Abtak Media Google News

આજે દેશ આખો રામ રામ થયો છે. બધાના રદયમાં રામ નામ ગુંજી રહ્યું છે.   અયોધ્યા નગરમા ૫૦૦ વર્ષ બાદ શુભ ઘડી આવી છે. આજે પીએમના હસ્તે ભવ્ય રામમંદિરની શિલાન્યાસ વિધિ થઈ છે. ત્યારે આજે આપણે રામમંદિર વિષે સંપૂર્ણ ઇતિહાસની વાત કરવાના છીએ. આપણે રામમંદિર વિવાદના અતથી ઇતિ સુધીની વાતો કરવાના છીએ.

હિન્દુ ધર્મમાં ભગવાન રામ એ વિષ્ણુના સાતમાં અવતાર ગણાય છે. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે જેમાં અયોધ્યાને મોક્ષ પ્રાપ્ત કરવાં માટેની 7 સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક કહેવામાં આવી છે. અયોધ્યા નગરીમાં કિલ્લેબંધી કરેલા “રામદુર્ગ” નામની પવિત્ર જગ્યા છે.

ઈ.સ. પૂર્વે 600માં બૌદ્ધિક કાળમાં અયોધ્યા નગરીનું નામ “સાકેત” હતું. તે ઉત્તર ભારતના 6 સૌથી મોટા શહેરોમાંથી એક હતું. ગુપ્ત સામ્રાજ્યમાં તેને રાજધાની બનાવવામાં આવી જ્યાં તેનું નામ અયોધ્યા પડ્યું. કવિ કાલિદાસે તેમની કૃતિ “રઘુવંશ” અહીં રચી રહી જ્યાં ગુપ્તર ઘાટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંથી ભગવાન રામે સરયૂ નદીના જળ થકી સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો હોવાનું કહેવાય છે.

આ સમય પછી અયોધ્યાનું મહત્વ ઘટી ગયું. ત્યાર બાદ રાજા વિક્રમાદિત્યએ તેઓ પુનરોદ્ધાર કર્યો હોવાનું કહેવાય છે. ભારતના ચક્રવર્તી રાજા ચંદ્રગુપ્ત બીજાના પુત્રી પ્રભાવતીગુપ્ત પણ રામના ભક્ત હતા.

ત્યાર બાદ ભારતની રાજધાની કનૌજ તરફ ખસી ગઈ અને અયોધ્યાનું મહત્વ ઓછું થઇ ગયું. જો કે ગઢવાલ વંશે અયોધ્યામાં ઘણા વિષ્ણુ મંદિરો બનાવ્યા. કેટલાક ઇતિહાસકારોના મતે ગઢવાલ વંશે બનાવેલા એક વિષ્ણુ મંદિરને જ રામ મંદિર ગણી લેવામાં આવ્યું છે. આ મંદિરોના કારણે અયોધ્યાનું ધાર્મિક મહત્વ વધ્યું.

બાબરી મસ્જિદનો ઇતિહાસ

બ્રિટિશર્સની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફ્રાન્સિસ બુચાનનના અહેવાલ મુજબ મુઘલ સામ્રાજ્યના પહેલા શાસક બાબરના સેનાપતિ “મીર બાકી”એ બાબરના હુકમથી 1528માં બાબરી મસ્જિદ બનાવી હતી. આ વાત બાબરી મસ્જિદની દીવાલો પરથી મળી આવી હતી તેવું બુચાનનનું કહેવું હતું.

બુચાનને એમ પણ નોંધ્યું કે બીજી એક માન્યતા પ્રમાણે સ્થાનિકોના ઇતિહાસ મુજબ આ મસ્જિદ ઔરંગઝેબ વડે રામ ભગવાનના મંદિરને તોડીને બનવવામાં આવી હતી.

જો કે આર. નાથ જેવા કેટલાક ઇતિહાસકારોના મતે આ મસ્જિદનું બાંધકામ જોતા તે 13મી થી 15મી સદીમાં દિલ્હી સલ્તનતના સમયમાં એટલે કે મુઘલ સામ્રાજ્યની પહેલાના સમયમાં બની હોય એમ લાગે છે. બાબરના સમયમાં તેનો જિર્ણોધ્ધાર થયો હોય એવું બની શકે.

1717માં ઉત્તર ભારતના રાજપૂત રાજા જય સિંઘ 2એ મસ્જિદ અને તેની આસપાસનો જમીનને ખરીદી લીધી. આ દસ્તાવેજમાં એમ જણાવ્યું હતું કે અંદર 3 ગુંબજની બનેલી એક ઇમારત છે જે દેખાવમાં મસ્જિદ જેવી લાગે છે. અંદર એક ચબુતરો છે જ્યાં હિન્દુ ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના કરે છે. અહીં એક ચોરસ બોક્સ બનાવેલો છે જે જમીનથી 5 ઇંચ ઉપર છે. આ જગ્યાને “બેદી” એટલે કે પારણું કહે છે. આ તમામ માહિતી આશરે 50 વર્ષ પછી જોસેફ ટીફેનથલેર નામના એક પાદરી વડે એ પણ કન્ફર્મ કરી હતી.

આમ જાણી શકાય છે કે ઐતિહાસિક રીતે આ પરિસરમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પ્રાર્થના કરતા હતા. મુસ્લિમો અંદરની મસ્જિદનો ઉપયોગ કરતા જયારે હિંદુઓ મસ્જિદની બહારના ભાગનો ઉપયોગ કરતા.

બાબરે કેમ બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું?

20મી સદીના મૌલવી અબ્દુલ ગફાર અને ઇતિહાસકાર હર્ષ નારાયણની નોંધ મુજબ યુવાન બાબર સૂફી સંત “કલંદર”ના વેશમાં કાબુલ થી અવધ આવ્યો હતો. ત્યાં તે બીજા સૂફી સંતોને મળ્યો અને તેણે તેમની દુઆઓ માંગીને પ્રતિજ્ઞા લીધી કે તે હિન્દુસ્તાનને જીતી લેશે.

જાણકારો મુજબ મૌલવી અબ્દુલ ગફારની જૂની નોંધમાં એવું પણ લખાયેલું હતું કે સૂફી ફકીરોએ બાબરને એક જ શરતે દુઆઓ આપવાની શરત મૂકી કે જો તે જીતશે તો તેણે રામ જન્મભૂમિના મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવી પડશે. બાબરે આ શરત મંજુર રાખીને સૂફી સંતોની દુઆ ગ્રહણ કરી.

શું ખરેખર બાબરના સમયમાં અહીં મસ્જિદ હતી?

