Abtak Media Google News

આવનાર 10 વર્ષમાં આર્કટિકમાં બરફ જોવા મળશે નહીં. જો કે વર્તમાન સમયમાં તો આર્કટિકમાં ઉનાળાની ઋતુમાં પણ બરફ જોવા મળે છે. પરંતુ આગામી થોડા વર્ષોમાં તેનો અંત આવશે. જો આમ થશે તો પ્રાણીઓ અને પર્યાવરણ માટે સમસ્યા સર્જાશે. આ ઉપરાંત દરિયાના પાણીના સ્તરમાં પણ વધારો થશે. વિશ્વના ઘણા ક્ષેત્રો તેનાથી પ્રભાવિત થશે. તેવો યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના એક અભ્યાસ ઉપરથી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. એટલે આ અભ્યાસ માનવ જાતિને થોભોની નિશાની બતાવે છે. કે હવે કુદરત સાથે છેડછાડ કરવાનું બંધ કરવું જોઈએ.

આ સ્થિતિ ન આવે તેના માટે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા છતાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. આવી દરેક બાબતો અંગે વિચાર-વિમર્શ પછી જ વૈજ્ઞાનિકોએ દસ વર્ષમાં બરફ ઓગળવાનો દાવો કર્યો છે. જો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધશે અથવા તો હાલ જેટલું જ રહેશે તો પણ પૃથ્વીના ઉત્તરીય પ્રદેશોમાં શિયાળામાં ઓછો બરફ જોવા મળશે. વૈજ્ઞાનિક ભાષામાં, જ્યારે આર્કટિકમાં 1 મિલિયન ચોરસ કિલોમીટર બરફ હોય છે, ત્યારે પણ તેને બરફ વિનાનો આર્કટિક કહેવામાં આવે છે.

વર્ષ 1980માં આ વિસ્તારમાં સૌથી ઓછો બરફ જોવા મળ્યો હતો. તાજેતરમાં આર્કટિકમાં સૌથી ઓછો બરફ 33 લાખ ચોરસ કિલોમીટર સપ્ટેમ્બર મહિનામાં નોંધાયો હતો. એક અભ્યાસ બાદ એવું જાણવા મળ્યું હતું કે જો દર વર્ષે 1 ચોરસ કિલોમીટર બરફ પીગળે છે, તો આવનાર 18 વર્ષમાં આર્કટિકમાં ઉનાળામાં બરફ જોવા નહિ મળી. જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આ જ દરે ચાલુ રહેશે તો આવનાર 10 વર્ષમાં જ આ ઘટના ઘટી જશે. જે ચિંતાનો વિષય છે.

આ ઘટનાની સૌથી વધુ અસર સીલ અને ધ્રુવીય રીંછ જેવા આર્કટિકના પ્રાણીઓ પર પડશે. તેમજ આર્કટિક મહાસાગર ગરમ થવાથી ત્યાં ન રહેતી માછલીઓ પણ આ વિસ્તારમાં પહોંચી જશે. જેની અસર ત્યાંની સ્થાનિક ઇકોસિસ્ટમ પર પડશે. જેના કારણે ત્યાની સ્થાનિક ઇકોસિસ્ટમ પર નવી પ્રજાતિના આક્રમણની સમસ્યા સર્જાશે. જેનું શું પરિણામ આવશે તે કહેવું હાલ ખૂબ જ મુશ્કેલ છે.

બીજી મોટી સમસ્યા એ હશે કે બરફ પીગળવાને કારણે સમુદ્રના મોજા ઝડપથી કિનારા પર અથડાશે. જેના કારણે દરિયાકાંઠાનો વિસ્તાર ઓછો થતો જશે અને દરિયામાં ભળી જશે. જેના કારણે પ્રાણીઓના રહેવાસની જગ્યા પણ પ્રભાવિત થશે. હાલની આશંકા મુજબ, આર્કટિક ઉનાળાના મહિનાઓમાં એટલે કે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી દરિયાઈ બરફ દેખાશે નહીં.

જો કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વધી જશે તો આ સદીના અંત સુધીમાં આર્કટિક પ્રદેશ 9 મહિના સુધી બરફ વગરનો રહેશે. આથી એવું કહી શકાય કે હાલ ઉનાળામાં સફેદ બરફથી છવાયેલો પ્રદેશ નજીકના વર્ષોમાં વાદળી સમુદ્ર બની જશે. આવું થતું અટકાવવા માટે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવું અતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.