Abtak Media Google News
  • આચાર સંહિતા પૂર્વે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની સંભવત: અંતિમ બેઠકમાં ત્રણ અરજન્ટ સહિત કુલ 90 દરખાસ્તો અંગે લેવાયો નિર્ણય: ગંદકી કરનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારઓ પાસેથી વસૂલાતો દંડ વધારવાની દરખાસ્ત ફગાવાય, વોર્ડ નં.8, 11 અને 13માં પાણી વિતરણના મીટર મૂકવાની દરખાસ્ત પેન્ડિંગ
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 262 કરોડના વિકાસ કામોને બહાલી: સાંઢીયા પુલની જગ્યાએ નવો ફોરલેન બ્રિજ બનાવવા રૂ.76.75 કરોડનો ખર્ચ મંજૂર

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે શહેરમાં વિકાસ કામો શરૂ કરી દેવાના આશ્રય સાથે આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ત્રણ અરજર્ન્ટ બિઝનેસ સહિત કુલ 90 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. નાના મવા સર્કલ પાસેના પ્લોટની હરાજી રદ્ કરી બિલ્ડરે ભરેલી 18 કરોડની ડિપોઝીટની રકમ જપ્ત કરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી કરવા સબબ કે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા બદલ હાલ વસૂલવામાં આવતા વહિવટી ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે. જ્યારે ચંદ્રેશનગર હેડવર્ક્સ આધારીત વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે મીટર મૂકવાની દરખાસ્ત હાલ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આજે બપોરે મળેલી ખડી સમિતિની બેઠકમાં રૂ.264.75 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. શહેરના જામનગર રોડ પર હયાત સાંઢીયા પુલને તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે રૂ.76.75 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મહાપાલિકાની હદમાં આવતા કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા બનાવવા માટે જમીન ફાળવવાની અરજર્ન્ટ બિઝનેસ દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ટીપી સ્કિમ નં.3 (નાના મવા)ના અંતિમ ખંડ નં.4 પૈકીની નાના મવા સર્કલ નજીક આવેલા વાણિજ્ય હેતુ માટેના પ્લોટની હરાજી રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ આસામીય ભરેલી રૂ.18.09 કરોડની ડિપોઝીટ પણ જપ્ત કરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ટીપી સ્કિમ અંતર્ગતના વાણિજ્ય તથા રહેણાંક હેતુ માટેના પ્લોટનું સમાયાંતરે જાહેર હરાજીથી વેંચાણ કરવામાં આવે છે.

વર્ષ-2021માં નાના મવા સર્કલ પાસેનો વાણિજ્ય વેંચાણ હેતુ માટેના 9,438 ચોરસ મીટરના પ્લોટની ઇ-ઓક્શન દ્વારા હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિચોરસ મીટર રૂ.1,25,200 મુજબ સૌથી ઉંચુ બોલી લગાવનાર મેસર્સ ઓમ નાઇન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલ ભૂપેન્દ્રભાઇ ચુડાસમાએ આ પ્લોટની ખરીદી કરી હતી. 118.16 કરોડની મૂળ રકમ સામે તેઓએ રૂ.18.09 કરોડ જમા કરાવ્યા હતા અને ભાગીની 90 ટકા રકમ એટલે કે રૂ.106.34 કરોડ ભરપાઇ કર્યા ન હતા. આ રકમ ભરવા માટે તેઓને બે વાર પત્રથી જાણ કરવામાં આવી હતી.