આશ્ચર્યજનક રીતે બાબરની કથા બાબરનામામાં કોઈ આવી મસ્જિદ બનવાનો કે કોઈ મંદિરને તોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.1574માં તુલસીદાસે “રામચરિત માનસ” લખ્યું જેમાં પણ રામજન્મભૂમિ ઉપર આવી કોઈ મસ્જિદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મસ્જિદનો પહેલો ઉલ્લેખ ઔરંગઝેબની પૌત્રી વડે લખાયેલ પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તક મુજબ મથુરા, બનારસ અને અવધમાં ઘણા હિન્દુ સ્મારકો તોડીને મસ્જિદો બનાવાઈ હતી જેમાંથીઆ એક હતી. આમાં મસ્જિદને ઔરંગઝેબ વડે બનાવામાં આવેલી હોવાનું માની લેવામાં આવ્યું છે.

વિવાદનો જન્મ

અયોધ્યામાં કોમી હિંસાનો પહેલો કિસ્સો 1850ની આસપાસ નોંધાયો હતો જ્યાં બાબરી મસ્જિદ પર હિંદુઓએ હુમલો કર્યો હતો. બ્રિટીશ રાજમાં આ બંને વિસ્તારો વચ્ચે રેલીંગ મુકવામાં આવી જેથી બંને પક્ષો વચ્ચે વિવાદ ન થાય. 1949માં કથિત રીતે રામ ભગવાનની મૂર્તિ મસ્જિદની અંદર મૂકી દેવામાં આવી જે ઘટનાએ આ વિવાદને જન્મ આપ્યો. આ વિવાદમાં ઘણા કોમી રમખાણો થયા જેમાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. હવે મિત્રો આપણે આ સમગ્ર ઘટનાક્રમ ટાઈમલાઇન મુજબ સમજવાના છીએ.પાચ સદીઓ પહેલા બનેલી ઘટનાઓથી “ટાઈમલાઈન અયોધ્યા”ની શરૂઆત કરીએ અને ક્રમશઃ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈએ કે સોળમી સદીથી ઓગણીસમી સદી સુધીમાં શું થયું તો મિત્રો

વર્ષ ૧૫૨૮ : બાબરના એક સેનાપતિ મિર બાકી એ અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું જેને હિંદુઓ ભગવાન રામનું જન્મસ્થાન માનતા હતાં.

૧૫૨૮-૧૭૩૧: આ સમયગાળામાં આ ઇમારત પર કબજો કરવા બન્ને સમુદાયોની તરફથી ૬૪ વાર સંઘર્ષ થયો.

૧૮૨૨: ફૈઝાબાદ અદાલતના એક કર્મચારી હફિઝુલ્લાએ સરકારને અહેવાલ મોકલ્યો જેમાં તેણે લખ્યું કે રામના જન્મસ્થાન પર બાબરે એક મસ્જિદ બનાવી હતી.

૧૮૫૨: અવધના અંતિમ નવાબ વાજિદઅલી શાહના શાસનમાં અહી પહેલી વાર મારપીટની ઘટનાનો લેખિતમાં ઉલ્લેખ થયો. નિર્મોહી પંથના લોકોએ દાવો કર્યો કે બાબરે એક મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.

૧૮૫૫: હનુમાનગઢી પર વૈરાગીઓ અને મુસલમાનો વચ્ચે યુદ્ધ થયું.વાજિદઅલી શાહે બ્રિટિશ રેસિદેન્ટ મેજર આર્ટમને અયોધ્યાની હાલત પર એક પત્ર મોકલ્યો.તેમાં પાચ દસ્તાવેજો જોડીને તેણે કહ્યું કે આ વિવાદિત ઇમારતને લઈને અહી હિન્દુ મુસ્લિમો વચ્ચે તણાવ રહે છે.

૧૮૫૯: બ્રિટિશ હકુમતે આ પવિત્ર સ્થાનની ઘેરાબંદી કરી લીધી. અંદરનો હિસ્સો મુસ્લિમોની નમાઝ માટે અને બહારનો હિસ્સો હિંદુઓની પુજા માટે આપવામાં આવ્યો.

૧૮૬૦: ડેપ્યુટી કમિશનર ફૈઝાબાદની અદાલતમાં મસ્જિદના ખાતીબ મિર રજ્જન અલીએ એક અરજી કરી કે મસ્જિદ પરિસરમાં એક નિહંગ શિખે નિશાન સાહિબ રોપીને એક ચબુતરો બનાવી દીધો છે , તેને હટાવવામાં આવે.

૧૮૭૭: મસ્જિદના મૂઅઝીન મોહમ્મદ અસગરે ડેપ્યુટી કમિશનરની કચેરીમાં ફરી એક અરજી કરીને ફરિયાદ કરી કે વૈરાગી મહંત બલદેવદાસે મસ્જિદ પરિસરમાં એક ચરણપાદુકા રાખી દીધી છે,જેની પુજા થઈ રહી છે. એમણે પુજા માટે એક ચુલો પણ બનાવ્યો છે, કદાચ એ હવનકુંડ રહ્યો હશે. અદાલતે કશું હટાવ્યું તો નહી પણ મહંત બલદેવને આગળ કઈ વધારે કરવા પર રોક લગાવી દીધી અને મુસલમાનોને મસ્જિદમાં જવા માટે બીજો રસ્તો બનાવી દીધો.

૧૮૮૫, ૧૫ જાન્યુઆરી: અહી મંદિર બનાવવાની પહેલીવાર માંગ અદાલતમાં પહોંચી. મહંત રઘુબર દાસે પહેલો કેસ ફાઈલ કર્યો. તેમણે રામ ચબુતરા પર ઍક મંડપ બનાવવાની મંજુરી માંગી, જે એમના કબજામાં હતો. સંયોગવશ આ જ વર્ષે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની પણ સ્થાપના થઈ.

૧૮૮૫, ૨૪ ફેબ્રુઆરી: ફૈઝાબાદની જિલ્લા અદાલતે એવું કહીને મહંત રઘુબર દાસની અરજી ફગાવી દીધી કે આ જગ્યા મસ્જિદની ખુબ નજીક છે, તેનાથી ઝઘડા થઈ શકે. સબ જજ હરિકિશને પોતાના ચુકાદામાં માન્યું કે અહી ચબુતરા પર રઘુબર દાસનો કબ્જો છે.એમણે એક દિવાલ ઉંચી લઇને ચબુતરાને અલગ કરવાની સલાહ આપી,પણ કહ્યું કે અહી મંદિર નહી બની શકે.

૧૮૮૬,૧૭ માર્ચ: મહંત રઘુબર દાસે જિલ્લા જજ ફૈઝાબાદ કર્નલ એફ એ કેમિયરની અદાલતમાં અપીલ દાખલ કરી. કેમિયર સાહેબે પોતાના ચુકાદામાં કહ્યું કે મસ્જિદ હિંદુઓના પવિત્ર સ્થાન પર બની છે પણ હવે મોડું થઈ ગયું છે , ૩૫૬ વર્ષ જુની ભુલને આટલા દિવસો પછી સુધારવી ઉચિત નથી, બધા પક્ષો યથાવત સ્થિતી બનાવી રાખે.

