Abtak Media Google News

પાકિસ્તાનમાં અંધાધુંધી યથાવત હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. એકતરફ દિન પ્રતિદિન દેવાળિયું ફૂંકવા તરફ ધસી રહેલું પાકિસ્તાન આંતરિક બાબતોમાં સતત અંધાધુંધીમાં સંપડાયેલું છે. ગત રવિવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીની વર્ચ્યુલ બેઠક હતી જે પૂર્વે દેશમાં ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઇ ગઈ હતી જેના લીધે સોશિયલ મીડિયા સેવા પણ ઠપ્પ થઇ જતાં બેઠક નિષ્ફળ ગઈ હતી.

પીટીઆઈની બેઠક પૂર્વે જ દેશભરમાં સોશિયલ મીડિયા સેવાઓ બંધ

અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે પાકિસ્તાનમાં પાવર કટ થતો રહે છે. પરંતુ ગઈકાલે રવિવારે ઇન્ટરનેટ પણ ત્યાં બંધ થઈ ગયું હતું. ગઈકાલે રાત્રે પાકિસ્તાનીઓને યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઇસ્લામાબાદ, લાહોર, કરાચી જેવા શહેરોમાં પણ રાત્રે 8 વાગ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની વર્ચ્યુલ બેઠક રાત્રે 8 વાગ્યા પહેલા શરૂ થવાની હતી. આ પહેલા દેશભરમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું હતું.

લાહોર, કરાચી અને ઈસ્લામાબાદમાં રાત્રે 8 વાગ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સેસ કરવામાં અસમર્થ હોવાની જાણ વપરાશકર્તાઓએ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સે ધીમી ઈન્ટરનેટ સેવા અંગે પણ ફરિયાદ કરી હતી.

ઈમરાન ખાનની પીટીઆઈએ રવિવારે રાત્રે 9 વાગ્યે ‘પાકિસ્તાનના ઈતિહાસમાં’ પ્રથમ વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું હતું. પીટીઆઈની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “17મી ડિસેમ્બરે રાત્રે 9 વાગે જોડાઈને ઈતિહાસનો હિસ્સો બનો અને દુનિયાને સંદેશ આપો કે પાકિસ્તાન રાષ્ટ્ર તેના નેતા ઈમરાન ખાનની સાથે મજબૂતીથી ઊભું છે!” સોશિયલ મીડિયા યુઝર્સ અનુસાર, આ મીટિંગ પહેલા જ ઈન્ટરનેટ સેવા ધીમી હોવાની જાણ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.