Abtak Media Google News

શિબા ઈનુ નામની ડિજિટલ કરન્સીથી રોકાણકારોને બખ્ખાં; માત્ર 24 કલાકમાં 75%નો વધારો

વિશ્વઆખાને ડિજિટલ કરન્સીનું ઘેલું લાગ્યું છે…!! મોટા વળતર આપતી ડિજિટલ કરન્સીનું સામે જોખમ પણ એટલું છે. જો કે હાલ આ ક્રીપ્ટોકરન્સીએ રોકાણકારોને બલ્લે બલ્લે…. કરાવી દીધી છે. જાણીતી એવી ક્રિપ્ટો, બીટકોઈન તો ઠીક પણ જેનું માર્કેટમાં નામ પણ ભાગ્યે જ સાંભળ્યું હોય તેવી અજાણી કરન્સીએ રોકાણકારોને બખ્ખા કરી દીધા છે. તાજેતરમાં ડિજિટલ કરન્સી માર્કેટમાં શિબા ઈનું નામની કરન્સીએ બલ્લે બલ્લે કરી દીધી છે. શિબા ઈનું કોઈને માત્ર 9 માસમાં હજાર કે બેહજાર ટકા પણ નહીં પણ અધધ…. 8 લાખ ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

મેમ વર્લ્ડની લેટેસ્ટ સેન્સેશન શિબા ઇનુ તાજેતરમાં ક્રિપ્ટો વર્લ્ડમાં ટોકન વિશે સૌથી વધુ ચર્ચામાં રહી છે. જ્યારે મુખ્ય ટોકન્સ 10 ટકાનો ઘટાડો નોંધાવી રહ્યા છે, ત્યારે શિબા ઇનુએ 9 માસમાં 8 લાખ ટકાનો જ્યારે છેલ્લા 24 કલાકમાં 75 ટકાનો વધારો કર્યો છે. શિબા ઇનુએ $0.00008નું શિખર સર કર્યું છે. તેનું માર્કેટ કેપ હવે $50 બિલિયનના આંકે પહોંચ્યું છે, જે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે સાતમી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. બ્લોકચેન અને ટેક ઇવેન્જલિસ્ટ શરત ચંદ્રાએ જણાવ્યું  કે “ડોજકોઇન કિલર”માં તાજેતરનો આ ઉછાળો કોઈ મજાક નથી અતિવાસ્તવ છે. શિબા ઈનુએ યુનિસ્વેપ, લુના, પોલ્કાડોટ અને એક્સઆરપી જેવા અન્ય અલ્ટકોઇન્સને પાછળ છોડી દીધા છે.

શિબા ઇનુ, પ્રથમ વખત, ડોગેકોઇન કરતાં વધુ માર્કેટ કેપ ધરાવે છે. તે હવે વિપ્રો, એચસીએલ ટેક, એવન્યુ સુપરમાર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ અને એલએન્ડટી જેવા કેટલાક ભારતીય બ્લુચિપ શેરો કરતાં વધુ મૂલ્યવાન છે. જિયોટસ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સહ-સ્થાપક અને CEO વિક્રમ સુબ્બુરાજે જણાવ્યું કે, ક્રિપ્ટો ચાહકોની વર્તુણુંક અને યુએસમાં રોબિનહૂડ પ્લેટફોર્મ પર શિબા ઇનુની યાદી બનાવવાની અરજીને કારણે તેના મૂલ્યમાં વધારાને વેગ મળ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા સાત દિવસમાં ક્રિપ્ટોકરન્સી 200 ટકાથી વધુ વધી છે. છેલ્લા ત્રણ મહિનામાં તેમાં 1,200 ટકાથી વધુનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.