Abtak Media Google News

સૌરાષ્ટ્રના 200 યુવાનોને મળી રોજગારી : જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને અને સાંસદ ઓની ઉપસ્થિતિમાં જોબફેર યોજાયો

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે  જિલ્લા પંચાયત પ્રમુખભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને જોબફેર-2023 યોજાયો હતો. જેમાં 200થી વધુ તાલીમ લઈ ચૂકેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો  અપાયા હતા.

આ રોજગારી મેળામાં જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી અને મોરબીમાં કાર્યરત કુલ 239 લાભાર્થીઓને નિમણૂક આપવામાં આવ્યા હતા. આ ઉમેદવારોને જોબ મેળામાં 15 જેટલી કંપનીઓ, ઉદ્યોગો, એન.જી.ઓ.માં રોજગારી મળી છે. આં કંપનીઓના અધિકારીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી  ભુપતભાઈ બોદરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ થકી રોજગાર તેમજ અન્ય સુવિધાઓ રોજગાર ઇચ્છુક યુવાનોને અપાઈ છે.

તેમજ આજની ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને રોજગારમાં મહત્તમ લાભ મળે.

તેમજ દેશના યુવાનોને આત્મનિર્ભર કરવા વધુને વધુ સરકારના પ્રયત્નો છે.

આ યોજના અંતર્ગત યુવાનોને કારકિર્દીમાં તાલીમ અને રોજગાર મળે છે. પ્રથમ વખત આ નિમણુક પત્ર મેળવવાથી જીવન થંભી નથી જતું પરંતુ કારકિર્દીમાં આ તક પ્રથમ ચરણ છે જેના થકી ભવિષ્યમાં નવા રસ્તાઓ ખુલશે

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જોબ ફેરમાં નિમણુક પત્ર મેળવનારને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વર્ષો પહેલા અમારા સમયમાં રોજગાર માટે આવી કોઈ તક કે માધ્યમ નહોતા એવામાં સરકાર દ્વારા દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના થકી યુવાનોને તાલીમ અપાવીને તેમને વિવિધ સંસ્થાઓમાં રોજગાર આપવામાં આવી રહ્યો છે.

યુવાનોને આર્થિક સ્વાવલંબન મળી રહ્યું છે અને જીવન સલામત બને છે.

સાંસદરામભાઈ મોકરીયાએ તેમની કારકિર્દીના વિવિધ ઉદાહરણો આપીને જણાવ્યું કે,  જીવનનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ હતી, એવો સમય પસાર કરીને આજે મારી સંસ્થામાં વીસ હજાર લોકો રોજગાર મેળવે છે.

આજનો દિવસ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્ય તિથિના ઐતિહાસિક દિવસ પર આજે 200થી વધુ યુવાનોને રોજગારી મળી છે.

વધુમાં તેમણે પોતાની કારકિર્દીના ઉતાર ચડાવ વિશે વિવિધ ઉદાહરણો આપીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.  જી. એલ.પી.સી.ના જનરલ મેનેજરશ્રી કલ્પેશભાઈ ભટ્ટએ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. અને  લાભાર્થીઓ અને લાભાર્થીઓના વાલીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.

સમગ્ર યોજનાની માહિતી આપતી  ડોક્યુમેન્ટરી ફિલ્મ રજુ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા લાઈવલીહુડ નિયામક  આર.એસ.ઠુમ્મર, મેનેજર વિરેન્દ્ર બસીયા, રોજગાર કચેરીના નૈમિષભાઈ ભૂત સહિતના અધિકારી બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.