Abtak Media Google News

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાના અમલ માટે સંબંધિત સત્તામંડળોને મુખ્યમંત્રીની સૂચના

CM રૂપાણીએ શહેરી વિસ્તારોના સુઆયોજિત, પારદર્શી અને ઝડપી વિકાસ માટેનાં નક્કર નિર્ણયો લઈ વિક્રમ સર્જ્યો

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોમાં સુઆયોજિત અને ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે ગત વર્ષે ૧૫૦ અને આ વર્ષે ૫૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) – ડેવલપમેન્ટ પ્લાન – DP મંજૂરી આપી છે. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી ૨૦૧૮ના વર્ષ સુધીમાં TP સ્કીમની પરવાનગી-મંજૂરીનો આંક ૧૦૦એ પહોંચાડ્યા બાદ આ વર્ષ ૨૦૧૯માં પાંચ જ મહિનામાં વધુ ૫૦ આ પ્રકારની નવી સ્કીમને મંજૂરી કરીને દોઢ વર્ષમાં ૧૫૦ જેટલી ટીપી-ડીપીને પરવાનગી આપવાનો વિક્રમ સર્જ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લોકસભા ચૂંટણીનાં કારણે આચારસંહિતા હોવાથી સરકારી કામકાજ સ્થગિત હતા, હવે જ્યારે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આચારસંહિતા પૂર્ણ થતા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૧ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને ૨ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરી આપવાનો નિર્ણયો કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૨૦૧૯ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ ૫૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવાને પરિણામે રાજ્યમાં આશરે ૫ હજારથી પણ વધુ હેક્ટર વિસ્તારમાં આયોજનને ઓપ મળ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ બરોડા, ગાંધીનગર જેવા શહેરોમાં ટીપી સ્કીમ મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક–સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી જમીન પ્રાપ્ત થશે. ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ કદમ પૂરવાર થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ ઝડપથી આગળની કાર્યવાહી કરીને આ ડ્રાફ્ટ ટીપીમાં રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાના સમયસર  અમલીકરણ થવા માટે પણ સંબંધિત સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે તેમજ TPO/CTP વિભાગને સૂચના આપી બાકી રહેતી ટીપી પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં ટીપીનો વિલંબ બાધારૂપ ન બને તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ચૂંટણીઓ પહેલા પણ વર્ષ ૨૦૧૯માં મુખ્યમંત્રીશ્રીએ ૬ ફાઈનલ ટીપીને મંજૂરી આપી છે. ફાઈનલ ટીપી મંજૂર થતાં, તેટલી ટીપી સ્કીમની કાર્યવાહી પૂર્ણ થઈ તમામ રેકર્ડ સંબંધિત ઓથોરીટીને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સોંપી દેવામાં આવે છે અને પરિણામે આવા TPOની કચેરીમાં અન્ય ટીપીની વધુ ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે.

મુખ્યમંત્રીએ શહેરી વિકાસના આગવા વિઝન અને પારદર્શી નિર્ણયશક્તિનો અદ્વિતીય અને અકલ્પનીય પરિચય રાજ્યના નાગરિકોને આ મંજૂરીઓ દ્વારા કરાવ્યો છે. એટલું જ નહીં શહેરી વિકાસ વિભાગમાં લોકોને નહિવત મુશ્કેલીનો સામનો કરવો પડે અને તમામ સ્તરીય કાર્યવાહી તાત્કાલિક થાય તેવી કામગીરીનો અમલ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો છે. સંવેદનશીલ મુખ્યમંત્રીનાં રાજમાં ગતિશીલ બન્યું છે ગુજરાત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.