Abtak Media Google News

સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનની અમલવારી થાય નહીં તો એક વ્યકિત ૩૦ દિવસમાં ૪૦૬ લોકોને ચેપ લગાડી શકે

દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે અમલમાં મુકાયેલા લોકડાઉનની સ્થિતિમાં પણ સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે જો લોકડાઉન હટાવી લેવામાં આવે તો એક વ્યકિત ૩૦ દિવસમાં ૪૦૬ જેટલા લોકોને સંક્રમણ લગાવી શકે તેવી ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે. કોરોના સંક્રમણના કેસ ત્રણથી ચાર દિવસમાં જ બેગણા થઇ જતા હોવાથી આગામી સમય દેશ માટે કપરો સાબિત થાય તેવી ભીતિ છે.

દેશમાં ‘બે ખૌફ’લોકોના બીનજરૂરી આંટાફેરાના કારણે કોરોના સંક્રમણના કેસ વઘ્યા છે. નવા કેસમાં થતો ઉતરોતર વધારો આગામી સમયમાં ભારે ખાનાખરાબીના એંધાણ આપી રહ્યા છે. ગુજરાતમાં  અમદાવાદ, સુરત જેવા મેગાસિટીમાં કોરોના સંક્રમણના કેસ બેકાબુ થાય તેવી સ્થિતિ છે. નાના શહેરોમાં પણ કેસની સંખ્યા વધી છે જેની પાછળ લોકડાઉન દરમિયાન પણ કારણ વગરની ચહલપહલ જવાબદાર ગણી શકાય. આગામી સમયમાં કોરોનાને રોકવા લોકડાઉન લંબાશે તેવી શકયતા વધુ દ્રઢ બની રહી છે લોકડાઉનથી સંક્રમણની સંખ્યા ઘટી શકે છે.

નોંધનીય છે કે, નિષ્ણાતોએ સરકારને લોકડાઉન ૧૪મી એપ્રિલથી પણ આગળ લંબાવવા સૂચન કર્યું છે ત્યારે આઈસીએમઆરના એક અભ્યાસમાં જણાવાયું હતું કે કોરોનાનો એક દર્દી ૩૦ દિવસમાં ૪૦૬ લોકોને કોરોનાનો ચેપ ફેલાવી શકે છે. આથી સરકારે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા આગોતરાં પગલાંઓ પર ભાર મૂકવાની જરૂર છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે  જણાવ્યું હતું.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અભ્યાસને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિવારક પગલાંઓનો અમલ ન થાય તો કોરોનાનો એક દર્દી ૩૦ દિવસમાં ૪૦૬ લોકોમાં ચેપ ફેલાવી શકે છે. પરંતુ આપણે નિવારક પગલાં લઈએ તો આ જ સમયમાં પ્રતિ દર્દી સંક્રમણના પ્રસારની સરેરાશ માત્ર ૨.૫ વ્યક્તિ સુધી મર્યાદિત કરી શકાય છે. સૂત્રો પાસેથી મળતા આંકડા મુજબ દેશમાં કોરોનાથી ૧૨૪ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે કુલ ૫૦૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૪૦૦ લોકો સાજા થયા છે. રાજ્યવાર ટેલી મુજબ દેશમાં કોરોનાથી ૧૬૮ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે કુલ ૫,૧૯૨ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૪૩૭ લોકો સાજા થયા છે. આંકડાને ધ્યાનમાં લઈએ તો દેશમાં ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૫૦૯ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧.૧ લાખ લોકોના ટેસ્ટ થયા હોવાનું સરકારે જણાવ્યું હતું.

બીજીબાજુ દેશવ્યાપી લોકડાઉન ૧૪મી એપ્રિલે પૂરું થઈ રહ્યું હોવાથી લંબાવવું જોઈએ તે અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકારોમાં ચર્ચા થઈ રહી છે. કેટલાક રાજ્યોએ કોરોનાના હોટસ્પોટ તરીકે ઓળખી કાઢવામાં આવેલા વિસ્તારોમાં ’ક્લસ્ટર ક્ધટેઈનમેન્ટ’ યોજનાને મજબૂત બનાવવા અને તેમના ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની યોજનાઓની જાહેરાત કરી છે. ઉપરાંત કૃષિ અને અસંગઠિત કામદાર સેક્ટર સહિત કેટલાક સેક્ટર્સને સંપૂર્ણ લોકડાઉનમાંથી આંશિક રાહત આપવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