મિત્રો ત્યારબાદ બીજી ટાઈમલાઈન  ૧૯૧૨ થી ૧૯૮૪ સુધી કઈ કઈ ઘટનાઑ થઈ તે તમને જણાવીએ

વર્ષ ૧૯૧૨, ૨૦-૨૧ નવેમ્બર: બકરી ઈદના પ્રસંગે અયોધ્યામાં ગૌ હત્યાની વિરુદ્ધમાં પહેલું તોફાન થયું. અહી ૧૯૦૬થી જ નગરપાલિકા ધારા હેઠળ ગૌ હત્યા પર પ્રતિબંધ હતો.

૧૯૩૪, માર્ચ: ફૈઝાબાદના શાહજહાંપુરમાં થયેલી ગૌ હત્યાના વિરોધમાં તોફાનો થયા. નારાજ હિંદુઓએ બાબરી મસ્જિદની દીવાલ અને ગુંબજને નુકસાન પહોંચાડ્યું. બાદમાં સરકારે તેની મરામત કરાવી.

૧૯૩૬: એ વાતની તપાસ કમિશનર દ્વારા કરવામાં આવી કે શું બાબરી મસ્જિદ બાબરે બનાવી હતી?

૧૯૪૪,૨૦ ફેબ્રુઆરી: સત્તાવાર ગેજેટમાં એક તપાસ અહેવાલ પ્રસિદ્ધ થયો જે ૧૯૪૫માં શિયા અને સુન્ની વકફ બોર્ડ પછી ફૈઝાબાદની રેવન્યુ કોર્ટના ખટલામાં વખતે સામે આવ્યો.

૧૯૪૯,૨૨-૨૩ ડિસેમ્બર: ભગવાન રામની મૂર્તિ મસ્જિદની અંદર પ્રગટ થઈ.આરોપ હતો કે કેટલાક હિંદુ સમૂહોએ આ કામ કર્યું છે. બન્ને પક્ષોએ કેસ કર્યા. સરકારે આ વિસ્તારને વિવાદિત જાહેર કરીને ઇમારતને કબજામાં લેવાનો આદેશ કર્યો, પણ પૂજા અર્ચના ચાલુ રહી.

૧૯૪૯,૨૯ ડિસેમ્બર: ફૈઝાબાદના મ્યુનિસિપલ બોર્ડના અધ્યક્ષ પ્રિયા દત્ત રામને વિવાદિત પરિસરના રીસીવર નિમવામાં આવ્યાં.

૧૯૫૦: હિંદુ મહાસભાના ગોપાલ વિશારદ અને દિગંબર અખાડાના મહંત પરમહંસ રામચંદ્રદાસે ફૈઝાબાદની અદાલતમાં અરજી કરી જન્મસ્થાન પર સ્વામિત્વનો દાવો કર્યો. બન્નેએ ત્યાં પુજાપાઠ કરવાની મંજુરી માંગી. સિવિલ જજે અંદરનો ભાગ બંધ રાખીને પૂજાપાઠ કરવાની મંજૂરી આપી અને મુર્તિઓને ના હટાવવાનો અંતરિમ આદેશ આપ્યો.

૧૯૫૫,૨૬ એપ્રિલ: હાઇકોર્ટે ૩ માર્ચના સિવિલ જજના આ અંતરિમ આદેશ પર મોહર મારી દીધી.

૧૯૫૯: નિર્મોહી અખાડાએ બીજી એક અરજી કરીને વિવાદિત સ્થાન પર પોતાનો દાવો રજૂ કર્યો અને પોતાને રામ જન્મભૂમિના સંરક્ષક ગણાવ્યાં.

૧૯૬૧: સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે મસ્જિદમાં મૂર્તિઓ રાખવાના વિરોધમાં અરજી કરી અને દાવો કર્યો કે મસ્જિદ અને તેની આસપાસની જમીન એક કબ્રસ્તાન છે, જેના પર તેનો દાવો છે.

૧૯૬૪,૨૯ ઓગસ્ટ: જન્માષ્ટમીના રોજ મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઇ.આ સ્થાપના સંમેલનમાં આરએસએસના સર સંઘચાલક શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર, ગુજરાતી સાહિત્યકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, સંત તુકોજી મહારાજ અને અકાલી દળના માસ્ટર તારાસિંહ ઉપસ્થિત હતાં.

૧૯૮૪, ૭-૮ એપ્રિલ: નવી દિલ્હીમાં જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ માટે હિંદુ સમૂહોએ રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતી બનાવી.તેના અધ્યક્ષ મહંત અવેધનાથ બન્યા. દેશભરમાં રામ જન્મભૂમિ મુકિત માટે રથયાત્રાઓ કાઢવામાં આવી. રામ મંદિર આંદોલને વેગ પકડ્યો.

 ત્યારબાદ વાત કરીએ  ૧૯૮૬ થી ૧૯૯૦ વચ્ચેના સમયની

આ માત્ર ચાર વર્ષનો સમયગાળો છે પણ એમાં થયેલા કાનુની દાવપેચ અને રાજનૈતિક ખેલોએ આ મુદ્દાને અવનવા વળાંકો આપ્યા.

વર્ષ ૧૯૮૬,૧ ફેબ્રુઆરી: ફૈઝાબાદના વકીલ ઉમેશચંદ્ર પાંડેની અરજી પર જિલ્લા જજ કે એમ પાંડેએ આદેશ આપ્યો કે મસ્જિદના તાળા ખોલી નાખવામાં આવે અને હિન્દુઓને ત્યાં પુજાપાઠની મંજૂરી મળી.આ ચુકાદાની ૪૦ મિનીટની અંદર સિટી મેજિસ્ટ્રેટે રામ જન્મભૂમિના તાળા ખોલાવી દીધા. મુસ્લિમોએ હિન્દુઓને પૂજાપાઠની મંજુરીનો વિરોધ કર્યો.

૧૯૮૬,૩ ફેબ્રુઆરી: મોહમ્મદ હાશિમ અન્સારીએ હાઇકોર્ટની લખનઉ બેંચમાં તાળું ખોલવા સામે જિલ્લા જજના ચુકાદાને રોકવા અપીલ કરી. હાશિમે પોતાની અરજીમાં કહ્યું કે આ મામલામાં જિલ્લા જજે બીજા પક્ષને સાંભળ્યા વગર એકતરફી ચુકાદો આપ્યો છે.

૧૯૮૬,  ૫-૬ ફેબ્રુઆરી: મુસ્લિમ નેતા સૈયદ શાહબુદ્દીને તાળું ખોલવાના વિરોધમાં ૧૪ જાન્યુઆરીએ દેશભરમાં શોકદિવસ મનાવવાની અપીલ કરી. ઓલ ઇન્ડિયા મજલીસે મુસવરાતએ આ મુદ્દા પર વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી.

૧૯૮૬, ૬ ફેબ્રુઆરી: તાળું ખોલવાના વિરુદ્ધમાં લખનૌમાં મુસ્લિમોની એક સભા થઈ જેમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના થઈ. મૌલાના મુઝફ્ફર હુસૈન કીછોછવીને કમિટીના અધ્યક્ષ અને મોહમ્મદ આઝમખાનને તથા ઝફરયાબ જીલાનીને સંયોજકો બનાવાયા.

