Abtak Media Google News

શેરબજારમાં એકધારી તેજીથી રોકાણકારો માલામાલ: બેંક નિફ્ટીમાં પણ તોતીંગ ઉછાળા

ભારતીય શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી સુરજ ઉગે અને રોજેરોજ નવી-નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી રહ્યા છે. આજે પણ શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 66,000ની સપાટીને હાંસલ કરવા માટે જાણે તલપાપડ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે નિફ્ટીએ આજે 19,500ની સપાટી ઓળંગી હતી. બેંક નિફ્ટીમાં પણ તોતીંગ ઉછાળા જોવા મળી રહ્યા છે.

Advertisement

ભારતીય અર્થતંત્ર પર વિશ્વભરના રોકાણકારોનો વિશ્ર્વાસ સતત વધી રહ્યો હોવાના કારણે શેરબજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસથી સતત સેન્સેક્સ અને નિફ્ટી રોજેરોજ નવા હાઇ બનાવી રહ્યા છે. આજે સેન્સેક્સે 65,798.07નો નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો. જ્યારે નીચે સરકીને 65,328.29 સુધી આવી ગયો હતો. નિફ્ટીએ આજે 19,500ની સપાટી ઓળંગતા નવો 19,502.30નો હાઇ હાંસલ કર્યો હતો. જ્યારે નિફ્ટી સરકીને 19,373 સુધી આવી ગઇ હતી. આરબીઆઇ દ્વારા ટુંક સમયમાં વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી હોય બેંક નિફ્ટીમાં પણ તોતીંગ તેજી જોવા મળી રહી છે. આજે બેંક નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં કામ કરતી નજરે પડતી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા.

આજની તેજીમાં એમસીએક્સ ઇન્ડિયા, હિન્દ કોપર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ટીવી નેટવર્ક, એચડીએફસી બેંક, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ, પીએનબી, આઇડીયા-વોડાફોન, આઇડીએફસી ફર્સ્ટ બેંક સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળ જોવા મળ્યો હતો. જ્યારે મંદીમાં પણ આઇસર મોટર, મેરીકો, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, આરબીએલ બેંક, એચડીએફસી, આરતી ઇન્ડસ્ટ્રીઝ સહિતની કં5નીઓના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

શેરબજારની સાથે આજે બૂલીયન બજાર પણ તેજીના ટ્રેક પર દોડ્યું હતું. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 348 પોઇન્ટના ઉછાળા સાથે 65793 અને નિફ્ટી 105 પોઇન્ટના ઉછાળા સાથે 19503 પર ટ્રેડ કરી રહી છે.જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 24 પૈસાના ઘટાડા સાથે 82.47 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.