Abtak Media Google News

આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી થકી પર્યાવરણની જાળવણી અને તેના મહત્વની આવશ્યકતા સમજવાના પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે પર્યાવરણની વર્તમાન સ્થિતિ માટેની જવાબદારી કોની અને પર્યાવરણના પ્રકોપ જેવી કુદરતી અને માનવસર્જીત આફતો પાછળ કોણ જવાબદાર છે તેનું મનોમંથન થઈ રહ્યું છે ત્યારે પર્યાવરણની વર્તમાન કથળેલી પરિસ્થિતિ અંગે જો કોઈ જવાબદાર હોય તો તે માનવીઓના વિસરાયેલા માનવધર્મને જ કારણભૂત ગણી શકાય. માનવી માનવધર્મ ચૂકવા લાગ્યો છે. આથી જ પર્યાવરણના પ્રકોપ અને બેહાલીના સંજોગો ઉભા થયા છે.

વિશ્ર્વના પ્રારંભ અને માનવ સંસ્કૃતિના વિકાસથી લઈને આજ પર્યત સુધી દરેક ધર્મમાં પર્યાવરણની જાળવણી અને તેની ખેવનાને કુદરતની સેવા ગણવામાં આવે છે. પ્રકૃતિ દેવીનું અધ્યયન અને તેનું સન્માન પૃથ્વી અને ખાસ કરીને માનવ સમાજના અસ્તિત્વ સાથે કુદરતી રીતે જોડાયેલું છે. બ્રહ્માંડના પંચતત્ત્વોમાં ભૂમી, આકાશ, જળ, અગ્નિ અને વાયુના સંતુલનનું પર્યાવરણનું જતન જ ખરો ધર્મ ગણવામાં આવે છે. ભારતમાં પર્યાવરણ દિવસની ઉજવણીના દિવસે પર્યાવરણના જતનની હિમાયત કરવી કોઈ જરૂરી નથી કારણ કે સનાતન ધર્મ સહિતના ભારતમાં પાળવામાં આવતા તમામ ધર્મોના મુળમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે પર્યાવરણ અને કુદરતને સન્માન આપવાની ભારપૂર્વકની હિમાયત કરવામાં આવી છે.

કણ-કણમાં પ્રભુનો વાસ, વૃક્ષ એ જ જીવન અને વૃક્ષોના પૂજન-અર્ચનથી લઈ તેના જતન અને છેદનની પ્રવૃતિનો નિષેધ પર્યાવરણ સંતુલન માટે પાયારૂપ ગણવામાં આવે છે. ભારતમાં તુલસીથી લઈ પીપળા સુધીના ઉપયોગી વૃક્ષોને દેવતુલ્ય ગણવાની ધર્મભાવનાના મુળમાં પણ પર્યાવરણની જાળવણીનું જ મહાત્મય રહેલું છે.

એક સારા વિધ્વાને વૃક્ષને ભગવાન શંકરનું રૂપ ગણાવ્યું છે, શંકરે ઝેર પીધુ તેમ વૃક્ષ વાતાવરણનું ઝેરી કાર્બનડાયોકસાઈડનું ગ્રહણ કરી પ્રાણવાયુંની પ્રસાદી આપે છે. પર્યાવરણની જાળવણી અંગેની દુર્લક્ષતા માત્ર હિમાલયના અને ઉત્તર ધ્રુવના ગ્લેસીયરને જ ઓગાળવાનું કામ કરતું નથી, જીવન પણ ઓગાળી નાખે છે. કોરોના જેવા વાયરસ તો આદિકાળથી અસ્તિત્વમાં છે પરંતુ કોરોનાએ એ વાત સાબીત કરી દીધી કે, પર્યાવરણનું જતન અને વાતાવરણ દુષિત થાય તો તેના કેવા પરિણામ આવે. કોરોનાએ કરી બતાવ્યું કે, માનવીની કંઈ વિસાત નથી. એક-બે અને ત્રીજી લહેરમાં હાંફી ગયેલુ માનવ જીવન જો પર્યાવરણ અંગે સચેત નહીં રહે તો આવી હજ્જારો લહેરની દહેશત લટકતી રહે છે.

પર્યાવરણની જાળવણીમાં થાપ ખાઈ ગયેલ મનુષ્યની દખલગીરીથી વૃક્ષ, પશુ-પક્ષીની આખી સાઈકલ તૂટી ગઈ છે. પક્ષીઓ કહેતા થયા છે કે, કુછ લોગ હમારે હિસ્સે કા આસમાન ભી ખા ગયે હૈ… અત્યારે ભોગ વિલાસમાં અંધ બનેલો માનવ સત્ય અને અહિંસાનો માર્ગ ભુલી ગયો છે. કત્તલખાના ધમધમી રહ્યાં છે અને પ્રકૃતિ પાસે માનવી કૃપાની આશા રાખે છે. જો માનવ પોતાનો ધર્મ પાળે તો પર્યાવરણનું જતન થાય, માનવ ધર્મ ભુલાઈ ગયો છે આથી જ પર્યાવરણનો પ્રકોપ વરસી રહ્યો છે. માનવ ધર્મના ગુણમાં પર્યાવરણની જાળવણી છે. ધર્મની આંધળી દોટમાં જ માનવ ધર્મ ભુલાઈ ગયો હોવાથી પર્યાવરણનું કચ્ચરઘાણ વળી રહ્યું છે તે વાત ધર્મ સીવાય કોઈ સમજાવી ન શકે. પર્યાવરણને સાચવવું હોય તો માનવધર્મને સન્માન આપવું જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.