પાલીતાણામાં પાડોશી પરિણીતાના નામે કૂતરાનું નામ રાખતા મહિલાને સળગાવી

બે મહિલા સહિત છ શખ્સોએ ઘરમાં ઘૂસી પુત્રની નજર સામે જ માતા પર કેરોસીન છાંટી આગ ચાપી

 

અબતક-રાજકોટ

પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં પાડોશી પરિણીતાના નામે કૂતરાનું નામ રાખવા જેવી બાબતે બે મહિલા સહિત છ શખ્સોએ ઘરમાં ઘુસી ઝઘડો કરી પુત્રની નજર સામે જ માતાને કેરોસીન છાંટી સળગાવી દેતા ચકચાર મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તીર્થનગરી પાલિતાણામાં કાયદાના ડર વિના બેફામ બનેલા માથાભારે શખ્સોએ નજીવી બાબતમાં 6 વર્ષના દીકરાની નજર સામે તેની માતાને જીવતી સળગાવી દેતાં ભારે ચકચાર મચી છે. પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતાં નીતાબેન જયન્તીભાઈ સરવૈયા (ઉં.વ.35)ને આજે તેમના પાડોશમાં રહેતા ઘેલા આલગોતર, સુરા આલગોતર, રાજુ ગલાણી કરણ ભરવાડ, સોનલ ભરવાડ અને શાંતું ભરવાડ સહિત 7થી 8 લોકોએ બપોરના સમયે તેમના ઘરે ઘૂસી ઘરમાં રાખેલું કેરોસિન છાંટી સળગાવી દેવામાં આવ્યાં હતાં.

ઘટનામાં ગંભીર રીતે દાઝેલાં નીતાબેનને પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આગની જ્વાળાઓ તેમના શરીરના ગળા સુધીના ભાગને ચપેટમાં લઈ લીધો છે. સારવાર કરી રહેલા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, તેમનું શરીર 80 ટકા જેટલું દાઝી જતાં સ્થિતિ ગંભીર છે. આ બનાવ સમયે ઘરમાં તેમના 6 વર્ષનો પુત્ર નંદરાજ ઘરે હતો, જેની સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી.આ ઘટનાનું કરણ એવું હતું કે થોડા સમય પહેલા જ બન્ને પાડોશીઓની મહિલાઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ નીતાબેનના પરિવારે જર્મન શેફર્ડ બ્રીડનું એક કૂતરું લાવ્યા હતા જેનું નામ તેમણે સોનું રાખ્યું હતું અને હુમલો કરનારા લોકોમાંથી સુરાભાઈની પત્નીનું નામ સોનું હતું, જેથી આ લોકોએ સોનું નામ રાખ્યું હોવાથી આ હુમલો કર્યો હોવાનું મહિલા પરિવારજનોએ જણાવ્યું હતું.