૧૯૮૬,૨૩-૨૪ ડિસેમ્બર: દિલ્હીમાં સૈયદ શાહબુદ્દીનની અધ્યક્ષતામાં બાબરી મસ્જિદ કો ઓર્ડીનેશન કમિટી બની. કમિટીએ ૨૬ જાન્યુઆરી ૧૯૮૭ના પ્રજાસત્તાક દિવસ સમારોહના બહિષ્કારનું આહ્વાન કર્યું.

૧૯૮૯, જુન: મંદિર આંદોલનને પહેલીવાર બીજેપીએ પોતાના એજન્ડામાં લીધું. હિમાચલ પ્રદેશના પાલમપુરમાં બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારણીએ પ્રસ્તાવ પસાર કરી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસ્તાવમાં એ પણ કહેવાયું કે આ આસ્થાનો પ્રશ્ન છે, તેના પર અદાલત ફેસલો ના કરી શકે.

૧૯૮૯,૧ એપ્રિલ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોલાવવામાં આવેલી ધર્મસંસદે 30 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત મંદિર શિલાન્યાસનું એલાન કર્યું.

૧૯૮૯, મે: વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિર નિર્માણ માટે ૨૫ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી.

૧૯૮૮ જુલાઈથી ૧૯૮૯ નવેમ્બર: ગૃહમંત્રી બુટાસિંહે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને લઇને અલગ-અલગ પાર્ટીઓ સાથે સલાહ મસલત કરી.

૧૯૮૯: વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ ઉપાધ્યક્ષ જસ્ટિસ દેવકીનંદન અગ્રવાલે રામલલા વિરાજમાનના મિત્રની હેસિયતથી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું કે મસ્જિદને ત્યાંથી હટાવીને અન્યત્ર લઈ જવામાં આવે. સરકારે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં રહેલા ચાર ખટલાઓની સાથે મૂળ ખટલાને હાઇકોર્ટની વિશેષ બેન્ચ પાસે સ્થળાંતરીત કરી આપ્યો. બધા ખટલાંની એક સાથે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ.

૧૯૮૯,૧૪ ઓગસ્ટ: હાઈકોર્ટે આદેશ કર્યો કે વિવાદિત પરિસરમાં યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે.

૧૯૮૯, ઓક્ટોબર – નવેમ્બર: રામમંદિર નિર્માણઅર્થે અયોધ્યામાં સમગ્ર દેશમાંથી સાડા ત્રણ લાખ રામશિલાઓ પહોંચાડવામાં આવી. આ રામશિલાનું પૂજન દેશના દરેક ગામમાં થયું હતું.

૧૯૮૯,૯ નવેમ્બર: રાજીવ ગાંધીની કેન્દ્ર સરકાર  અને નારાયણ દત્ત તિવારીની રાજ્ય સરકારની સહમતિથી અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા આવ્યો. શિલાન્યાસ પર કોઈ પણ વિવાદ વગર તમામ પક્ષોની સહમતી હતી. શિલાન્યાસ પ્રસ્તાવિત મંદિરના સિંહદ્રાર પર થયો.શિલાન્યાસ થયા પછી ખબર પડી કે તે વિવાદીત સ્થળ પર થયો છે.

૧૯૯૦,૧ જાન્યુઆરી: અદાલતે આદેશ આપ્યો કે એક સર્વે કમિશન બનાવવામાં આવે. અદાલતે ઉત્તર પ્રદેશ  પુરાતત્વ વિભાગને વિવાદિત પરિસરની તસવીરો લેવાનો આદેશ કર્યો.

૧૯૯o, ફેબ્રુઆરી: રામ જન્મભૂમિ સ્થળ પર ફરીથી કારસેવાનું એલાન થયું.

૧૯૯૦, જુન: હરિદ્વારમાં વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં નિર્ણય થયો કે ૩૦ ઓક્ટોબરથી અયોધ્યામાં મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવશે. માહોલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાનું એલાન કર્યું. ૨૫ સપ્ટેમ્બરે સોમનાથથી શરૂ થયેલી આ રથયાત્રા ૩૦ ઓક્ટોબરે ફૈઝાબાદ પહોંચવાની હતી.

૧૯૯૦, જુલાઈ – ઓક્ટોબર: વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર દરમિયાન આ વિવાદ પર સુલેહ શાંતિ માટે વાતચીતનો દોર ચાલ્યો.

૧૯૯૦, ૨૫ સપ્ટેમ્બર:. સોમનાથથી અયોધ્યા માટે બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા શરૂ થઈ.

૧૯૯૦, ૧૭ ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે અડવાણીની રથયાત્રા રોકવામાં આવશે તો એ કેન્દ્ર સરકારને આપેલું સમર્થન પરત લઇ લેશે.

૧૯૯૦, ૧૯ ઓક્ટોબર: વિવાદિત જમીન પર કબજો લેવા માટે કેન્દ્ર સરકારે ત્રણ સુત્રીય વટહુકમ જારી કર્યો જેથી તે રામ જન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે સોંપી શકાય.

૧૯૯૦, ૨૩ ઓક્ટોબર: ભારે વિરોધ થવાને કારણે સરકારે ઉપરનો વટહુકમ પરત ખેંચી લીધો. આ કામ તેણે બીજેપીને વિશ્વાસમાં લીધા વગર કર્યું.

૧૯૯૦,૨૩ ઓક્ટોબર: કેન્દ્ર સરકારના કહેવાથી બિહારની લાલુ સરકારે રથયાત્રાને રોકી. અડવાણીની સમસ્તીપુરમાં ધરપકડ કરી લેવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું. વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર લઘુમતીમાં આવી ગઇ.

૧૯૯૦,૩૦ ઓક્ટોબર -૨ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદના કારસેવક લાખોની સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા. કેટલાક કારસેવકોએ વિવાદિત ઇમારતમાં તોડફોડ કરી ઇમારતની ઊપર ભગવો ઝંડો લહેરાવ્યો. મુલાયમસિંહ યાદવની સરકારે સ્થિતિને કાબુમાં લાવવા માટે ગોળીઓ ચલાવી. ૪૦થી વધુ કારસેવકો રામશરણ થયાં. તેની પ્રતિક્રિયામાં દેશના અનેક હિસ્સાઓમાં રમખાણો ફાટી નીકળ્યા. ઉત્તર પ્રદેશના ૪૨થી વધુ જિલ્લાઓમાં કરફયૂ લગાવી દેવો પડ્યો.

૧૯૯૦,૭ નવેમ્બર: બીજેપીએ ટેકો પાછો ખેંચી લેતા વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સંસદમાં પરાજિત થઈ ગઈ. ચંદ્રશેખર કોંગ્રેસના સહયોગથી દેશના નવા વડાપ્રધાન બન્યા.

