જમીનને સૌપ્રથમ સમતલ કરી વાવેતર યોગ્ય બનાવ્યા બાદ સાત સ્તરીય પદ્ધતિથી માટી ભરવામાં આવી, જેમાં માટી, કોકોપીટ, છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીમડાનું ખાતર વગેરેથી જમીનને સમતોલ પોષણયુકત બનાવવામાં આવી, જેથી છોડની ફળદ્રુપતામાં વધારો થાય.

વૃક્ષોના વાવેતર વિષે તેઓએ ઉમેર્યું હતું કે, જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ વધારવા વન કવચ હેઠળ ઉચ્ચ સ્તરીય, મધ્ય સ્તરીય અને નિમ્ન સ્તરીય એમ ત્રણ સ્તરમાં 11 જેટલા છોડ/શ્રુપ, 51 જેટલા વૃક્ષોની પ્રજાતિના 10,000 થી વધુ વૃક્ષોના ગીચ વાવેતર થકી બંજર જમીન ઉપર હરિયાળી છવાઈ ગઈ છે. જેમાં સમાવિષ્ટ અરડૂસી, લીમડો, કરંજ, પાનફૂટી જેવા આયુર્વેદિક વૃક્ષો, પક્ષીઓના ખોરાક માટે દાડમ, ફાલસા, બદામ, શેતુર, ચીકુ, સીતાફળ જેવા ફળાઉ વૃક્ષો, પતંગિયાઓ-ભમરાઓના ગુંજન માટે જાસુદ,કરેણ, પારીજાત, ચંપો સહીતના અનેકવિધ ફૂલોના છોડ, છાયાના વૃક્ષો સહીત સુશોભનના વૃક્ષો જુદા-જુદા પક્ષીઓનું આશ્રય સ્થાન બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.