Abtak Media Google News

પાકિસ્તાનના હાલ બેહાલ થયા છે. કારણકે ત્યાં સ્થિતિ એટલી વણસી છે કે પેટ્રોલના ભાવમાં એકજાટકે 30નો વધારો થયો છે. આ ભાવ વધારાને લઈને પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. આ સંકટ સમયે પાકિસ્તાનમાં ભારતની પ્રસંશા પણ થઈ રહી છે.

પાકિસ્તાનમાં સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 30 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝીંકવાનો નિર્ણય લીધો હતો અને આ ભાવ વધારો મધરાતથી અમલી બન્યો છે. પાકિસ્તાનમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આકરી નિંદા કરી છે. આ સાથે જ તેમણે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ 179.85 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 174.15 રૂપિયા પ્રતિ લીટર અને કેરોસીન 155.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.

નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવી કિંમતો મધરાતથી અમલમાં આવશે.તેમણે એમ પણ કહ્યું હતં કે સરકાર પાસે ઇંધણની કિંમત વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે નવી કિંમતો હોવા છતાં, અમે ડીઝલ પર પ્રતિ લિટર 56 રૂપિયાના દરે નુકસાનનો સામનો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે શાહબાઝ શરીફ સરકાર રાજનીતિ પર આ નિર્ણયની અસરથી વાકેફ છે. અમે ટીકાનો સામનો કરીશું પરંતુ દેશ અને તેના હિત અમારા માટે વધુ મહત્વપૂર્ણ છે અને તેને બચાવવું અમારા માટે મહત્વપૂર્ણ છે, તેમણે કહ્યું. ભાવ વધારાના એક દિવસ અગાઉ કતારમાં પાકિસ્તાન સરકાર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વચ્ચે આર્થિક મદદ અંગેની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

આ બધી ઘટનાઓ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરી એકવાર વર્તમાન સરકારની નિંદા કરી છે. ભારતનું નામ લઈને તેણે શાહબાઝ શરીફ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઈમરાન ખાને કહ્યું કે, ‘આ સંવેદનહીન સરકારે’ રશિયા સાથે 30 ટકા ક્રૂડ ઓઈલ માટે જે કરાર કર્યો હતો તેને આગળ વધાર્યો નથી. આ ડીલ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ પછી તેમણે ભારતના વખાણ કર્યા અને કહ્યું કે અમેરિકાના વ્યૂહાત્મક સાથી ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને પ્રતિ લિટર 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.