૧૯૯૦,૧ ડિસેમ્બર: ઓલ ઇન્ડિયા બાબરી મસ્જિદ એકશન કમિટીએ ૨૨ ડિસેમ્બરે સમગ્ર દેશને ધ્યાને લઈને એક કોન્ફરન્સની વાત કરી. વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટીમાં સુલેહ શાંતિ માટે એક બેઠક પણ થઇ પણ વિશ્વ હિન્દુ પરિષદે કારસેવા ચાલુ રાખવાની વાત કહી. એક અને ચાર ડિસેમ્બરે વડાપ્રધાન ચંદ્રશેખરે  બન્ને પક્ષોને વાતચીત કરવા માટે  સામસામે બેસાડ્યા. બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવાર પણ સામેલ હતા. આ બેઠકમાં એ નક્કી થયું કે બંને પક્ષો પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરે.

૧૯૯૦, ૯ ડિસેમ્બર: સુરેશચંદ્ર નામના એક તથાકથિત શિવસૈનિકે  મસ્જિદ ઉડાવી દેવાની કોશિશ કરી જેને ત્યાં ઉપસ્થિત સુરક્ષા બળોએ નિષ્ફળ બનાવી. આ યુવકને પરિસરમાં જ પકડી લેવામાં આવ્યો. તેણે પોતાના શરીર પર ડાયનામાઈટ બાંધી રાખ્યો હતો.

૧૯૯૦, ૨૩ ડિસેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટીએ પોતપોતાના દાવાઓના સમર્થનમાં દસ્તાવેજો સરકારને સોંપ્યા.

ત્યારબાદ મિત્રો તને વાત કરવી છે  વર્ષ ૧૯૯૧ – ૯૨

કહેવા માટે સમગ્ર ઘટનક્રમમાં આ બે જ વર્ષ છે પણ તેમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં સત્તા મળી અને ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ગુમાવી પણ ખરી. વિવાદિત ઢાંચાના ધ્વંસની સહુથી મહત્વપૂર્ણ  ઘટના પણ આ જ સમયમાં બની જેણે ભારતીય સમાજકારણ અને રાજકારણના તમામ પરિબળો બદલી નાખ્યાં…વર્ષ ૧૯૯૧,૧૮ જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે અયોધ્યામાં માર્યા ગયેલા લોકો માટે  અને ત્યાર પછી થયેલા રમખાણોની તપાસ માટે એક સમિતિની રચના કરી.

૧૯૯૧ : દેશમાં લોકસભાની ચૂંટણીઓ થઈ. ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર બની. કેન્દ્રમાં પી.વી.નરસિંહરાવના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે કાર્યભાર સંભાળ્યો. લોકસભામાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વિપક્ષી દળ બની. મંદિર આંદોલનને કારણે તેને ઉત્તર પ્રદેશમાં સત્તા મળી આના પરિણામે અયોધ્યા આંદોલનમાં વધુ વેગ આવ્યો.

૧૯૯૧,૭-૧૦ ઓક્ટોબર: ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારે ૨.૭૭ એકર જમીનનું અધિગ્રહણ કર્યું. અધિગ્રહિત જમીન પર બનેલા કેટલાક ઘરો અને મંદિરો તોડવામાં આવ્યા.

૧૯૯૧,૨૫ ઓક્ટોબર: હાઈકોર્ટે એક આદેશ આપીને ઉત્તરપ્રદેશ સરકારને અધિગ્રહિત જમીનનો કબજો લેવાનું કહ્યું. પણ અધિગ્રહિત જમીન ઉપર કોઈપણ પ્રકારના કાયમી નિર્માણની રોક લગાવી દીધી.

૧૯૯૧, ૧૫ નવેમ્બર: સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કલ્યાણસિંહને રાષ્ટ્રીય એકતા પરિષદ અને હાઇકોર્ટને તેમણે અપાવેલા ભરોસાના આધાર પર કહ્યું કે તેઓ ૨૫ ઑક્ટોબર ૧૯૧૯ના હાઈકોર્ટના આદેશને કડકાઇથી લાગુ કરે જેમાં વિવાદીત સ્થળ પર કોઈપણ પ્રકારના નિર્માણની મનાઈ હતી.

૧૯૯૨, ફેબ્રુઆરી: ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં વિવાદીત પરિસરની ચારે તરફ રામ દીવાલનું નિર્માણ શરૂ કર્યું.

૧૯૯૨, માર્ચ: ૧૯૮૮-૮૯માં રાજ્ય સરકાર દ્વારા અધિગ્રહિત કરવામાં આવેલી ૪૨.૦૯  એકર જમીન રામ જન્મભૂમિ ન્યાસને રામકથા પાર્ક માટે સોંપી દેવામાં આવી.

૧૯૯૨, માર્ચ થી મે: અધિગ્રહિત કરવામાં આવેલી આ જમીન પર બનેલા તમામ મંદિરો, આશ્રમ અને ભવનોને તોડવામાં આવ્યા. અહીં જમીનોનું સમતલીકરણનું કામ શરૂ થયું.( જુઓ તસવીર)

૧૯૯૨, મે: વિવાદિત પરિસરમાં ખોદકામ અને સમતલીકરણના કામ પર હાઇકોર્ટે રોક લગાવવા પર મનાઈ કરી દીધી.

૧૯૯૨, ૯ જુલાઈ: વિશ્વ હિન્દુ પરિષદે ફરી કાર સેવા શરૂ કરી. સ્થળ પર કોંક્રિટનો ચબૂતરો બનાવવાનું કામ શરૂ થયું.

૧૯૯૨,૧૫ જુલાઈ: હાઈકોર્ટે કારસેવા રોકવા અને ત્યાં ચાલી રહેલા કાયમી નિર્માણ પર રોક લગાવવાનો આદેશ આપ્યો.

૧૯૯૨, જુલાઈ: સુપ્રીમ કોર્ટમાં કલ્યાણસિંહ પર અદાલતની અવમાનનાનો  ખટલો શરૂ  થયો, કારસેવા પણ ચાલુ રહી.

૧૯૯૨,૧૮ જુલાઈ: રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠક મળી જેમાં કોઈ પરિણામ ન આવ્યું. રાષ્ટ્રીય એકતા પરિષદે ઉત્તરપ્રદેશ સરકારને કહ્યું કે હાઇકોર્ટના આદેશનું પાલન કરે અને નિર્માણકાર્યને રોકે.

૧૯૯૨, ૨૩ જુલાઈ: સુપ્રીમ કોર્ટે વિવાદીત સ્થળ પર કોઈપણ પ્રકારના નિર્માણ કાર્ય પર રોક લગાવી દીધી. વડાપ્રધાને ધાર્મિક ગુરુઓ સાથે વાત કરી કારસેવા રોકવા કહ્યું.

૧૯૯૨,૨૬ જુલાઈ: વિશ્વ હિન્દુ પરિષદે ૯ જુલાઈએ શરૂ થયેલી કારસેવા રોકી.

