Abtak Media Google News

તેઓ એવું માનતા હતા કે ગમે તેવી હિંસક ફોજનો સફળ સામનો કરોડો ભલા ભોળા પ્રજાજનોની સામૂહિક રામધૂન કરતી શ્રીરામ-સેના દ્વારા થઈ શકે ! આનો સારાંશ એ જ કે કોરોનાને મ્હાત કરીને તેને દેશવટો આપવા અને સમગ્ર જન વ્યવહારોને પૂન: સંચલિત કરી લેવા દેશના સવા અબજ લોકો રામધૂનના પરમ પવિત્ર શસ્ત્ર સાથે રામ-સેનાના સ્વરૂપમાં તમામ સૂત્રો-સૂચનો તેમજ મંત્રોનું નખશીખ પાલન કરતાં કરતાં શ્રધ્ધાભેર આગેકૂચ કરે તો ‘જય હો નિશ્ર્ચિત’ !

આપણા દેશની પ્રજામાં એવી પ્રબળ માન્યતા પ્રવર્તે છે કે ગમે તેવી બિમારી વખતે ઉપયોગમાં લેવાતી દવામાં જો ઈશ્ર્વરની દુવા ભળે તો બિમારીમાં સુધારો આસાન બની જાય છે અને બિમારી હટવાનું ઘણે અંશે નિશ્ર્ચિત બની જાય છે.

આપણા દેશમાં પ્રવર્તતી હિન્દુ સંસ્કૃતિમાં આવી શ્રધ્ધા યુગોથી ચાલી આવે છે.

આપણા દેશની એ કમનશીબી છે કે, આપણા દેશમાં એનું મહત્વનું અંગ ગણાયેલી વેદિક સંસ્કૃતિ પશ્ર્ચિમી સંસ્કૃતિનાં આક્રમણને કારણેઅત્યારે વંઠું વંઠું થઈ રહી છે. છતાં એની ધાર્મિકતા અને ઈશ્ર્વરમાની શ્રધ્ધાને કશીજ આંચ આવી નથી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તો હાડોહાડ રામભકત હતા શ્રી રામમાં એમને અતૂટ શ્રધ્ધા હતી.

સહુ કોઈ જાણે છે તેમ તેમણે જીવન પર્યંત પ્રાર્થના સભા યોજી હતી. તેમણે તેમના જીવની રોજીંદી મહત્વની પ્રવૃત્તિઓમાં સર્વધર્મી, પ્રાર્થના સભાને મહત્વનું અંગ લેખ્યું હતુ. અને તેમની જીવનલીલા અચાનક હત્યાને કારણે સંકેલાઈ ગઈ તે પણ પ્રાર્થના સભના વાતાવરણ વચ્ચે જ સમેટાઈ હતી.

તેમણે આખા વિશ્ર્વમાં જેનો વાવટો ફરકતો હતો તેવી અંગ્રેજી સલ્તને અહિંસા અને સત્યમાં નિષ્ઠાના શાસ્ત્રો વડે નમાવી અને ભારતની ૧૫૦ વર્ષ જૂની ગુલામીની ઝંઝીરને તોડીને તેને આઝાદી અપાવી, એ કારણે એમની શ્રી રામ ભગવાનમાં કેટલી દ્દઢ શ્રધ્ધા હતી. તે પૂરવાર થતું હતુ.

આપણા દેશમાં અને આખા જગતમાં કાળો કેર અને હાહાકાર સર્જનાર કોરોનાનો, જો મહાત્મા ગાંધી અત્યારે હયાત હોત તો તેમણે માનવજાતના અને જીવનસૃષ્ટિનાં કલ્યાણ અર્થે કયા શસ્ત્ર વડે કયા શસ્ત્ર વડે અને શ્રીરામમાંની એમની શ્રધ્ધા શકિત વડે પ્રતિકાર કર્યો હોત એવો વિચાર આવ્યા વગર રહેતો નથી.

