Abtak Media Google News

ઈસ્લામાબાદ પોલીસે ઈમરાનની લાહોરથી ધરપકડ કરી, કોર્ટે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો : ઇમરાનની રાજકીય કારકિર્દી ઉપર મોટું સંકટ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં જિલ્લા-સેશન કોર્ટે દોષિત જાહેર કર્યો છે.  આ કેસમાં તેને ત્રણ વર્ષની સજા થઈ છે.  જણાવવામાં આવ્યું છે કે સજાની જાહેરાત બાદ ઈસ્લામાબાદ પોલીસે ઈમરાનની લાહોરથી ધરપકડ કરી હતી.

Advertisement

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાનને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે, ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ ઇમરાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં છે. તે આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં માહોલ ગરમાય શકે છે.

આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત માંગતી ઈમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાંથી તેમના દ્વારા રાખવામાં આવેલી ભેટની વિગતો ’ઈરાદાપૂર્વક છુપાવી’ હતી. કોર્ટમાં આરોપો સાબિત થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તોશાખાનાએ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. વર્ષ 2018માં, ઈમરાન ખાનને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી.

ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી. પૂર્વ વડાપ્રધાને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ ભેટો રાજ્યની તિજોરીમાંથી 2.15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને તેને વેચીને તેમને લગભગ 5.8 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. ભેટોમાં અન્ય ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.