૧૯૯૨, ૨૭ જુલાઈ: વડાપ્રધાને અયોધ્યાની સ્થિતિ પર સંસદમાં નિવેદન આપ્યું.

૧૯૯૨, ઓગસ્ટ- સપ્ટેમ્બર: વડાપ્રધાન કાર્યાલયમાં અયોધ્યા સેલ બનાવવામાં આવ્યો. પૂર્વ કેબિનેટ સચિવ નરેશ ચંદ્રા તેના અધ્યક્ષ બન્યા.

૧૯૯૨, ઓક્ટોબર: વડાપ્રધાનની પહેલ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટી વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. બે બેઠકો થઈ.

૧૯૯૨, ૨૩ ઓક્ટોબર: વિવાદિત પરિસરમાં મળેલા પુરાતત્વીય અવશેષોના અભ્યાસ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટીના નેતાઓની બેઠક મળી.

૧૯૯૨, ૩૦-૩૧ ઓક્ટોબર: ધર્મસંસદ અને કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠકમાં ૬ ડિસેમ્બર ૧૯૯૨થી પુનઃ કાર સેવા શરૂ કરવાનું એલાન.

૧૯૯૨, ૨૩ નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકનો બહિષ્કાર કર્યો. આ બેઠકમાં સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટના ૨૦ નવેમ્બર ૧૯૯૨ના આદેશનું પાલન કરે એટલે કે  કોઈ નિર્માણકાર્ય ન થાય.

૧૯૯૨,૨૪ નવેમ્બર: રાજ્ય સરકારને કહ્યા વગર કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા બળોની એક કંપની અયોધ્યા મોકલી આપી.

૧૯૯૨, ૨૭-૨૮ નવેમ્બર: ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં વિવાદીત ઢાંચાની સુરક્ષા માટે એફિડેવિટ કરી. સુપ્રીમ કોર્ટે પોતાના એક પર્યવેક્ષકની નિમણૂક કરી જેનું કામ એ જોવાનું હતું કે કારસેવાના નામ પર ત્યાં કોઈ કાયમી નિર્માણ ન થાય.  મુરાદાબાદ  જિલ્લા જજ તેજશંકર અયોધ્યામાં પર્યવેક્ષક બન્યા.

૧૯૯૨, ૬ ડિસેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના સમર્થનથી કારસેવકો દ્વારા વિવાદિત ઢાંચો પાડી નાખવામાં આવ્યો. દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા જેમાં ૨૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારને બરખાસ્ત કરી નાખી. મુખ્યમંત્રી કલ્યાણસિંહ સરકારને બરખાસ્ત કરવામાં આવે તે પહેલાં જ પોતાનું રાજીનામું આપી ચૂક્યા હતા. સાંજ સુધીમાં વિવાદીત સ્થળ પર કામચલાઉ મંદિર બનાવી મૂર્તિઓની ફરીથી સ્થાપના કરવામાં આવી. અહીં ૬ અને ૭ ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન દિવાલ અને શેડ બનાવવામાં આવ્યા.

૧૯૯૨, ૬ ડિસેમ્બર: બે એફઆઈઆર બાબરી મસ્જિદ વિધ્વંસની વિરુદ્ધમાં રામ જન્મભૂમિ ચોકીમાં નોંધવામાં આવી. એફઆઈઆર નંબર ૧૯૭ કારસેવકો અને એફઆઈઆર નંબર ૧૯૮ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમાભારતી, અશોક સિંઘલ  સહિત બીજેપીના બીજા નેતાઓની વિરુદ્ધમાં હતી.

૧૯૯૨, ૭-૮ ડિસેમ્બર: રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ પરિસરને કેન્દ્રીય સુરક્ષા બળોએ પોતાના કબજામાં લઈ લીધું.

૧૯૯૨, ૧૦ ડિસેમ્બર: કેન્દ્ર સરકારે આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ લગાવી દીધો.

૧૯૯૨,૧૫ ડિસેમ્બર: પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધ રાખવાના આરોપમાં કેન્દ્ર સરકારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ભાજપની સરકારોને બરખાસ્ત કરી નાખી.

૧૯૯૨, ૧૬ ડિસેમ્બર: બાબરી ધ્વંસ માટે શ્રી અડવાણી સહિત છ આરોપીઓને ધરપકડ કરીને લલિતપુર જેલ મોકલી આપવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ સરકારની એફઆઈઆર નંબર ૧૯૮ કે જેમાં  શ્રી અડવાણી અને સાત અન્ય લોકો આરોપી હતા તેને લલિતપુરની વિશેષ અદાલતને સોંપવામાં આવી.

૧૯૯૨,૨૭ ડિસેમ્બર: કેન્દ્ર સરકારે અયોધ્યાના વિવાદીત સ્થળ અને તેની આસપાસના વિસ્તારને પોતાના અધિકારમાં લેવાનો નિર્ણય કર્યો.

હવે વાત કરીએ વર્ષ  ૧૯૯૩ થી ૨૦૦૯ વચ્ચેની

આ સોળ વર્ષના સમયમાં સરયુ નદીમાંથી ઘણું પાણી વહી ગયું. વિવાદિત ઢાંચામાંથી મુક્ત થયેલા રામલલ્લાને હવે પોતાના જન્મસ્થાનની સાબિતી આપવા માટેની લાંબી કાનુની લડાઇ લડવાની હતી તો ભારતીય સમાજે પણ તેમના સંઘર્ષની ચક્કીમાં પિસાવાનું હતું. બાબરી ધ્વંસના પડઘા પડ્યા, દેશભરમાં ભયંકર અજંપો ફેલાયો, મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, સત્તા પરિવર્તનો થયા અને ૨૦૦૨માં ગુજરાતમાં કારસેવકોને લઈને આવી રહેલી ટ્રેનમાં કારસેવકોને જીવતા જલાવી દેવાયા, એક તબક્કે ફરી વિવાદિત સ્થળ પર આતંકી હુમલાનો પણ પ્રયાસ થયો…

૧૯૯૩, ૭ જાન્યુઆરી: અયોધ્યાના રામ જન્મભૂમિ બાબરી પરિસરની ૬૭.૭ એકર જમીનને કેન્દ્ર સરકારે અધિગ્રહિત કરી લીધી, તેમાં કામચલાઉ મંદિર પણ હતું. આ જ દિવસે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ ૧૪૩એ અંતર્ગત સુપ્રીમ કોર્ટને પ્રેસિડેન્સીયલ રેફરન્સ આપ્યો કે એ બતાવે કે શું વિવાદીત ઢાંચાની નીચે ક્યારેય કોઈ મંદિર હતું કે કેમ? અને ત્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ? સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ રેફરન્સ એવું કહીને પરત મોકલી આપ્યો કે તે આના પર કોઈ સલાહ આપી શકે તેમ નથી.

