Abtak Media Google News

મતદાનના ૪૮ કલાક બાકી હોય ત્યારે સાયલન્સ પીરીયડમાં સરી પડવા ગુગલ, ફેસબુક અને ટવીટર સહિતની કંપનીઓની ચૂંટણીપંચ સાથે સમજૂતી

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં રાજકીય જાહેરાતો મામલે ચૂંટણીપંચની સાથે મળીને કામ કરવાનો નિર્ણય ફેસબૂક, ગુગલ અને ટવીટર સહિતના ઈન્ટરનેટ માધ્યમોએ લીધો છે. આ નિર્ણય ફેક ન્યૂઝના દૂષણને ડામવા તેમજ માનહાની તથા અસામાજીક ક્ધટેન્ટને રોકવા માટે લેવાયો હોવાનું કહેવાય છે. જો કે, સોશ્યલ મીડિયા જાયન્ટસ અને ચૂંટણીપંચ વચ્ચે થયેલા આ સમાધાનથી રાજકીય પક્ષોને જાહેરાત આપવી અઘરી પડી જાય તેવી શકયતા છે.

ફેસબૂક, ગુગલ અને ટવીટર સહિતની કંપનીઓએ મતદાનના ૪૮ કલાક પહેલા સાયલન્સ પીરીયડ એટલે કે મૌન સમયગાળા માટે ચૂંટણીપંચ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી મુજબ મતદાનના ૪૮ કલાક બાકી હોય ત્યારે કોઈપણ રાજકીય પક્ષની પોલીટીકલ એડવર્ટાઈઝમેન્ટ પ્રસારીત થશે નહીં. આ સમજૂતી નેગેટીવ પોલીટીકલ એડવર્ટાઈઝમેન્ટ સામે લડવા લેવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયામાં ફેક ન્યૂઝના દુષણના કારણે અનેક લોકોના જીવ ગયા છે. તેમજ સામાજિક ભેદભાવ પણ ઉભા થયા હોવાનું જોવા મળે છે. બીજી તરફ રાજકીય હુંસાતુંસી તેમજ માનહાનીનું પ્રમાણ પણ ભયંકર સ્તરે પહોંચી ગયું છે. ત્યારે સોશ્યલ મીડિયા પર લગામ લગાવવા સરકાર બાદ હવે ચૂંટણીપંચ પણ મેદાને છે. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં રાજકીય જાહેરાતોને મતદાનના ૪૮ કલાક પહેલા જ બંધ કરી દેવાનો નિર્ણય ગુગલ, ફેસબુક અને ટવીટર સહિતની કંપનીઓએ લીધો છે. જેનાથી રાજકીય પક્ષોને સોશ્યલ મીડિયા દ્વારા થતાં પ્રચાર-પ્રસારમાં નુકશાન થશે. ગત ચૂંટણીઓમાં સોશ્યલ મીડિયા થકી વિજય મેળવવા અનેક પક્ષોએ પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ અને ભાજપ સહિતના રાજકીય પક્ષો સોશ્યલ મીડિયામાં પ્રચાર-પ્રસાર પાછળ કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવતા હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ નિર્ણયથી જાહેરાતો ઉપર અસર પડશે તેવું માનવામાં આવે છે.

ભીમા કોરેગાંવમાં હિંસા ફેલાવવામાં ટ્વિટર એકાઉન્ટસનો હાથ

ભીમા કોરેગાંવ હિંસા પાછળ ૨૫૦ જેટલા ટવીટર એકાઉન્ટસનો હાથ હોવાનો ઘટસ્ફોટ મહારાષ્ટ્ર પોલીસે કર્યો છે. મોદી સરકાર સામે કાવતરુ ઘડાયું હોવાનું પણ પોલીસનું કહેવું છે. ભીમા કોરેગાંવ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ષડયંત્ર રચીને લોકોને ભડકાવાયા હોવાનું પણ ખુલ્યુ છે. સોશ્યલ મીડિયામાં હિંસાના વીડિયો અને સ્પીચ વાયરલ કરીને ટોળાને ઉશ્કેરવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે. મોદી સરકાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ષડયંત્ર રચાયું હોવાનું પોલીસના નિવેદનથી ફલીત થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.