Abtak Media Google News

આજે મધરાત્રિથી ફાસ્ટેગની અમલવારી

ફાસ્ટેગ અમલમાં આવતાં ટોલ પ્લાઝા ‘કતારમુક્ત’ થશે

આજે મધરાત્રીથી દેશભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે. કેન્દ્ર સરકારે રવિવારે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી હતી. જે લોકોએ અત્યાર સુધી પોતાના વાહનો પર ફાસ્ટેગ નથી લગાવ્યું અથવા લગાવ્યું તો છે પણ કામ નથી કરતું તો તેવી સ્થિતિમાં બમણો ટોલ ટક્સ ચુકવવો પડી શકે છે.

જો ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા પર વાહનોની કેટેગરી પ્રમાણે દંડ પણ વસુલવામાં આવશે જે ટોલ ફી કરતા બમણો હોઇ શકે છે. આ પહેલા રવિવારે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ફાસ્ટેગ લગાવવાની સમયમર્યાદાને હવે વધુ લંબાવવામાં નહીં આવે અને તે સોમવારે રાતથી જ દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે.

સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓએ પોતાના વાહનની ટોલ ફી ભરવા માટે આ ઇ-પેમેન્ટ સુવિધાનો લાભ લેવો જોઇએ. તેનાથી આમ નાગરિકોને જ ફાયદો થશે અને સમય પણ બચશે. ફાસ્ટેગ ટોલ પ્લાઝાઓ પર જે ચાર્જ લાગે છે તેની ભરપાઇ માટે ઇલેક્ટ્રોનિક સુવિધા પુરી પાડે છે. નોંધનીય છે કે, ફાસ્ટેગ અમલી બનાવવાં અંગે વર્ષ 2016માં દરખાસ્ત રજૂ કરાઈ હતી.

હાઇવે પર વાહનચાલકોનો મોટો સમય ટોલની ચુકવણીમાં ઘણો સમય વેડફાઈ જતો હતો અને હાઇવે કતારયુક્ત બની જતા હતા. સિસ્ટમમાં કંઈ ખામી સર્જાય તો મોટી કતારો પણ જોવા મળતી હતી ત્યારે હવે હાઇવે કતારમુક્ત બની જશે. અગાઉ ટોલની ચુકવણી સંદર્ભે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે મારા-મારી સહિતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે હવે આ પ્રકારની ઘટનાઓ પર પણ નિયંત્રણ આવી શકે છે. વાહન ટોલ બૂથમાંથી પસાર થતાની સાથે જ ઓટોમેટિક ટોલ કપાઈ જશે જેથી કોઈ જાતની બોલાચાલી થવાની શક્યતાઓ પણ ઓછી થઈ ગઈ છે.

જે વાહનો પર ફાસ્ટેગ લગાવ્યો હશે તેનો ટોલ ટેક્સ વાહન ટોલ પ્લાઝાથી પસાર થતા જ ઓટોમેટિક કપાઇ જશે

ફાસ્ટેગને નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઇંડિયા (એનપીસીઆઇ) દ્વારા વિકસીત કરવામાં આવ્યું છે. આરએફઆઇડીનો ઉપયોગ કરીને વાહનોને રોક્યા વગર જ ટોલ પ્લાઝા પાર કરવાની છુટ મળશે. જે વાહન પર ફાસ્ટેગ લાગેલ હશે તેનો ટોલ ટેક્સ ઓટોમેટિક કપાઇ જશે. જ્યારે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે આ ટેક્સ ઓટોમેટિક કપાઇ જશે.

હાઇવે પર ટોલની ચુકવણી હવે ‘ડિજિટલી’ થશે

ફાસ્ટેગને ખરીદવા માટે ડ્રાઇવિંગ લાઇસંસ અને વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસીની કોપી આપવાની રહેશે.આ ઉપરાંત બેંક નો યોર કસ્ટમર (કેવાઇસી) માટે પાનકાર્ડ અને આધારકાર્ડની ફોટો કોપી પણ માગે છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર હવે કેશ દ્વારા પેમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જો ફાસ્ટેગ નહીં હોય તો ટોલ ટેક્સ બમણો આપવો પડી શકે છે.

ફાસ્ટેગ રજિસ્ટ્રેશનનું 90 ટકા કામ પૂર્ણ, લોકોને ઇ-પેમેન્ટ સુવિધાનો લાભ લેવા નિતિન ગડકરીની અપીલ

આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે, વાહનોને ટોલ પ્લાઝા પર કોઇ પણ પ્રકારની ભરપાઇ માટે ઉભા નહીં રાખવા પડે. ગડકરીએ સાથે એમ પણ કહ્યું હતું કે કેટલાક હાઇવે પર ફાસ્ટેગનું રજિસ્ટ્રેશન 90 ટકા પૂર્ણ કરી લેવામા આવ્યું છે અને માત્ર 10 ટકા જ બાકી છે. તેમણે કહ્યું કે ટોલ નાકા પર પણ આ સુવિધા ઉપલબ્ધ છે જેનો લોકોએ લાભ લેવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.