૧૯૯૩,૨૭ ફેબ્રુઆરી: સીબીસીઆઈડીએ લલિતપુરની વિશેષ અદાલતમાં એફઆઈઆર ૧૯૮માં એક આરોપપત્ર દાખલ કર્યું. જેમાં શ્રી અડવાણી અને બાકીના લોકો પર કલમ ૧૪૭,૧૪૯( ૧૫૩ ૧૫૩એ, ૧૫૩ બી અને ૫૦૫ સિવાયના) અંતર્ગત આરોપો લગાવવામાં આવ્યા.

૧૯૯૩,૧૧ માર્ચ: બાબરી ઢાંચાને પાડી દેવાની પ્રતિક્રિયામાં મુંબઈમાં  બોમ્બ વિસ્ફોટ થયા. આ વિસ્ફોટ અને તેના પછી થયેલા રમખાણોમાં હજારો લોકો માર્યા ગયા.

૧૯૯૩,૬ જુન: ઉત્તરપ્રદેશ સરકારે એફઆઈઆર નંબર ૧૯૮ને  લલિતપુરથી  રાયબરેલીની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરી દીધી.

૧૯૯૩,૨૫ ઓગષ્ટ:  શ્રી અડવાણીના મામલામાં સીબીઆઈ સીબીસીઆઈડીનું સ્થાન લીધું. ઉત્તરપ્રદેશ સરકારે બે અધિસૂચનાઓ જારી કરી મામલાને સીબીઆઈને સોંપી દીધો. પહેલામાં સીબીઆઈને એફઆઈઆર નંબર ૧૯૮ની તપાસની મંજૂરી આપવામાં આવી જ્યારે બીજીમાં સીબીઆઈને મીડિયા પર થયેલા હુમલાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું.

૧૯૯૩, ૮ સપ્ટેમ્બર: ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની સલાહ બાદ અયોધ્યા ધ્વંસના મામલાની સુનાવણી માટે લખનઉમાં વિશેષ અદાલત બનાવી.

૧૯૯૩, ૫ ઓક્ટોબર: સીબીઆઇએ પહેલીવાર તમામ આરોપીઓ સામે ષડયંત્રનો મામલો ૧૨૦ બી અંતર્ગત લગાવ્યો. તેણે તમામ ૪૯ મામલાઓનું એક સંયુક્ત આરોપપત્ર પણ દાખલ કર્યું.

૧૯૯૭, ૯ સપ્ટેમ્બર: વિશેષ ન્યાયાધીશે સીબીઆઈને આરોપિત ૪૯ લોકોની વિરુદ્ધમાં આરોપ લગાવવાનું કહ્યું, તે પૈકીના ૩૩ લોકોએ હાઈકોર્ટની લખનૌ પીઠમાં પુનર્વિચારની અરજી દાખલ કરી. શ્રી અડવાણીએ કોઈ પુનર્વિચાર અરજી દાખલ કરી નહીં.

૧૯૯૮: ભારતીય જનતા પાર્ટી  કેન્દ્રમાં સત્તા પર આવી.

૨૦૦૧,૧૨ ફેબ્રુઆરી: હાઈકોર્ટે 33 આરોપીઓની પુનર્વિચાર અરજી સ્વીકાર કરી લીધી.

૨૦૦૧,૨૪ જુલાઇ: મોહમ્મદ અસલમ ઉર્ફે ભુરેએ હાઇકોર્ટના ૧૨મી ફેબ્રુઆરીના ચુકાદાની વિરૂધ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી.

૨૦૦૧, ૨૦ ઓગષ્ટ: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને સીબીઆઇને ભૂરેની અપીલની સામે જવાબી સોગંદનામું દાખલ કરવા કહ્યું.

૨૦૦૨: ફેબ્રુઆરીમાં વિશ્વ હિન્દુ પરિષદે મંદિર નિર્માણ ફરીથી શરૂ કરવા માટે ૧૫ માર્ચની અંતિમ તારીખ નક્કી કરી. દેશભરમાંથી કારસેવકો અયોધ્યામાં એકઠા થવા લાગ્યા. કારસેવકોને લઈને પરત જઇ રહેલી સાબરમતી એક્સપ્રેસના ડબ્બા એસ-૬ પર ગુજરાતના ગોધરામાં હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ૫૮ કારસેવક જીવતા સળગાવી નાંખવામાં આવ્યા. આ ઘટના પછી સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં જેમાં એક હજારથી વધારે લોકોના મોત થયા.

૨૦૦૨, એપ્રિલ: અલ્હાબાદ હાઇકોર્ટમાં ત્રણ જજોની વિશેષ બેંચ સમક્ષ એ વાતની સુનાવણી શરૂ થઈ કે વિવાદીત સ્થળ પર કોનો અધિકાર છે.

૨૦૦૩: ઈલાહાબાદ હાઈકોર્ટની વિશેષ બેન્ચે એએસઆઈને એ વાતની તપાસ કરવાનું કહ્યું કે શું ત્યાં પહેલા કોઈ મંદિર હતું? હાઈકોર્ટે કહ્યું કે તે ત્યાં ખોદકામ કરીને આ વાતની તપાસ કરે. એએસઆઇને મસ્જિદ નીચે ૧૧મી સદીનું એક મંદિર હોવાના પુરાવા મળ્યા.

૨૦૦૪: છ વર્ષના બીજેપીના શાસન બાદ કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા આવી. ઉત્તરપ્રદેશની એક અદાલતે કહ્યું કે શ્રી અડવાણીને નિર્દોષ જાહેર કરવા પર વિવેચન થવું જોઈએ.

૨૦૦૫, જુલાઈ: કેટલાક સંદિગ્ધ ઈસ્લામી ઉગ્રવાદીઓએ વિવાદીત સ્થળ પર આક્રમણ કર્યું. વિવાદિત પરિસરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા આ પાંચ આતંકીઓને સુરક્ષાબળોએ ખતમ કરી નાખ્યા.

૨૦૦૯, જુન: બાબરી ધ્વંસની તપાસ માટે બનાવવામાં આવેલા લિબ્રહાન કમિશને પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો. સંસદમાં હંગામો થયો કારણકે અહેવાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિધ્વંસમાં સામેલ હોવાની વાત કહેવામાં આવી હતી.

હવે વાત કરીએ અંતિમ તબક્કાની એટ્લે કે વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૦ની

આ અંતિમ દસકો રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષનો અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ પડાવ હતો. અલાહાબાદ હાઇકોર્ટના જમીનના કબજાને લઈને અપાયેલા ચુકાદાએ મામલો વધુ ગુંચવ્યો અને બધું વાજતે ગાજતે સર્વોચ્ય અદાલતમાં ગયું. ૨૦૧૪માં ભાજપની સ્પષ્ટ બહુમતિવાળી, રથયાત્રાના અદૃષ્ટ સારથીના નેતૃત્વમાં સરકાર બની અને રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો થયો. સર્વોચ્ચ અદાલતમાં પણ ઘણી દિલધડક કાનુની પ્રક્રિયાઓ અને દસ વર્ષની દલીલો પછી ૯ નવેમ્બર,૨૦૧૯ના રોજ પાચ જજોની બેંચે શકવર્તી ચૂકાદો આપી રામલલ્લાને આખરે એમનું ઘર પરત અપાવ્યું. આવો અંતિમ કડીમાં જોઈએ કેટલીક મહત્વની ઘટનાઓ.