ગત 17 જાન્યુઆરીના રોજ અંતિમ નોટિસ ફટકારી સાત દિવસમાં પૈસા ભરપાઇ કરવા તાકીદ કરવામાં આવી હતી. છતાં તેઓએ પૈસા ભરપાઇ ન કરતા મ્યુનિ.કમિશનર દ્વારા ઓમ નાઇન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલ ચુડાસમાને ફાળવેલા પ્લોટની હરાજી રદ્ કરવા તથા રૂ.18.09 કરોડ જપ્ત કરવા માટે દરખાસ્ત કરી હતી. તેઓની રજૂઆતના પગલે અગાઉ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહેતલ આપવામાં આવી હતી. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનરની દરખાસ્ત મુજબ પ્લોટની હરાજી રદ કરવા તથા બિડર દ્વારા ભરવામાં આવેલી તમામ રકમ ફોર ફીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે મ્યુનિ.કમિશનરને અધિકૃત્ત કરવામાં આવ્યા છે. આ પ્લોટની નવેસરથી હરાજી કરવી કે તેને યથા સ્થિતિમાં રાખવો તે અંગે મ્યુનિ.કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રસ્તાકામ માટે રૂ.11.32 કરોડ, ડ્રેનેજ કામ માટે રૂ.18.11 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.1.80 કરોડ, વિવિધ કાર્યક્રમોનો ખર્ચ રૂ.80.52 લાખ, ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.131.68 કરોડ, સ્ટ્રોર્મ વોટર ડ્રેઇન માટે રૂ.2.04 કરોડ, વાહન ખરીદી માટે રૂ.85 લાખ, વોટર વર્ક્સના કામ માટે રૂ.6.59 કરોડ, ગાર્ડન બનાવવા માટે રૂ.2.60 કરોડ, નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા રૂ.1.58 કરોડ, લાઇટીંગના કામ માટે રૂ.1 કરોડ, ફૂટપાથના કામ માટે રૂ.50 લાખ, પમ્પીંગ સ્ટેશનનો કોન્ટ્રાક્ટ આપવા માટે રૂ.82.91 લાખ અને કમ્પાઉન્ડ વોલ અને ફેન્શીંગ પેનલ બનાવવા માટે રૂ.13.50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપવાથી કોર્પોરેશનને વાર્ષિક રૂ.1.34 કરોડની આવક થશે. જ્યારે ગુરૂજી નગર આવાસ યોજનાના 886 આવાસ પૈકી મૂળ લાભાર્થી દ્વારા દસ્તાવેજ પહેલા જે ક્વાર્ટરનું વેંચાણ કરી દેવામાં આવ્યું છે. તેવા કિસ્સા ટ્રાન્સફર ફી વસૂલીને દસ્તાવેજ કરી આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવતા 84.14 લાખની આવક થશે.

સાંઢીયા પુલનો કોન્ટ્રાક્ટ 18.75 ટકા ઓન સાથે અપાયો

53 કરોડનું એસ્ટીમેન્ટ હવે જીએસટી સાથે રૂ.76.75 કરોડે પહોંચ્યું: કામનું ખાતમુહુર્ત બે વર્ષે થશે બ્રિજનું કામ પૂર્ણ

શહેરના જામનગર રોડ પર હયાત સાંઢીયા પુલને ડિસ્મેન્ટલ કરી નવો ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ 18.75 ટકાની તોતીંગ ઓન સાથે ચેતન ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે. અરજર્ન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સાથોસાથ આજથી જ બ્રિજનું ખાતમુહુર્ત કરી દેવામાં આવ્યું છે. જે કામ બે વર્ષમાં પૂર્ણ થશે. સાંઢીયા પુલની જગ્યાએ નવો બ્રિજ બનાવવાના કામનું ટેન્ડર જીએસટી વિના રૂ.53 કરોડનું હતું. અગાઉ ટેન્ડરમાં 20 ટકા ઓન આવતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. જેમાં ચેતન ક્ધસ્ટ્રક્શન કંપનીએ આ કામ 19.27 ટકા ઓન સાથે કરવાની ઓફર આપી હતી. વાટાઘાંટના અંતે 18.75 ટકા વધુ ભાવ સાથે રૂ.62.98 કરોડમાં કામ કરવા માટે એજન્સીએ તૈયાર થઇ હતી. આ ઉપરાંત 18 ટકા જીએસટી મુજબ 11.33 કરોડ વધુ ચુકવવામાં આવશે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાંઢીયા પુલની જગ્યાએ નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે રૂ.76.75 કરોડ મંજૂર કરવામાં આવ્યો છે. સાથોસાથ બપોરે જ મુખ્યમંત્રી દ્વારા આ કામનું ખાતમુહુર્ત પણ કરી દેવામાં આવ્યું હતું. રાજકોટનો આ પ્રથમ એવો બ્રિજ છે કે જેનું નિર્માણ હયાત બ્રિજને જમીનદોસ્ત કરી નવો બનાવવાનો થાય છે.

વાહન પાર્ક કરવું થશે મોંઘુ: રૂ.5 થી રૂ.1200 ચાર્જ

ટુ વ્હીલર પાર્કિંગનો મિનિમમ ચાર્જ રૂ.5 કરી દેવાયો:હેવી વહિહિકલ માટે માસિક પાસનો ચાર્જ રૂ.1200 રહેશે

કોર્પોરેશન દ્વારા આજે શહેરના અલગ અલગ 33 પે  એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફાઇનલ કરી દેવામાં આવ્યો છે. વાહન પાર્ક કરવું હવે મોંઘુ થશે રૂપિયા પાંચ થી લઈ રૂ.1200 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.

