Abtak Media Google News

કૂંપળ ફૂટીને આવ્યાં પાન, ડાળે ડાળે પંખી, ને પાંદડે પાંદડે કહાન!

સ્વજનોની સહાય વિના, સરકારી ગ્રાન્ટ વિના અને સુખી દાતાઓનાં દાન વિના કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ‘એકલો જાને રે’ની કલ્પનાને સાકાર કરવી હોય તેમ એક અજબ જેવા ઇન્સાન સાંઠ વર્ષની ઉંમરે ‘વડલા’ વાવવાની પ્રવૃતિ શ‚ કરી, અને પાંચ હજાર સંતાનોનજા ‘વડદાદા’બનીને ધરતીમાતાના પનોતા પુત્ર બની ગયા!

એમનું નામ કુરજીબાપા…

ત્રિકમ અને પાવડો એટલે ધરતીમાતાની આરાધનાનો પૂજાપો… પરસેવાનાં ટીપાં ટપટપ પડે એ જ એમને મન ધરતીની આરતી

તરસી માટી પર પાણીની ધાર કરવી એ જ એમને મન સૌથી ‚ડો અભિષેક… ખેતી એટલે યજ્ઞ અને યજ્ઞ એ જ વિષ્ણુ….

એક ધેધુર વડલો એટલે શું, એનો ખ્યાલ આપણને ઝટ નથી આવતો…. ગામના પશુપંખીઓને, ગોવાળિયાઓને, પરળિયાઓને અને નવાણોને વડની વસ્તી વતરાય છે. ગામને પાદરે આવેલો વડલો એટલે ખરા અર્થમાં ગામનું વિશ્રામગૃહ….

વાત દંતકથા જેવી જણાય, પણ સાવ સાચી છે ઘણે ભાગે ‘સતયુગ’ માં જ બને એવી આ સત્ય બાબત છે!

સૌરાષ્ટ્રમાં કાલાવાડ તાલુકામાં નવાગામમાં કુરજીબાપા રહે… સો વર્ષની ઉંમરેય બાપો સાજા નરવા….

ભગવા બસ્તર, કમંડળ અને દાઢી કે જટા વરના સાધુ જેવા કુરજીબાપાનું જીવન યજ્ઞ બનીને સાર્થક થયું હોવાનું સહુ કોઇ કહે…

કુરજીબાપાએ કોઇની, કોઇપણ જાતની સહાય કે અનુદાન વિના એકલા હાથે નવાગામના પંથકમાં પાંચ હજાર વડલા ઉછેરી દીધા !

ખાઇએ તેનું ખોદવું એનું ખોદવું, એ સારું ન કહેવાય, પણ એમાં અપવાદ ધરતીમાતાનો એને ખોદીને, એના ઉપર હળ ચલાવીને અને એને ખાતર પાણી આપીને સ્વાહાદર રાખવી એ જ ખરો યજ્ઞ, અને યજ્ઞ એટલે વિષ્ણુ આમ ખેતી એ એક અર્થમાં વિષ્ણુપૂજા ગણાય, એમ આપણે ફરી ફરીને કહી શકીએ.

કુરજીબાપા પરણ્યા નહોતા તેથી આગળ ધરાળ નહિ અને પાછળ ઉલાળ નહિ પોતાની બધી જ સંપતિ સમાજને ધરી દઇને બાપા મંડી પડયાં… ત્રિકમ, પાવડો અને ખભે પાણીનું માટલું લઇને વડલા ઉગાડવાનો યજ્ઞ શ‚ કર્યો ત્યારે કોઇએ લખ્યું:

કૂંપળ ફૂટી ને આવ્યાં પાન

ડાળે ડાળે પંખી, ને પાને પાને કહાન !

વૃક્ષ રોપાય  એટલે કામન પતે, એની ફરતે કાંટાની વાડ કરવી. પડે અને થોડે થોડે અંતરી પાણી પાવું પડે વળી કાંઇ ઝટપટ ન વધે પૂરા ત્રણ વર્ષની જહેમત પછી એ જામે… બાપાને કોઇએ પૂછયું, ‘તમે વડ કેમ પસંદ કર્યો?’ જવાબ સાદો સીધો, ‘એને પાનખર ન નડે’ એનો છાયો બહુ ઠંડક આપે.. પંખીઓને ખોરાક તથા આશરો મળે…

રોજનો એક વડ રોપવાથી શ‚આત થઇ અને બાપાની ખરબચડી હથેળીના સ્પર્શે  જેનો હાણો સુંવાળો બની ગયો છે એવી ચાલીસ વર્ષે જુની કોદાળી સચવાયેલી છે.