સરકારે જણાવ્યું હતું કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે કોરોનાનો પ્રસાર ભારતમાં વ્યાપક સ્તરે અટકાવવામાં આપણને સફળતા મળી છે. જોકે, લોકડાઉન લંબાવવા અંગેનો નિર્ણય ૧૪મી એપ્રિલની પરિસ્થિતિઓના આધારે લેવામાં આવશે. હાલ આ લોકડાઉન સરકાર ૧૪મી એપ્રિલથી પણ આગળ લંબાવે તેવા સંકેતો મળી રહ્યા છે. દરમિયાન કોરોનાની સૌથી ગંભીર અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, જ્યાં કોરોના પોઝિટવ કેસોની સંખ્યા ૧,૦૧૮ને પાર થઈ ગઈ છે જ્યારે ૬૪ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યાર પછી તામિલનાડુમાં ૬૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૯ લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં ૫૫૦ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં તબલિગી જમાતના નિઝામુદ્દિન મરકઝના લોકોની સંખ્યા વધુ છે. દિલ્હીમાં કોરોનાનો મૃત્યુઆંક એકંદરે ૯ સુધી મર્યાદિત રહ્યો છે. હમણાં સુધી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં બીજા ક્રમે રહેનાર કેરળમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, જ્યાં કુલ ૩૩૬ કેસ નોંધાયા હતા.

રાજ્યોએ લોકડાઉન વધારવાની માંગ કરી!

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે. છતા પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી મહારાષ્ટ્ર, તેલંગણા, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજયોએ લોકડાઉનની અવધી વધારવાની હિમાયત કરી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ કેસ વધે છે તેવા સંજોગોમાં પણ જો લોકડાઉન હટાવી લેવામાં આવે તો કોરોના વાયરસના કેસ એકાઅકે ઉપર આવી શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં પૂરાઈને રહે તો કોરોના વાયરસના ફેલાવાની સાયકલ તૂટી શકે તેવી અપેક્ષાએ લોકડાઉનની અમલવારી થઈ રહી હતી. પરંતુ અનેક લોકો કોઈ કારણ વગર બજાર, શેરી ગલીઓમાં આંટાફેરા કરતા હોવાથી વાયરસનો ફેલાવો વધ્યો છે. હવે જો લોકડાઉન હટાવી લેવાશે તો વાયરસ વકરી શકે તેવી ભીતિ છે.

મધ્યપ્રદેશ તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતના રાજયોની સરકાર દ્વારા લોકડાઉનની અવધી વધારવામાં આવે તેવી દરખાસ્ત કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. જોકે જો લોકડાઉન વધારવામાં ન આવે તો ઓડ-ઈવન જેવા વિકલ્પો તરફ પણ ધ્યાન દોરી શકાય છે.

જેલમાં સબડતા ૫૦ વર્ષથી વધુ ઉંમરના કેદીઓને કોરોનાને લઇ છુટકારા માટે સુપ્રીમનો નનૈયો

જેલમાં સબડતા પ૦ થી વધુ વર્ષના વયના ડાયાબીસ, બ્લડ પ્રેસર, હ્રદય કે અન્ય જીવલેણ બિમારીથી પીડાતા દર્દીઓને કોરોનાના વાયરસના કહેર વચ્ચે છોડી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. ચીફ જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ એલ. નાગેશ્ર્વર રાવની બેન્ચે જણાવ્યું હતું કે આ બાબતે સરકાર શું વિચારે છે તેની જાણ નથી પણ કોર્ટનો મત એવો છે કે આ રીતે પ૦ વર્ષથી વધુ વયના તમામ દર્દીઓને પેરોલ કે વચગાળાના જામીન પર મુકત કરી શકાય નહીં પણ જે તે કેદીની વ્યકિતગત સ્થિતિ મુજબ નિર્ણય લઇ શકાય.

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે વ્યકિતગત કેદીઓના કેસ અંગે સરકાર સમક્ષ રજુઆત કરી શકાય, પણ પ૦ વર્ષથી વધુ વયના તમામને મુકત કરી ન શકાય. કોર્ટની બેન્ચે કહ્યું કે અમે પીટીશનકર્તા અમિત સહાનીને તેમની પીટીશન પાછી ખેંચવા કરીએ છીએ અને જે તે વ્યકિગત કેસ હોય તો તેની સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત માટે તેમને છૂટ આપીએ છીએ.

