સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ગગડયો રાજકોટમાં ૧૦.૪ ડિગ્રી

આગામી ૫ દિવસ પારો ૧૦ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહેશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડયો છે ત્યારે છેલ્લા ૨ દિવસથી લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતર્યો છે. અને ઠંડીનું જોર વધ્યું છે ત્યારે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૮.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા જ્યારે ૧૨ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર , ગીર-સોમનાથ સહિતના શહેરોમાં પણ પારો ગગડયો હતો.

કચ્છના નાળિયામાં પણ છેલ્લા ૨ દિવસથી પારો ૭ ડિગ્રીની નીચે જોવા મળ્યો હતો જ્યારે આજે તે ગગડીને ૫ પર પહોંચ્યો હતો.

ઠંડી વધવાની સાથે વહેલી સવારે સૌરાષ્ટ્રના ઘણા ખરા શહેરોમાં ધૂમમ્સ જોવા મળી હતી જેને લઈને વિઝીબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વહેલી સવારે ઠંડીમાં લોકો મોર્નિંગ વોક પર નજરે ચડ્યા હતા અને રાતે ઠંડીથી બચવા લોકોએ તાપણા કરવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આજે નલિયામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું અને લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રીએ પહોંચ્યું હતું.

આગામી ૪૮ કલાક નલિયામાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનું તાપમાન પણ ૧૫ થી ૧૭ ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પારો ૧૦ થી ૧૪ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.