આપણા લોકોએ ટીપુ સુલતાનની કે હૈદરઅલીની તલવાર સાચવી છે, જહાંગીર જે પ્યાલીમાં શરાબ પીતો તે પ્યાલી બનારસ હિન્દુ યુનિવર્સિટીનાં જોઇ હતી, તેમ ભવિષ્યમાં આ કોદાળી રાજકોટના કે અમદાવાદના મ્યુઝિયમમાં રાખવામાં આવે તો આવી નોંધ મૂકી શકાય. ‘પાંચ પાંચ હજાર સંતાનોના વડદાદા એવા નવાગામના કુરજીબાપાએ જેના વડે હજારો વૃક્ષો વાવ્યાં’ અને ઉછેર્યા એ છે આ કોદાળી… હજી સુધી કોઇ કુંવારા માણસે આટલાં

સંતાનો ઉછેર્યા હશે ખરો ગીનેશ બુકમાં એકલે હાથે આટલાં વૃક્ષો વડલા ઉછેર્યાનો વિશ્ર્વવિક્રમ કયારે નોંધાશે?

એમના હાથે રોપાયેલ કોઇ વૃક્ષ અવગતે ગયું નથી. વૃક્ષને નુકશાન પહોંચાડનાર સાથે લડવાને બદલે પ્રેમપૂર્વક બાપા સમજાવે અને એવા માણસને વૃક્ષની માવજત કરવા પ્રેરે હવે ગામલોકો વડના ડાળખાં પણ કાપતા નથી.

ઇકોલોજી ઇકોસિસ્ટમ, પર્યાવરણ, પ્રદુષણ અનુ કુદરતના સંતુલન અંગે આપણે રોજ સાંભળીએ છીએ અને વાંચીએ છીએ… આજથી ચાલીસ વર્ષ પહેલા કુરજીબાપાને આવું બધું કોણે સમજાવ્યું હશે ? વળી જે આવું બધું સમજે તે કદી હાથમાં કોદાળી ઝાલે ખરા? કહે છે કે ઉ૫રાઉપર દુકાળ પડયા તોય કુરજીબાપાને આ પંથકમાં પાણીની ખોટ પડી નથી. બાપાના આ સહસ્ત્રશીર્ષ અને સહસ્ત્રબાહુ સંતાનોએ ધરતીના ભેજને જાળવી રાખ્યો છે.

કહે છે કે, કયારેક તો બાપા રાતે ભર નીંદરમાંથી જાગી જતા. કોઇ ઝાડ પાણીવગર સૂકાય છે એટો અણસાર મળે કે તરત અરધી રાતે પહોંચી જાય અને ટહો ફાટે ત્યારે પાણી પીવડાવીને જ જંપે, કોઇ વૃક્ષ ગામથી દૂર હોય તો બાપા આગલી રાતે જ ત્યાં સૂઇ જાય. કૂવામાં ઉતરવું પડતું. બાપા વહેલી સવારે ઠંડા પ્હોરે ઝાડને પાણી પાય!

બાપા વૃક્ષને વૈષ્ણવજન ગણે છે.

એક સંસ્થાએ બાપાનું સન્માન કરવાનું કહ્યું તો બાપાએ કે, ‘માણસનું ખરું સન્માન તે મસાણમાં પહોંચે ત્યારે જ હોય’કર્મ કરતા રહીએ તો સો વર્ષ જીવવાની ઇચ્છા રાખવાનો આદેશ ઉપનિષદે આપ્યો છે. કુરજીબાપાએ આ આદેશ પાળ્યો છે.

ઘણું કરીને એક સંસ્થાએ બાપાને અનોખા કર્મયોગી અને અદભુત વૃક્ષપ્રેમી તરીકે રૂડો એવોર્ડ આપ્યો છે….

આપણો સમાજ આવા મોંધેરા માનવોને સન્માનતા શીખે તો તે સમાજના જ હિતમાં બની રહેશે.

આપણા આજના રાજકારણીઓને તો નિજી સ્વાર્થ અને રાજગાદીની રક્ષા રિજવાય અન્ય કાંઇ મહત્વનું સૂઝતું જ નથી તેઓ મંદીરોમાં જાય છે, તે પણ એ જ હેતુથી જાય છે એમ સુખેદ કહેવું પડે છે!

જો તે કુરજીબાપા જેવા હોત તો કેવું સારૂ થાત!

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.