Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શનિવાર સુધી વરસાદ ચાલુ રહેશે: દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્યપ્રદેશ પર વેલમાર્ક

લો-પ્રેસર: બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ સર્જાઈ રહી છે: આવતા સપ્તાહે ફરી વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના

દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્યપ્રદેશ પર સર્જાયેલા વેલમાર્ક લો-પ્રેસરની અસરતળે આજ સાંજ સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. રાજયમાં આગામી શનિવાર સુધી સતત વરસાદ ચાલુ રહેશે. દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ સક્રિય થઈ રહી હોય જેની અસર હેઠળ આગામી ૫ થી ૬ દિવસ બાદ રાજયમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શકયતા જણાય રહી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ વેલમાર્ક લો-પ્રેસર દક્ષિણ-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારો સાથો સાથ અપરએર સાયકલોનિક સર્કયુલેશન ૭.૬ કિ.મી.ની ઉંચાઈ પર છે. સમગ્ર ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં ડિપ્રેશન ઉદ્ભવ્યું છે જેની અસરતળે આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ-દમણ તથા દાદરાનગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજયમાં શનિવાર સુધી સતત વરસાદી માહોલ યથાવત રહેશે.

સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ સહિત મોટાભાગના જિલ્લાઓમાં સવારથી કયાંક ધીંગીધારે તો કયાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં જાણે બારેમેઘ ખાંભા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.