મોટી ઉંમરના કે ડાયાબીટીસ, બી.પી., હ્રદય કે અન્ય ગંભીર બિમારી ધરાવતા કેદીઓને મુકત કરવા તેવી વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની માગદર્શિકા છે તે અનુસંધાને કોરોના પણ જીવલેણ હોય હાલના તબકકે આવા રોગચાળામાં આ હુકમ કરવામાં આવે તેવી સહાનીએ પીટીશન કરી હતી.

સહાનીએ એવી પણ દલીલ કરી હતી કે હાલમાં જેલ કેદીઓથી ઉભરાઇ રહી છે. અને આવી સ્થિતિમાં આવા પ૦ વર્ષથી વધુ વયના કે ગંભીર બિમારીથી પીડાતા કેદીઓથી આ રોગચાળાને વધુ વકરાવશે ર૩ માર્ચે સુપ્રીમ કોર્ટે રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કર્યો હતો કે કોરોના વાયરસના કહેર વેળાએ સાત વર્ષ સુધી કેદ સજા ભોગવનારા કે નાના ગુનામાં જેલમાં રહેલા કેદીઓને મુકત કરવા આવે સહાનીની દલીલ હતી કે જેલમાં કોરાનાનો એક વ્યકિતને ચેપ લાગે તો અન્ય મોટી ઉમરના કેદીઓને તેનો ઝડપથી ચેપ લાગી શકે છે.

અમેરિકામાં એક જ દિવસમાં ૨૦૦૦થી વધુનાં મોત

ચીન, ઈટાલી, બાદ હવે કોરોના વાયરના કારણે અમેરિકામાં મોતનું તાંડવ શરૂ થયું છે. અમેરિકામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા ટ્રમ્પ સરકારે ધબપછાડા કર્યા છે. કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોતની સંક્યા સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ૨૦૦૦ લોકોના મોત થયા હોવાનું જાણા મળી રહ્યું છે.

ન્યુયોર્ક, કેલીફોનીયા અને શિકાગો સહિતના અમેરિકન રાષ્ટ્રોમાં કોરોનાના સંક્રમણના કેસ સતત વધવા પામ્યા છે. આગામી એક અઠવાડીયામાં કોરોનાની મોતની સંખ્યા બે ગણી થઈ જશે તેવું નિષ્ણાંતોનું માનવું આવા સંજોગોમાં કોરોની વાયરસને રોકવામાં અમેરિકા જેવો વિકશિત દેશ પણ નાકામ થયો હોવાનું ફલીત થયું છે.

નોંધનીય છે કે, ઈટાલી અને સ્પેનની જેમ અમેરિકામાં મોતનો આંકડો ૧૨ હજારને પાર થઈ ગયો છે. ઈટાલીમાં કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા ૧૭,૧૨૭ છે. જયારે સ્પેઈનમાં ૧૩,૭૯૮ સુધી પહોચી છે. અમેરિકામાં કોરોના વાયરસની સારવાર માટે ભારત પાસેથી મેલેરીયાની દવા મંગાવવામાં આવી છે. નોંધનીય છે કે કોરોના વાયરસને રોકવાની રશી હજુ સુધી શોધાઈ નથી ત્યારે તબીબો કોલેરા અને એઈડસના ઉપચારમાં કારગત નિવડતી દવાઓનો ઉપયોગ કોરોના વાયરસની સારવારમાં કરી રહ્યા છે.

ડાયાબીટિસ અને બીપીના ૬૦ વર્ષથી વધુ વયના દર્દીઓ ઉપર કોરોનાનું જોખમ

કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓનાં મોતની સંખ્યા વધુ છે. ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની તકલીફ હોય તેવા વૃધ્ધો ઉપર વધુ ખતરો તોળાઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર ૧૫૪ લોકોની સરેરશ ઉમર ૬૦ વર્ષની હતીભારત માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે ઈટાલી જેવા દેશમાં આ સરેરાશ ૮૦ વર્ષની હતી.