વર્ષ ૨૦૧૦: અલ્હાબાદ હાઈકોર્ટે આ વિવાદને લઈને દાખલ કરવામાં આવેલી ચાર અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો. આ ચુકાદામાં હાઇકોર્ટે કહ્યું કે વિવાદીત સ્થળને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવે. એક તૃતિયાંશ હિસ્સો રામલલ્લાને આપવામાં આવે જેનું પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભાની પાસે છે. એક તૃતિયાંશ હિસ્સો સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને આપવામાં આવે અને ત્રીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવે. ડિસેમ્બરમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા અને સુન્ની વકફ બોર્ડ આ ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા.

૨૦૧૧: સુપ્રીમ કોર્ટે જમીનની વહેંચણી પર રોક લગાવી દીધી અને કહ્યું કે સ્થિતિને પૂર્વવત બનાવી રાખવામાં આવે.

૨૦૧૪: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી અને કેન્દ્રમાં પાર્ટી સત્તા પર આવી.

૨૦૧૫: વિશ્વ હિન્દુ પરિષદે ફરી રાજસ્થાનથી રામ મંદિરના નિર્માણ માટે શિલાઓ એકઠી કરવાનું આહવાન કર્યું. છ મહિના બાદ ડિસેમ્બરમાં વિવાદીત સ્થળ પર બે ટ્રક ભરીને શિલાઓ પહોંચાડવામાં આવી. મહંત નૃત્યગોપાલદાસે દાવો કર્યો કે મોદી સરકાર દ્વારા મંદિર બનાવવાની મંજુરી  મળી ગઈ છે. ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ સરકારે કહ્યું કે તેઓ અયોધ્યામાં શિલાઓ લાવવાની મંજૂરી નહીં આપે.

૨૦૧૭ માર્ચ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૧૯૯૨ના વર્ષમાં શ્રી અડવાણી અને અન્ય નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપો  પરત નહીં લઈ શકાય અને આ કેસની તપાસ ફરીથી કરવામાં આવે.

૨૦૧૭, ૨૧ માર્ચ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો સંવેદનશીલ છે અને તેનું સમાધાન કોર્ટની બહાર થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે સહુ પક્ષોને સહમતી બનાવીને સમાધાન શોધવા કહ્યું.

૨૦૧૭, ૫ ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટે ૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ મામલામાં અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની દાખલ થયેલી તમામ જનહિત અરજી પર ઝડપી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો.

૨૦૧૮, ૮ ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે સહુ પક્ષોને બે અઠવાડિયામાં પોતાના દસ્તાવેજ તૈયાર કરવાનો આદેશ આપ્યો સાથે એ પણ કહ્યું કે હવે આ મામલામાં કોઇ નવા પક્ષકાર નહી જોડાઈ શકે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે આ મામલાને જમીનના વિવાદની જેમ જ જોઈશું.

૨૦૧૮, ૧૪ માર્ચ: સુપ્રીમ કોર્ટે આ મામલામાં બિનજરૂરી દખલગીરીથી બચવા માટે મુખ્ય પક્ષકારો સિવાયના બાકીના ત્રીજા પક્ષો તરફથી દાખલ કરવામાં આવેલી ૩૨ હસ્તક્ષેપ અરજીઓને કાઢી નાખી. હવે એ જ પક્ષકારો રહ્યા કે જેઓ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા વખતથી કેસમાં સામેલ હતા. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે જો બંને પક્ષ સમાધાન માટે રાજી હોય તો કોર્ટ તેની મંજૂરી આપી શકે છે પણ તે કોઈ પણ પક્ષને આવું કરવા માટે મજબૂર નથી કરી શકતી.

૨૦૧૮,૨૭ ડિસેમ્બર: અયોધ્યા મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની પીઠે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની માંગણી નકારી કાઢતા “ઈસ્માઈલ ફારૂકી” મામલાની પુનર્વિચાર માટે તેને મોટી ખંડપીઠ પાસે મોકલવાની મનાઈ કરી દીધી. વર્ષ ૧૯૯૪ના આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે નમાઝ માટે મસ્જિદને ઇસ્લામનું અભિન્ન અંગ માનવાથી ઇનકાર કરી દીધો હતો. મુસ્લિમ પક્ષનો દાવો હતો કે અયોધ્યા મામલા પર અલાહાબાદ હાઇકોર્ટનો વર્ષ ૨૦૧૦નો ચુકાદો “ઈસ્માઈલ ફારુકી” ચુકાદાથી પ્રભાવિત હતો એટલે તેના પર પુનઃ વિચારણા કર્યા સિવાય અયોધ્યાના “ટાઈટલ સુટ” પર સુનાવણી ન થવી જોઈએ.મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યની પીઠે ૨-૧ની બહુમતીથી આદેશ આપ્યો કે અયોધ્યા મામલા પર “ઈસ્માઈલ ફારુકી” કેસની કોઈ અસર નથી અને જમીનના વિવાદ પર નિર્ણય પુરાવાઓના આધારે આપવામાં આવે. આ મત પીઠના અધ્યક્ષ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણનો હતો જ્યારે પીઠના ત્રીજા સભ્ય જસ્ટિસ એસ. અબ્દુલ નજરે અસહમતી વ્યક્ત કરી. તેમના મત પ્રમાણે મસ્જિદ ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં તેનો ફેંસલો ધાર્મિક આસ્થાના આધાર  પર થવો જોઈએ અને તેના માટે વિસ્તૃત વિમર્શની જરૂર છે.

૯ નવેમ્બર,૨૦૧૯: જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતવાળી પાચ જજોની ખંડપીઠે સ્પષ્ટ, શકવર્તી ચૂકાદો આપી જમીનનો કબજો રામલલ્લાને આપ્યો અને સરકારને એક ટ્રસ્ટ રચવા આદેશ કર્યો, તેની સાથે જ રામલલ્લાના ભવ્ય નિવાસના નિર્માણનો માર્ગ મોકળો થયો.

તો મિત્રો આ હતી રામ મંદિર વિષે અતથી ઇતિની વાતો. જ્યારે આજે અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધિ થઈ ત્યારે આખા દેશમાં એક કોમી એકતા જોવા મળી એટલું જ નહીં પણ દેશના તમામ લોકોમાં ખુશીનો માહોલ હતો. આશા છે તમને આ માહિતી ઘણી ઉપયોગી નીવડશે. આવી જ અવનવી માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોતાં રહો અબતક

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.