જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની કામગીરીમાં ભારે અસંતોષ, જનતા રેડ

૨૦૦ ગ્રામનું સેમ્પલ લેવાને બદલે ૨-૨ કિલોના સેમ્પલ લઇને સારી મગફળી પણ રિજેક્ટ કરવામાં આવતી હોવાની રાવ

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોના ટેકાના ભાવે મગફળીની થઈ રહેલી ખરીદીમાં લોલમલોલ અને લાલિયાવાડી ચાલતું હોવાનું ખેડૂત આગેવાનોને જનતા રેડ અને રિયાલિટી ચેક બાદ સામે આવતા ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં બઘડાટી બોલી જવા પામી હતી. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી થઈ રહી છે અને અહીં લાલિયાવાડી ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે ગઈકાલે કિસાન કોંગ્રેસના મનીષ નંદાણીયા તથા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાનો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, અને જનતા રેડ સાથે રિયાલિટી ચેક કરતા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી મગફળીમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવતા કલાકો સુધી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત આગેવાનો ઉગ્ર મિજાજમાં આવી ગયા હતા. આ અંગે કિસાન કોંગ્રેસ સમિતિના મનીષ નંદાણીયાના જણાવ્યા અનુસાર હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે તેમાં મગફળીની ગુણવત્તા નક્કી કરવા માટે જે ગ્રેડર રાખવામાં આવ્યા છે તે બીએસસી એગ્રિ કરેલાના ને બદલે બીબીએ કરેલા યુવાનોને બેસાડી દેવામાં આવ્યા છે, જેઓ કવોલિફાઇડ નથી તેઓ ખેડૂતોની મગફળીની મનફાવે તે રીતે ગુણવત્તા નક્કી કરે છે, આ ઉપરાંત સેમ્પલિંગ માટે ૨૦૦ ગ્રામ મગફળી લેવાની હોય છે તેના બદલે ગ્રેડરો દ્વારા બે થી ત્રણ કિલો મગફળી સેમ્પલિંગ માટે લેવામાં આવે છે અને તેમાંથી ધૂળ કાઢી સારી મગફળીને રિજેક્ટ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા છે. મનીષ નંદાણીયાના જણાવ્યા અનુસાર પરિપત્ર મુજબ એક બોરીમાં ૩૦ કિલો વજન લેવાનો હોય છે, તેના બદલે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાં ૩૧ કિલો જેવી મગફળી લેવામાં આવે છે, જેના કારણે અડધો થી એક કિલો જેટલી મગફળીનું ખેડૂતોને નુકસાન આવે છે.

આ ઉપરાંત મગફળી ની ગુણવત્તા નક્કી કરવા માટે આઠ પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે અને નિયમો મુજબ સ્થળ ઉપર વિગતવાર બોર્ડ મૂકવામાં આવવું જોઈએ તે પણ મૂકવામાં આવ્યું નથી અને ટેકાના ભાવે ખરીદી કરવા આવતા ખેડૂતોને મગફળીમાં ધૂળ છે તેમ કહી છેલ્લા આઠ દિવસથી સાફ કરી પરેશાન પણ કરાઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જો કે કિસાન કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ ટ્રસ્ટના આગેવાનોએ ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં જનતા રેડ કરી, રીયલ ચેક રિયાલિટી ચેક કરતા ખેડૂતોને પરેશાન કરાતા હોવાનું અને નિયમોને નેવે મૂકી ખરીદી કરાતી હોવાના આક્ષેપ સાથે એ આક્ષેપ પણ ઉઠ્યો હતો કે ખરીદી સમયે કોઈ ઉચ્ચ અને જવાબદાર અધિકારીઓ  હાજર રખાયા નથી અને અંકવોલિફાઇડ લોકો દ્વારા મનફાવે તે રીતે લાચાર બનેલા ખેડૂતોની મગફળી ખરીદી થઇ રહી છે

માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે સવારથી શરૂ થયેલી આ બઘડાટી બાદ ઇન્ચાર્જ અધિકારી પ્રફુલ્લ પંડ્યા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને તેમણે લાચારવશ જણાવ્યું હતું કે, આ તમામ કામગીરી પુરવઠા શાખા, ખેતીવાડી વિભાગના અધિકારીઓ કરતા હોય છે મને તો માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ફરજમાં મૂક્યા છે અમે ખરીદીના કે કૃષિના નિષ્ણાંત નથી.