પશ્ર્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં યુવાનોની સંખ્યા ખૂબજ વધુ છે. ભારત યુવા દેશ છે. જેથી વર્તમાન સમયે મોતની સંખ્યા હજુ ઓછી છે. જોકે કોરોના વાયરસની દવા ન હોવાથી જોભારતમાં વાયરસનો ફેલાવો કાબુ બહાર જતો રહેશે તો મોટા પાયે ખાનાખરાબી થઈ શકે તેવી દહેશત છે. ભારતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ ૫૦૦૦ને પાર થઈ ચૂકયા છે. ૪૦ વર્ષથી ઓછી ઉંમરના હોય અને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેવા કેસ ૧૯૧૧ હતા જેમાંથી ૮ લોકોના મોત નિપજયા હતા ફ્રેટાલીટી રેટ ૦.૪ ટકા જોવા મળ્યો હતો. ૪૦ થી ૬૦ વર્ષના હોય અને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેવા કેસ ૧૩૮૩ હતા, ૩૩ લોકોના મોત નિપજયા હતા. ફેટાલીટી રેટ ૨.૪ ટકા હતો ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય તેવા ૭૭૩ કેસ નોંધાયા હતા. ૬૯ લોકોના મોત થયા હતા. ફેટાલીટી રેટ ૮.૯ જોવા મળ્યો હતો. ૩૦૯૧ પુરૂષો અને ૯૭૬ મહિલાઓને ચેપ લાગ્યો  હતો. મોતની સંખ્યા અનુક્રમે ૮૦ અને ૨૯ રહી હતી.

લોકડાઉન વચ્ચે કોરોનાગ્રસ્તોની સંખ્યા ૫૦૦૦ને પાર

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૫૩૨૫ થઈ ગઈ છે. આજે ઈન્દોરમાં ૨૨ નવા પોઝિટિવ મળ્યા, જેથી શહેરમાં દર્દીઓની સંખ્યા વધીને ૧૭૩ થઈ ગઈ છે. ગઈકાલે દેશભરમાં સંક્રમણના ૫૭૩ નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૫૦ કેસ વધ્યાં, અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦૧૮ થઈ ગઈ છે. સાથે તમિલનાડુંમાં ૬૯, દિલ્હીમાં ૫૧, તેલંગાણામાં ૪૦, રાજસ્થાનમાં ૪૨ અને મધ્યપ્રદેશમાં ૩૪ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કારણે મોતની સંખ્યા ૧૧૪ નજીક પહોંચી ચુકી છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૫૩ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા અમલમાં મુકાયેલા લોકડાઉન દરમિયાન પણ પોઝિટિવ કેસની સંખ્યા ૫ હજારથી વધી જતા આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. પોઝિટિવ કેસની સાથોસાથ મોતની ટકાવારી પણ વધી ચૂકી હોવાનું આંકડા પરથી જણાય છે.

તબલિગી જમાતની પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકવા સુપ્રીમમાં ધા

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે દેશમાં કોરોના વાયરસ ફેલાતો કાબુમાં આવ્યોહતો ત્યારે દિલ્હીમાં યોજાયેલા તબલીધી જમાતના કાર્યક્રમમાં દેશભરમાંથી ૯૦૦૦થી વધુ દેશી વિદેશી જમાતીઓ એકઠા થયા હતા. આ ચેપ લઈને પરત ગયેલા જમાતીઓ દેશભરમાં કોરોનાના કેરીયર બની જવા પામ્યા હતા જેને લઈને તબીલીધી જમાતની પ્રવૃત્તિઓ શંકાની પરિધમાં આવી જવા પામી છે. જેથી દિલ્હી નિવાસી અજય ગૌતમ નામના નાગરીકે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને અરજ કરીને તબલીધી જમાતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા દાદ માંગી છે.

અરજદારો સીજેઆઈ એસ.એ. બોબડે પાસે તેમના પત્ર અરજીને રીટ તરીકે ગણીને દાદ માગી છે કે તબલીધી જમાતના દિલ્હીમાં આવેલા હેડ કવાર્ટરને તોડી પાડવામાં આવે ઉપરાંત આ કેસની તપાસ દિલ્હી અને કેન્દ્ર સરકાર પાસેથી લઈને સીબીઆઈને સોંપવામાં આવેલ આ પહેલા જમીયત ઉલેમાએ હિન્દે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે કે મીડીયાનો એક વર્ગ તબલીધી જમાત વિશે ખોટા સમાચારો પ્રસારિત કરીને સમાજમાં વર્ગવિગ્રહ ફેલાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર મુસ્લિમ સમાજની બદનામી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.