ટુ વ્હીલર માટેનો મિનિમમ ચાર્જ રૂ.5 કરી દેવામાં આવ્યો છે.ટુ વ્હીલર પે એન્ડ પાર્ક સ્થળે પાર્ક કરવા માટે ત્રણ કલાક સુધીનો ચાર્જ રૂપિયા પાંચ ત્રણથી છ કલાક સુધીના રૂપિયા 10, 6 થી 9 કલાક સુધીના 15 રૂપિયા, 9 થી 12 કલાક સુધીના 20 રૂપિયા અને 24 કલાક માટેનું ચાર્જ રૂપિયા 25 નિયત કરાયો છે.થ્રી  વ્હીલરના પાર્કિંગનો ચાર્જ રૂપિયા 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા 25 અને 24 કલાક માટેના રૂપિયા 30 નિયત કરવામાં આવ્યા છે. જ્યારે કાર પાર્કિંગ માટે ત્રણ કલાકનો ચાર્જ રૂપિયા 20 6 કલાકનો ચાર્જ રૂપિયા 30 9 કલાકમાં ચાર્જ રૂપિયા 50 12 કલાકનો ચાર્જ રૂપિયા 60 અને 24 કલાકનો ચાર્જ રૂપિયા કરવામાં આવ્યો છે.

લાઈટ કોમર્શિયલ વ્હીકલના પાર્કિંગનો ચાર્જ અનુક્રમે રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા અને રૂપિયા 100 રાખવામાં આવ્યો છે. જ્યારે હેવી કોમર્શિયલ વ્હીકલ્સનો પાર્કિંગ ચાર્જ પ્રથમ ત્રણ કલાકના રૂપિયા 40, 6 કલાકના રૂપિયા 50, 9 કલાકની રૂપિયા 70, 12 કલાકની રૂપિયા 100 અને 24 કલાકની 120 નિયત કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી પાર્કિંગ પોલીસીમાં જો કોઈ વાહન ચાલક માસિક પાર્કિંગ પાસ કઢાવવા માંગતું હશે તો દ્વિ ચક્રીય વાહનો માટે માસિક પાર્કિંગ ચાર્જ રૂપિયા  350, મોટર કાર અને ફોર  સહિત હળવા કોમર્શિયલ વ્હીલર માટેનો ચાર્જ રૂપિયા 600 જ્યારે બસ, જેસીબી મેટાડોર,ટ્રેકટર અને અન્ય મોટા વાહનો માટે માસિક પાર્કિંગ ચાર્જ રૂપિયા 1200 નિયત કરવામાં આવ્યો છે.

 ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે

મહાપાલિકાએ શહેરના 62 મુખ્ય માર્ગ પરનું પાર્કિંગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ હવે પે એન્ડ પાર્કની નવી 24 સહિત 48 સાઇટ પરના પ્લોટ ખાનગી ધોરણે આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં મવડી અને રૈયા ચોકડી 150 ફૂટ રિંગ રોડ નીચે છ-છ નવી સાઇટનો પણ સમાવેશ થાય છે. મનપાએ અપસેટ કિંમતમાં ફેરફાર કર્યો છે. મનપા તમામ સાઇટ ખાનગી એજન્સીઓને ભાડે આપી દેશે, જોકે પાર્કિંગ ચાર્જમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. મનપાની પે એન્ડ પાર્ક યોજનાથી 64205 ચોરસ મિટર જગ્યા પર અંદાજે 25000 ટુવ્હીલર અને 1500 કાર પાર્ક થઈ શકશે. જો કે, મનપાએ પાર્કિંગ કરવા માટે પે એન્ડ પાર્કની 62 સ્થળોએ માટે કાર્યવાહી કરવામાં આવતા  સર્વેશ્વર ચોક, ત્રિકોણબાગ, અખાભગત ચોક, કે.કે.વી. ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુ અને આથમણી બાજુ, માધાપર ચોકડી, ધનરજની બિલ્ડિંગથી જિલ્લા પંચાયત ચોક સુધી, હોમી દરસ્તુર માર્ગ, ગોંડલ રોડ બ્રિજ નીચે, નાગરિક બેંક ચોક ઢેબર રોડ, અટલ બિહારી વાજપાયી ઓડિટોરિયમ સામે, ગોવર્ધન ચોક, મોચીબજાર કોર્ટથી પેટ્રોલપંપ સુધી, રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફ, પારડી રોડ કોમ્યુનિટી હોલની બાજુમાં, સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં, પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બાજુમાં, પંચાયતનગર ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, જાગનાથ મંદિર આગળ, પીડીએમ કોલેજથી જૂના જકાતનાકા સુધી બન્ને બાજુ સહિતની 48 સાઇટ પર પે એન્ડ પાર્ક માટે ખાનગી એજન્સીઓ પાસેથી મનપાએ ભાવ મંગાવ્યા છે.જે ઓફર આવ્યા બાદ મંજુર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.