આ તબકકે એમના એક એવા કથનની નોંધ લેવી જરૂરી બને છે. કે, ગમે તેવી હિંસક ફોજનો સફળ સામનો લગીરે ડર કે ભય વિના આ દેશના કરોડો ભલાભોળા છતાં પૂરેપૂરા બળુકા પ્રજાજનોની સામૂહિક રામધૂન કરતી રામસેના વડેથઈ શકે. જે રાવણને હણી શકે અને લંકાને ત્રાસમૂકત કરી શકે એ ગમે તેવા અનથીને હણી શકે

આનો સારાંશ વિનમ્ર પણે કાઢીએ તો સ્પષ્ટ પણે એવો નીકળે કે, કોરોનાને વિવિધ રીતે મ્હાત કરીને દેશભરનાં સમગ્ર જનગણ મન વ્યવહારોને પૂન: સંચલિતકરી લેવા અને નવેસરથી વિશ્ર્વની તમામ ગતિવિધિઓને ધમધમતી કરી લેવા દેશભરનાં સવા અબજ નરનારીઓ રામધૂનના પરમ પવિત્ર અને આકાશને આંબે એવા બુલંદ ઘોષ સાથે તેમજ હમણા સુધી પ્રવર્તતા તમામ મંત્રો તથા સૂચનોના નખશીખ પાલન કરતાં કરતા શ્રધ્ધાભેર અને લગીરે થાકયા વિના નિશ્ર્ચિત મંઝિલ સુધી આગેકૂચ કરે !

આ મત મહાત્મા ગાંધીનો હતો અને હજૂ છે જ, એટલે તેને કોઈ પણ રામભકતે અને ગાંધી ભકતે વજૂદ આપવી જ પડે. પરંતુ આ કિસ્સામાં કોરોના સામે લડવાનું છે અને આપણા દેશના કરોડો લોકોની અત્યારે જે કફોડીમા કફોડી હાલત છે તેને લક્ષમાં લીધા વગર ચાલે તેમ નથી.

અહીં એવો પ્રશ્ર્ન પણ જાગે છે કે, કોરોના સામે લડીને જીતશું ત્યાં સુધીમાં તો વડાપ્રધાને આ અગાઉ આપેલા ન્યુ ઈન્ડીઆ, સ્વચ્છ ભારત, યુગલક્ષી ભારત, મેઈડ ઈન ઈન્ડીઆ અને આર્થિક મહાસત્તા અંગેના સપનાં ડોળા ફાડતા હોય એવી આંખો વચ્ચે આ દેશની સવા અબજની વસતિની સામે ખડા થવાના છે.

દાનત હોય, ઈમાનદારી હોય, આવડત હોય અને ગાંધીજીને હતી એવી શ્રી રામમાં દ્દઢ સત્તા હોય તો સપનાં સાકાર થઈ જ શકે છે.

સામાજીક ન્યાય, માનવ ગૌરવ, ધનિકતા, નિર્ધનતા, ધાર્મિકતા અધાર્મિકતા અને સજજનતા દૂર્જનતા વગેરે બાબતોમાં પણ આપણો દેશ દરિદ્રતા અને ગરીબાઈમાં પીડાતો રહ્યો છે.

આપણી આવી હાલત માટે આપણા રાજકીય પક્ષોનો સંઘર્ષનાં રાજકારણનો અભિગમ પણ જવાબદાર છે.

આમ છતાં જે થઈ ગયું તે ગયું હવે વહેલી તકે એમાંથી પ્રમાણિક પણે બહાર આવીને આપણે કોરોનાગ્રસ્ત હાહાકાર અને મુશિબતોના ઢગલાને થાળે પાળવામાં લાગી જઈએ અને રાષ્ટ્રધર્મ બજાવીએ, તો બધુ થાળે પડી જ જશે… કોરોનાના ગમે તેવા ફુંફાળા પછીયે મહાત્મા ગાંધી શ્રીરામ અને સ્વર્ણિમ સફળતા આપણી સાથે છે એમ આપણે નિ:સંદેહ કહી શકીએ તેમ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.