શેરબજારમાં પ્રચંડ મંદી: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકા

સેન્સેક્સે 59 હજાર અને નિફ્ટીએ 17500ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ: રૂપીયામાં નરમાશ

સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં મંદીનું વાવાઝોડુ ફૂંકાયુ હતું. ઉઘડતી બજારે સેન્સક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાયા હતાં. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ નરમાશ જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં મંદીના કારણે ભારતીયમાં કડાકા જોવા મળ્યા હતાં.

આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતાં. યુરોપીયન દેશો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે, આરબીઆઇ દ્વારા પણ આગામી દિવસોમાં વ્યાજના દરોમાં વધારો કરાય તથા અદાણી ગ્રુપ અંગે સતત આવી રહેલા નેગેટિવ રિપોર્ટના કારણે બજારમાં મંદીનો પવન ફૂંકાયો છે. આજે ઉઘડતી બજારે સેન્સેક્સે 59 હજારની સપાટી તોડી હતી. 58884.98ની નીચલી સપાટી સુધી પહોંચી ગઇ હતી. દરમિયાન ઉપરની સપાટીએ 59262.70નું લેવલ હાંસલ કર્યું હતું.

નિફ્ટીએ પણ 17500નું લેવલ તોડ્યું હતું. 17324.35 પોઇન્ટની સપાટીએ પહોંચી ગયા બાદ થોડી રિક્વરી રહેવા પામી હતી. ઉપલી સપાટીએ 17451.50 પહોંચી હતી. બેન્ક નિફ્ટી ઉંધા માથે પટકાય હતી. વ્યાજદરમાં વધુ એક વખત વધારો થવાની દહેશતથી બેન્કીંગ સેક્ટર ફરી એકવાર ધ્રુજી ઉઠ્યુ હતું. નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સમાં પણ કડાકા રહ્યા હતાં.

આજે બજારમાં પ્રચંડ મંદી જોવા મળી હતી. છતા બલરામપુર, ચીની, બ્રિટાનીયા, ટાટા મોટર્સ, ઝાયડ્સ લાઇફ, ગેઇલ જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ડિયા માર્ટ, કેનેરા બેન્ક, અદાણી એન્ટરપ્રાઇઝ, કાફોર્સ લીમીટેડ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સીસ બેન્ક, ટાટા સ્ટીલ અને પીએનબી જેવી કંપનીના શેરોના ભાવ તૂટ્યા હતાં. બૂલીયન બજારમાં મિશ્ર માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ તૂટ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 661 પોઇન્ટના કડાકા સાથે 59145 પોઇન્ટ પર, નિફ્ટી 175 પોઇન્ટના કડાકા સાથે 17415 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસાના ઘટાડા સાથે 82.02 પર ટ્રેડ કરી રહ્યો છે.