Abtak Media Google News

 

Advertisement

ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો પરીપત્ર રાજકોટમાં પણ આ અંગે પરીપત્ર દાખલ કરાશે કે કેમ ?

ફરજીયાતપણે હેલ્મેટ પહેરવા અંગે અમદાવાદ શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પરીપત્ર દ્વારા દરેક સ્કુલોને પરીપત્ર જાહેર કર્યો છે. હેલ્મેટ પહેરવા અંગેના પરીપત્રનો ચુસ્તપણે અમલ થાય તેના માટે દંડનીય જોગવાઈ પણ કરવામાં આવી છે જેથી હવે કોઈપણ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ કરવો હશે તો ફરજીયાતપણે હેલ્મેટ પહેરવું પડશે. બીજી બાજુ જો કોઈપણ શૈક્ષણિક સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરશે તો પ્રતિદિવસ રૂા.૫૦૦ લેખે દંડ પણ ફટકારવાની પરીપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે.

ડીઈઓનાં પરીપત્ર મુજબ રોડ-સેફટી કમિટીને ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એકટ ૨૦૧૮ની કલમ ૧૭નાં જણાવ્યા મુજબ કોઈપણ વિદ્યાર્થી કે કર્મચારી જો શૈક્ષણિક સંકુલમાં હેલ્મેટ વિના પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કુલ સંચાલકની રહેશે જેથી નિયમોનો ભંગ કરવા બદલ જે-તે શૈક્ષણિક સંકુલને પ્રતિદિવસ રૂા.૫૦૦ તેમજ વધુમાં વધુ રૂા.૨૫૦૦૦ની મર્યાદાથી વધે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત શૈક્ષણિક સંકુલમાં પ્રવેશદ્વારમાં જ નો હેલ્મેટ, નો એન્ટ્રીનું બેનર લગાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે તો આ અંગે અમદાવાદની શાળાઓ દ્વારા સ્કુલનાં નોટીસ બોર્ડ ઉપર સ્કુલની ફી, વર્ગ શિક્ષકનાં નામ અને સંબંધિત બોર્ડની વિગતો દર્શાવવામાં ભારે ઉદાસીનતા દાખવી છે તો પછી હવે હેલ્મેટ અંગેનું બેનર લગાવશે કે કેમ ? તે જોવાનું રહેશે.

આ અંગે અબતકે રાજકોટનાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હેલ્મેટ પહેરવાનો કાયદો પહેલેથી જ લાગુ છે અને હેલ્મેટ ન પહેરનારને પોલીસ દંડ ફટકારતી હોય છે જેથી શિક્ષણાધિકારીની કોઈ જવાબદારી આવતી નથી. હેલ્મેટ પહેરવું ફરજીયાત છે અને તેનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.