Abtak Media Google News

મોરબી જિલ્લામાં આવેલા વાવાઝોડા પવન અને ભારે વરસાદથી જિલ્લામાં વીજ પ્રવાહમાં ગતિરોધ ઉભો થયો હતો. વીજ લાઈનોને નુકશાન અને થાભલા પડી જવાના કિસ્સાની ફરિયાદો પીજીવીસીએલ કચેરીનાં 15 સબ ડિવિઝન કચેરીને મળી હતી. આ તમામ નુકસાનને યુધ્ધના ધોરણે પહોંચી વળવા અને સમગ્ર પરિસ્થિતિની પૂર્વવત કરવા મોરબી જિલ્લાની પીજીવીસીએલની ટીમો કાર્યરત બની છે.

Advertisement

પીજીવીસીએલ સુપ્રીટેન્ડેન્ટ એન્જીનીયર વી.એલ. ડોબરીયા દ્વારા મળેલ વિગતો અનુસાર, મોરબી જિલ્લામાં પીજીવીસીએલ ની 55 ટીમના અંદાજે 450 લોકો હાલ ફિલ્ડમાં કાર્યરત છે. મોરબી પંથકમાં પંથકના 272 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, તેમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી તમામ ગામોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી આપવામાં આવ્યો છે.

આ વિસ્તારોમાં 645 વીજપોલને નુકસાન થયું છે, જેને તાત્કાલીક બદલવાની કામગીરી શરુ કરી 609 જેટલા વીજપોલ બદલી દેવાયા છે. 316 જેટલી સર્વિસ વાયરને લગતી ફરિયાદો આવી હતી જેમાંથી 240 જેટલી ફરિયાદોનો નીકાલ પણ કરી દેવાયો છે.વધુમાં પીજીવીસીએલ સુપ્રીટેન્ડેન્ટ એન્જીનીયર વી.એલ. ડોબરીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા હેઠળ માળીયા, મોરબી અને હળવદ તાલુકાના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારો માંથી પવન અને ભારે વરસાદ માં સંખ્યાબંધ ગામોની વીજ પ્રવાહ બંધ થવાની ફરિયાદો અમને મળી હતી.

આ ફરીયાદો મળતા 45 ઇજનેરો, 30 ટીમ સ્ટાફ, અને 25 ટીમ કોન્ટ્રાકટર ની ટીમો વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરવાની કામગીરીમાં કાર્યરત કરાવી દેવામાં આવી હતી. જેમાં અમારી ટીમ ને સફળતા પણ મળી છે.તદુપરાંત મોરબી જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલ  અને 2 ઓક્સીજન પ્લાન્ટ ને અવિરત વીજ પુરવઠો મળે તે માટે નું સુદ્રઢ આયોજન હાથ ધર્યું હતું. હોસ્પિટલ ને ડી.જી.સેટ થી પાવર તત્કાલીન ચાલુ રહે તેનું પણ સતત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર વાવાઝોડા દરમ્યાન જનરેટર બેકઅપના કારણે એક પણ હોસ્પિટલમાં વીજપુરવઠો અટકવા પામ્યો ન હતો. હાલ મોરબી જિલ્લામાં તમામ હોસ્પિટલ્સ અને ઓક્સિજન પ્લાન્ટમાં વીજપુરવઠો 100 ટકા કાર્યરત છે.

વાવાઝોડાને કારણે સમગ્ર મોરબી પંથકમાં આશરે રૂપિયા 148.48 લાખનું નુકસાન થયાનું સર્વેમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.