Abtak Media Google News

અમિતભાઇ શાહ, જે.પી.નડ્ડા, એસ. જયશંકર, સી.આર. પાટીલ, ડો. મનસુખ માંડવિયા અને પરસોતમભાઇ રૂપાલા અથવા પુનમબેન માડમને મોદી મંત્રી મંડળમાં સ્થાન અપાય તેવી સંભાવના

લોકસભાની 543 બેઠકોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી 4 જુનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોરે સુધીમાં કેન્દ્રમાં કોની સરકાર બનશે તે વાત કિલયર થઇ જશે. જો કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનશે તો ગુજરાતના છ સાંસદોને મોદી મંત્રી મંડળમાં મંત્રી બનવાનું સદનસીબ પ્રાપ્ત થાય તેવી શકયતા હાલ દેખાય રહી છે. કેન્દ્રની વર્તમાન મોદી સરકારમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી છે.

લોકસભાની 543 બેઠકો માટે અલગ અલગ સાત તબકકાના મતદાન પૈકી પાંચ તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આગામી રપમીએ છઠ્ઠા તબકકાનું અને 1 જુનના રોજ સાતમા તબકકાનું મતદાન થવાનું છે. ચોથી જુને તમામ 543 બેઠકોની મત ગણતરી હાથ ધરાવાની છે. બપોર સુધીમાં પરિણામો આવી જશે 10મી જુન સુધીમાં નવી સરકાર સત્તારૂઢ થઇ જશે હાલ સટ્ટા બજારના આસાર મુજબ કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બને તેવો સંકેતો મળી રહ્યા છે. જો આવું થશે તો નવા મંત્રી મંડળમાં ગુજરાતના છ સાંસદોને મંત્રી પદ મળે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જેમાં અમિત શાહ ગૃહ મંત્રી તરીકે, એસ. જયશંકર વિદેશ મંત્રી તરીકે હાલ સાંસદ નથી છતાં કેન્દ્રીય મંત્રી છે. તેવા ડો. મનસુખભાઇ માંડવીયા આરોગ્ય મંત્રી તરીકે અને પરસોતમભાઇ રૂપાલા મત્સ્યોઘોગ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુજપરા, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અને દાહોદના સાંસદ દેવુસિંહ ચૌહાણ રાજયકક્ષાના મંત્રી છે.

કેન્દ્રમાં જો ફરી ત્રીજી વખત મોદી સરકાર બનશે તો ગુજરાતના છ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શકયતા દેખાય રહી છે. જેમાં અમિતભાઇ શાહ, જે.પી.નડ્ડા, સી.આર. પાટીલ, એસ. જયશંકર, ડો. મનસુખભાઇ માંડવીયા અને પરષોતમભાઇ રૂપાલા અથવા પુનમબેન માડમને મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની પ્રમુખ તરીકેની મુદત પૂર્ણ થઇ ગઇ છે. તેઓની મુદત લોકસભાની ચુંટણી સુધી લંબાવવામાં આવી હતી. તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ તરીકે બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા તેઓ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ પદેથી નિવૃત થઇ રહ્યા હોય તેઓને નવી સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

હાલ મોદી સરકારમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જેમાં એક મહિલા સાંસદનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના છ સાંસદોને નવી સરકારમાં સ્થાન મળે તેવી સંભાવના જણાય રહી છે. જો ગુજરાતમાંથી કોઇ મહિલા સાંસદને મંત્રી બનાવવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવે તો જામનગર બેઠક પરથી જો પુનમબેન માડમ સતત ત્રીજી વખત જીતી સાંસદ બનવામાં સફળ રહેશે તો તેઓ માટે ઉજળા સંકેતો છે. ડો. મનસુખભાઇ માંડવીયા અગાઉ રાજયસભાના સાંસદ હતા હવે તેઓ પોરબંદર બેઠક પરથી લોકસભાની ચુંટણી લડયા છે. તેઓની જીત સાથે નવી સરકારમાં પણ મંત્રી મંડળમાં સમાવેશ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના એક સાંસદને મંત્રી મંડળમાં લેવામાં આવશે તો બીજા કોઇ સાંસદને મંત્રી બનાવવા કે કેમ? મતે અંગે ચુંટણીના પરિણામો બાદ પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી  ટીપ્પણી બાદ તેઓ વિવાદમાં સપડાયા હતા. ક્ષત્રીય સમાજ દ્વારા તેઓની ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઉગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. છતાં ભાજપ માંગણી ન સ્વીકારતા ક્ષત્રીય સમાજે રાજયભરમાં ભાજપ વિરોધ મતદાન કરવામાં આવ્યું હતું. હવે જો રૂપાલા જીતી જશે તો પણ તેઓને મંત્રી મંડળમાં સ્થાન આપવું કે કેમ? તે મોટો વિષય બની જશે.

ગુજરાતના સાંસદ અમિત શાહ, જે.પી. નડ્ડા, એસ. જયશંકર, સી.આર. પાટીલ અને ડો. મનસુખ માંડવીયાને નવી સરકારમાં સ્થાન મળે તે નિશ્ર્ચીત જ માનવામાં આવી રહ્યું છે. હવે પરષોતમભાઇ રૂપાલા કે પુનમબેન માડમ આ બન્નેમાંથી કોને મંત્રી મંડળમાં સમાવેશ કરવો તે અંગેનો નિર્ણય ચુંટણી પરિણામ અને લીડના આધાર લેવામાં આવી શકે છે. હાલ રાજય સરકારના મંત્રી મંડળમાં માત્ર 16 મંત્રીઓ છે જેમાં સૌરાષ્ટ્રના ચાર ધારાસભ્યો કેબિનેટ મંત્રી અને એક ધારાસભ્ય રાજયકક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આવામાં કેન્દ્રીય મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના કેટલા સાંસદોને લેવા તે અંગેનો નિર્ણય તમામ સમિકરણોની ગોઠવી કરીને કરવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.