Abtak Media Google News

પર્યાવરણના જતનથી પૃથ્વીને કરીએ પુલકિત આ અભિગમને સાકાર થતો જોઇ શકાય છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામમાં ! પર્યાવરણના જતનને જનસહયોગથી સાર્થક કરી રહયું છે. કુકમા!! માત્ર વર્તમાન જ નહીં પરંતુ સ્વસ્છ અને સ્વસ્થ ભવિષ્યના ટકાઉ વિકાસને ચરિતાર્થ કરી રહયું છે કુકમાનું પર્યાવરણ.  60 હજાર જેટલાં વૃક્ષોના જતન, પશુપક્ષીની માવજત, જળસંચય  શુધ્ધિ અને પ્લાસ્ટિક મુકત જીવનશૈલી અપનાવવાના સકારાત્મક પગલાંથી કુકમા જુથ ગ્રામ પંચાયતની આવકારદાયક અને પ્રશંસનીય કામગીરી જનસહયોગથી વધુ દીપી ઉઠી છે. જેના પગલે વર્ષ 2020માં પર્યાવરણ જતન પણ કુકમાને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ અપાવવાનો એક માપદંડ બન્યું હતું.

2017થી આજદિન સુધી સરપંચ કંકુબેન અમૃતલાલ વણકરની આગવી કોઠાસૂઝના પગલે ગામમાં અને આસપાસ સાત-વનોમાં 60 હજાર વૃક્ષોથી હરિયાળી લહેરાઇ રહી છે. કુકમાના મતીયા દેવ મંદિર પ્રાંગણમાં દરરોજ દસ હજાર લીટર ગટરનું પાણી શુધ્ધ કરવાના પ્લાન્ટથી પ એકર જમીનમાં કાસીદ, સોનાલી, સરુ, સેમલ, ગુલમહોર, કરંજ જેવા 15 જાતના વૃક્ષો ગત સપ્ટેમ્બરથી પાણી પીને ઉછરી રહયા છે. ગામનાં ગટરના શુધ્ધિ પાણીના નવીનીકરણ પ્રોજેકટ મીયાવાકીમાં એક એક ફૂટના અંતરે 7 હજાર જેટલા વૃક્ષો ઉછર્યા છે. તો આગામી સમયમાં અન્ય 1 લાખ વૃક્ષો ઉછેરવાનો ઉદેશ છે. આ વનોમાં 45 જેટલા ગામના યુવાનો સ્વેચ્છાએ સેવા આપી ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહયા છે તો ગામની આસપાસ આવેલી કંપનીઓ અને ટ્રસ્ટો પણ આ પર્યાવરણ જતનમાં વિવિધ રીતે જોડાયેલા છે. જેમાં મનરેગા હેઠળ મહિલાઓ પણ રોજગારી મેળવી રહી છે.

Img 20210604 Wa0161

ગામ ભૂગર્ભજળ બચાવવા ગામમાં જ એસીટી સંસ્થા દ્વારા તાલીમ પામેલા 300 વિધાર્થીઓને ભૂગર્ભજળ સંચયની ઉત્તમ કામગીરી કરી ગામનું જળ ગામમાં અને સીમનું જળ સીમમાં વાતને ચરિતાર્થ કરી છે. માત્ર જળસંચય અને સંગ્રહ જ નહીં પણ જળશુધ્ધિ અને સફાઇનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

કુકમાના તળાવો કચ્છની ધોમધખતી ગરમીમાં પણ છલોછલ લહેરાતાં જોઇ શકાય છે સ્વસ્છ કિનારા સાથે !! ગ્રામ મહિલાઓ તળાવે કપડાં ધોવા માટે ગ્રામજનો સાથે મળી સરપંચ કંકુબેને તળાવ કે જળસંગ્રહ સ્થાનો પર કચરો, પ્લાસ્ટિક નાંખનારને બે વાર ચેતવણી બાદ રૂ.100 નો દંડ અમલી કરેલ છે. દર અમાસે ગામ તળાવોની સફાઇ કરાવવામાં આવે છે.

ગ્રામ પંચાયતમાં બેઠા બેઠાં સરપંચ દાતાઓના સહયોગથી 25 સીસીટીવી કેમેરાથી સમગ્ર ગામ પર નજર રાખી શકે છે. તેમજ ગંદકી ફેલાવનાર કે કરનાર પર તેમનું ધ્યાન રહે છે. ગામ તળાવોમાં કિનારા અને પાણી શુધ્ધિ રહે તેમજ લોકોની આસ્થા સચવાય તે માટે તળાવ કિનારે ધાર્મિક વિસર્જન કુંડો અને પુજાપા કુંડ પણ મુકેલા છે. આથી સ્વચ્છતા જળવાય અને આસ્થાનું માન રહે આ અભિગમને પણ ગામે સહર્ષ વધાવ્યો છે એમ સરપંચ કહે છે.

જાહેરમાં કચરો કે પ્લાસ્ટિક નાખનારને દંડ ભરવો પડે છે

ગામમાં માત્ર કચરો જ નહીં પણ ડોર ટુ ડોર વેસ્ટ પ્લાસ્ટિક કલેકશન માટે બે માણસો અલગથી રાખ્યા છે. ઘેર ઘેર પ્લાસ્ટિક ભેગું કરવું તેમજ કચરાથી પ્લાસ્ટિક એકઠું કરનારને બદલામાં અનાજ અપાય છે અને વેસ્ટ પ્લાસ્ટિકના બદલામાં એક ખાનગી કંપની પંચાયતને ટેબલ ખુરશી, જોઇતી વસ્તુ પરત કરે છે. કચરો તેમજ અતિ વેસ્ટ પ્લાસ્ટિકને મજુર પણ સકારાત્મક ઉપયોગ કરી શકે છે.સરપંચ કંકુબેન કહે છે,  ગામ કે કોઇપણ સ્થળ સંપૂર્ણ પ્લાસ્ટિક મુકત તો ના થઇ શકે પણ અમે જનજાગૃતિ અને શાળાઓ વિધાર્થીઓને બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જણાવીએ છીએ. કુકમાના ગ્રામજનો ના છુટકે જ પ્લાસ્ટિક વાપરે છે. ગ્રામ પંચાયતને આ માટે કપડાંની થેલી પણ વિતરણ કરી હતી. જાહેરમાં કચરો નાંખનાર કે પ્લાસ્ટિક નાંખનારને પણ દંડ ભરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.